'આ બંને વચ્ચેની મારામારીનું કારણ શું ?'

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
'આ બંને વચ્ચેની મારામારીનું કારણ શું ?' 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- તું ભેંસ ન ખરીદીશ, કારણ કે હું ખેતર ખરીદવાનો છું. તારી ભેંસ મારા ખેતરનો પાક ચરી જશે તો?

'પ ણ મિ. ઝવેરી, આમાં મને એ સમજાતું નથી કે મારામારીનું કારણ શુ ? સમજી લો મિ. એડવોકેટ ! જ્યારે કોઈ ઘટના બને છે, ત્યારે કોઇ કારણ તો અવશ્ય હોય છે. ઘટના હોય ત્યાં કારણ હોય જ !'

'કારણ ? મિ. લોર્ડ..'

'હા, કારણ!'

'કારણ તો કશું જ નથી. અને હોય તો અમને જ પૂછ્વું પડે!'

'પૂછો.'

આરોપીના બોક્સમાં અલગ અલગ ઊભેલા બે ય જણને મિ. ઝવેરીએ પૂછ્યું : 'તમારા બે વચ્ચે લોહીલુહાણ થઇ જવાય એવી મારામારીનું કારણ શું છે ? જજ સાહેબ એ જાણવા માગે છે કે મારામારીનું કારણ શું ? આવો ખતરનાક ઝઘડો કેમ થયો ?'

બે ય જણા નીચું મોઢું કરીને ઊભા રહ્યા : 'મારામારી થઇ હતી એ વાત સાચી ! ઝઘડો થયો એ વાત પણ સાચી ! પણ કારણ વગર કોઇ અમસ્તુ મારામારી કરતું નથી. એમાં તમને તો એકમેકના માથા ફોડી નાખ્યા છે, એકબીજાને લોહીલુહાણ કરી નાખ્યા છે. એ બધું કારણ વગર થયું ? એમાં ય પાછા તમે તો પાક્કા ભાઈબંધ છો, તો ય આવું કર્યું ? શું છે કારણ ?'

- બે ય જણા એકબીજાની સામે જોવા લાગ્યા બે ય હતા જુવાનજોધ. ઘાટીલી કાયાવાળા. એકબીજાને મળ્યા વગર ચાલે નહિ! બે કાયા, પણ જીવ એક !

આખા ગામમાં બે યની દોસ્તી વખણાય. કહે પણ ખરા : 'દોસ્ત હોય તો આવા હજો !'

તો ય બેઉ જણ લડયા. એકમેકનાં માથાં ફોડી નાખ્યાં. એક બીજાને લોહીના રંગથી રંગી નાખ્યાં ! પોલીસ આવી, ને બે ય ને પકડીને લઇ ગઈ !

ધોલધાપટ પણ કરી !

થોડાક ડંડાય, ફટકાર્યો !

તે બપોરે એ બે ય ગુનેગારોને કોર્ટ સમક્ષ હાજર કર્યા. પણ ન તો એડવોકેટ મિ. ઝવેરીને સમજાતું હતું કે, ન તો જજ સાહેબને સમજાતું હતું. હા, એટલું સમજાતું હતું કે આવી ખતરનાક મારામારી પાછળ કારણ પણ મોટું જ હશે !

સમજાતુ નહોતું.

બેય મિત્રો.

બે શરીર પણ જીવ એક !

પાક્કી દોસ્તી !

બે ય જણા એકબીજાને ઇશારા કરતા હતા : 'તું કહે !' 'ના, તું કહે !' 'ના, તું !' 'ના, તું !'

મિ. ઝવેરી સમજી ગયા. એમણે કહ્યું : 'ના, તુ. !' 'ના, તું !' શું કરો છો ? કહી નાખો કોઇ એક જણ જે હોય તે ! જે હોય તે સાચે સાચું કહેજો. કોઇ વાત છુપાવશો નહિ ! ઝટ કરો'

ને ત્યાં જ એક જણ બોલી ઊઠયો : 'લો, હું જ કહું છું, વકીલ સાહેબ ! પણ એક વાત જરૂર છે..સાંભળીને તમે હસી પડશો. માનનીય જજ સાહેબ પણ હસી પડશે!'

'એમ ?'

'હા'

'હસવા જેવી વાત છે ?'

'હા વાતના મૂળમાં જ હાસ્ય છે !'

'તો કહેવા માંડો'

'સાંભળો..' એક જુવાન, જેનું નામ લાલજી હતું. એણે કહેવા માંડયું : 'એ વાત સાચી છે, સાહેબ કે અમે બંને જીગરી મિત્રો હતા. એકબીજાને જોઇએ નહિ ત્યાં સુધી ખાવાનું ન ભાવે. ક્યારેક તો અમે એકબીજાને ઘેર જતા, ને તેને ત્યાં જ જમી લેતા. શરીર જ અલગ હતા, જીવ તો એક જ હતો. આખા ગામમાં જ નહિ, આસપાસના ગામોમાં પણ અમારી દોસ્તી વખણાતી! અમારી દોસ્તીની સુવાસે ગામની સરહદ પાર કરી દીધી હતી. રામજી વગર મને ન ગમે, ને લાલજી એટલે કે મારા વગર રામજીને ન ગમે !' ભૂતનું ઠેકાણું આંબલી ! મને શોધવો હોય તો રામજીને ત્યાં, ને રામજીને શોધવો હોય તો મારે ત્યાં આવવું પડે !'

'તો પછી ઝઘડયા કેમ ?'

- વકીલ મિ. ઝવેરી વચ્ચે જ બોલી ઊઠયા.

'એ જ કહું છું એક દિવસ અમે બે મિત્રો ગામને અડીને વહેતી નદીની ભીની રેતમાં બેઠા હતા. અલક મલકની વાતો કરતા હતા. ત્યાં જ અચાનક રામજી બોલ્યો. લાલજી, હું ખેતર ખરીદવાનો છું !'

'એમ ?'

'હા'

'તું ખેતર ના ખરીદીશ. કારણ કે હું ભેંસ ખરીદવાનો છું. ભેંસનું ઠેકાણું નહિ. તારા ખેતરમાં ય ઘુસી જાય !'

માટે તું ખેતર ના ખરીદતો !

'ના ખરીદું ? 

મારી વાત પાક્કી છે. તું ના ખરીદતો ભેંસ !'

'નહિ ! તું ખેતર ખરીદવાનું માંડી વાળ.'

'માંડી શુ કામ વાળું ? લે, આ રહ્યું મારું ખેતર !' આમ કહીને રામજીએ નદીની ભીની રેતમાં આંગળી વડે લંબચોરસ દોર્યું : 'આ મારું ખેતર !'

'તો હું ય ભેંસ તો ખરીદવાનો જ છું. લે, આ રહી મારી ભેંસ ! જો, તારા ખેતરમાં ઘુસે છે કે નહિ ? આટલું કહીને મેં આંગળી વડે તેના ખેતર એટલે કે લંબચોરસમાં આડો લીટો દોરી દીધો !'

'એ તારી ભેંસ મારા ખેતરનો પાક ચરી જશે !'

'ભેંસ છે, ચરી જ જશે !'

'ડફોળ, તે ભેંસ કેમ ખરીદી?'

'તેં ખેતર કેમ ખરીદ્યું ?'

ને બેય જણા બધું જ ભૂલી જઈને મારામારી પર ઊતરી આવ્યા. એકમેકના માથા ફોડી નાંખ્યા..લોહીલુહાણ થઇ ગયા બંને ! પછી તો આવી ગઈ પોલીસ !

ને મિ. ઝવેરી અને જજ સાહેબ હસી પડયા. વકીલે કહ્યું : 'સાહેબ, બેયને સખતમાં સખત સજા કરો '

'એમ જ થશે !'

'તમારા જેવા મૂર્ખ માણસો મેં ક્યાંય જોયા નથી. ખુની હુમલા બદલ તમને બંનેને બે વર્ષની સખ્ત સજા ફટાકરવામાં આવે છે !!'


Google NewsGoogle News