દોઢ લાખ ! આ તો નગદ્ નારાયણની વાત ! કોણ આપે ?
- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ
'બા !'
'શું છે ?'
'જો, મારી તો આવકજ સાધારણ છે. માંડ માંડ ઘરનો ખર્ચો નીકળે છે.. આવક વગર ઘરનું ગાડું શી રીતે ચાલે?'
'મને ખબર છે, બેટા ! તારી દુકાન પણ બરાબર ચાલતી નથી !'
'તો પછી બા, એક વાત કહું ? ખોટું તો નહિ લાગે ને ?'
નંદાબા નાના દીકરા તપનને સાંભળી રહ્યાં હતાં ! એ કશુંક કહેવા માગતો હતો ! નંદાબાએ અંદાજ લગાવ્યો. કદાચ પૈસા માગશે ! પણ પૈસા તો મારી પાસે છે જ ક્યાં ? જે હતું તે તો બેય ભાઈઓને વહેંચી આપ્યું.. અને એમની નજર સમક્ષ એ દિવસ રમી રહ્યો. જ્યારે જે હતી તે મિલકતની વહેંચણી થઈ હતી. મોટો વિશાલ અને નાનો તપન હા, ત્યારે દીકરી તોરલ પણ હાજર હતી.
બેય ભાઈ કહેતા હતા : 'બા, હવે વહેંચી દઈએ !
'શું મિલકત !
'કેટલા ભાગ પાડશો ?
'બે.
'અને બહેનને કશું નહિ આપો ?
'બહેનનો ભાગ બાપની મિલકતમાં ન હોય !
' સારું.
ઘરમાં જે રકમ હતી તેના બે ભાગ પડી ગયા. સોના-ચાંદીનાં ઘરેણાનાંય ભાગ પડી ગયા. બેય જણા રાજી રાજી થઈ ગયા. નંદાબાએ કહ્યું : 'હવે તમારા ભાગમાંથી થોડું થોડું બહેનને પણ આપો. જે આપવું હોય તે. મોટા વિશાલે હજારેક રૂપિયા તો તોરલને આપ્યા. તોરલ રાજી રાજી થઈ ગઈ : 'સુખી થા, મારાવીરા !
'હવે તું આપ, જે આપવું હોય તે. નંદા બા બોલ્યા.
'મારે તો ખર્ચો મોટો છે. બે દીકરીઓ અને એક દીકરો... મારાથી નહિ અપાય ! તપને હાથ જોડયા.
'ભલે, મારાવીરા ! તું રાજી રહે એટલે થયું ! સુખ થજો બંને : મારા માડી જાય વીરા !
બે નાનાં નાનાં ઘર વહેંચાઈ ગયાં. રૂપિયા-પૈસા વહેંચાઈ ગયા. નંદા બા માટે ત્રીજું એક માટીના ભીંતડાંવાળું ઘર હતું. છાપરા જેવું એ આપવામાં આવ્યું. થોડા રૂપિયા-પૈસા પણ !
હા, નાનાની તો એક જ વાત હતી. 'આમાં બહેનનો ભાગ ન હોય ! છુંટક કામ કરતો. દિવસો ભરતો, ને થોડી ઘણી આવક થતી. હા, એની એક વાત તો સાચી હતી કે એનો ખર્ચો વધારે હતો ! ને આવક ? કારખાનામાં કામ કરે ત્યારે દિવસ ભરાય, ને મહીને દહાડે દસ-બાર હજાર આવે. પણ આટલામાં ઘર કેમ ચાલે ? એની ઘરવાળી કામિની પણ બૂમો પાડતી. 'આવક વગર કરવું શું ?' ખાવું શું ? દીકરા દીપનને ભણાવવાનો ! ઊંચી ફી. ને બીજા ય ખર્ચા ! શું કરીએ !
બા, ખોટા ખર્ચા કરે છે !
'એટલે ?'
'બધુ બહેનને આપી દે છે. તોરલ બહેન આવે છે એટલે સાડી લઈ આપે. બસો પાંચસો રોકડા આપે. ને એકાદ મોટી ભેટ પણ આપે !'
'તને ખબર છે ?'
'હા, સંધુય જાણું છું !'
અને એટલે જ તો તપને એ દિવસે કહ્યું : 'બા, ખોટું લગાડીશ નહિ પણ બહેન પાછળ શા માટે આંધળો ખર્ચો કરે છે ? મારે કેટલી તાણાં તાણ છે. મને આપતી હોય તો !'
ત્યાં જ એ દિવસે ન થવાનું થયું. તપનનો દીકરો દીપન સ્કૂલેથી છુટીને ઘેર આવવા રસ્તો ક્રોસ કરવા જતો હતો. ત્યાં જ ટ્રકે ટક્કર મારી. લોહી લુહાણ થઈ ગયો દીપન. પગનું હાડકું ભાંગી ગયું ! હવે ?
તેને દવાખાને દાખલ કરાયો. ડોક્ટરે કહ્યું : પગનું ઓપરેશન કરવું પડશે ! દોઢ લાખ રૂપિયા થશે. કારણ કે ઇજાઓ આખા શરીરે થઈ છે !
'હેં ? દોઢ લાખ ?'
'હા !'
તપન ઘેર આવ્યો. સગાં વહાલાં પાસે ઉછીના માગી જોયા. કોઈએ ન આપ્યા. મોટા વિશાલ પાસે ગયો. એણે પણ ના પાડી દીધી. હવે શું કરવું ? બધાને ખબર પડી ગઈ. પણ આ તો નગદ નારાયણની વાત ! કોણ આપે ?
ત્યાં જે સવારે અચાનક જ બહેન તોરલનું આગમન થયું. 'લ્યો, આવ્યા તમારાં બહેન ! આપો એમને ભેટ સોગાદ ! પત્નીએ કહ્યું : ત્યાં જ તોરલ તપન પાસે જઈને ઉભી રહી. વીરા મારી આ સોનાની ચારબંગડીઓ અને ચેઈન... મારે તો બગસરાની પહેરીશ તોય ચાલશે. ઓપરેશન કરાવી બચાવી લે મારા ભત્રીજાને ! જો જે પૈસા ખાતર ઘરનો દીવો ન હોલવાઈ જાય ! વેચી નાખ આ બધું જ... ને પહોંચી જા હોસ્પીટલે !'
આખા ય ઘરમાં રાજીપો, રેલાઈ રહ્યો. ને એણે પત્નીને કહી દીધું : 'મારી બહેની માટે જમવાનું બનાવી. હું આ વેચીને હોસ્પીટલે જઈને આવું છું.' ને એ દોડયો. જાણે ઉડયો. ને એની ઘરવાળી ય તોરલનાં ઓવારણાં લઈ રહી ! બહેનબા, હવે તો ભત્રીજાને સાજો કરીને જ જવાનું છે.