મારી જિંદગીની ભવ્ય ઈમારતના પાયાની ઈંટ તમે મૂકી છે, સાહેબ!!
- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ
- અને શાળાના મેદાનમાં પોલીસનો કાફલો ખડકાઈ ગયો!!
'અ ચાનક આ શું ?' આચાર્ય સૂર્યકાન્તજીના મુખમાંથી દ્રશ્ય જોઈને શબ્દો સરી પડયા ! માત્ર આચાર્ય જ નહિ, આખો સ્ટાફ ચકિત થઈ ગયો ! મેદાનમાં રમનારાં બાળકો અને ગીત ગવડાવતાં શિક્ષિકામેડમ ગૌરીબહેન પણ આંખો પટપટાવવા લાગ્યાં ! સહુના મનમાં એક અને માત્ર એક જ સવાલ ઊઠતો હતો : 'શું છે આ બધું ? આ તો શાળા છે, અહીં પોલીસનો કાફલો શા માટે ? અહીં તો શિક્ષકો છે ને બાળકો છે... અહીં કોઈ ગુનેગાર નથી કે પોલીસનો કાફલો તેને પકડવા આવ્યો હોય ! આ તો ભાઈ નવી નવાઈની વાત ?'
વાત આશ્ચર્ય પેદા કરનારી હતી!
એક શાળા માટે સાવ નવી હતી !
ત્યાં જ એક પોલીસવાળો શાળા નજીક આવ્યો ને પૂછવા લાગ્યો : 'આચાર્ય ક્યાં છે ?'
'હું છું, સૂર્યકાન્ત દવે.'
'અમે ? ને આચાર્યશ્રી સામે જોતાં તે બોલ્યો : 'અમારા સાહેબ તમને મળવા આવે છે.''
'રાજ્યના પોલીસવડા આવે છે, એમ ? પણ મારી શું પૂછપરછ કરવી હશે ? હું ઓછો જ કોઈ ગુનામાં સંડોવાયો છું ? કે પછી કોઈએ મારું ખોટું નામ આપ્યું હશે ?' મનોમન પ્રશ્નો પૂછતા રહ્યા આચાર્ય મિ. સૂર્યકાન્તજી ! થોડાક ગમગીન પણ થઈ ગયા ! આ તો પોલીસ છે. નિર્દોષને ય શંકાની નજરે જુએ ! ક્યારેક તો કોઈ ગુનામાં ફસાવી દે ! ભલું પૂછવું પોલીસ ડિપાર્ટમેન્ટનું ! વિચાર્યું ન હોય તેવું કરી નાખે !
ત્યાં જ દરવાજે ચહલપહલ મચી ગઈ. દરવાજામાં પોલીસની અફલાતુન કાર દાખલ થઈ રહી હતી. સ્કૂલ આગળ આવીને ઊભી રહી ! પોલીસે કારનું બારણું ખોલ્યું ને એમાંથી રાજ્યના પોલી વડા બહાર આવ્યા. ઊંચા, મજબૂત બાંધાના, કદાવર ! ચહેરા પર મૂછો છે : આંખો પર ગોગલ્સ છે. ગોરો ગારો વાન છે. રાતા ચટ્ટક હોઠ છે. કોટ છે, ટાઈ છે ને માથા પર પુલિસીયા ટોપી છે. એમણે એક પોલીસને પૂછપરછ કરી પોલીસે દૂર ઊભેલા આચાર્યને તરફ આંગળી ચીંધી 'પે...લા ઊભા એ !'
ને પોલીસવડા ડગલાં માંડતા આગળ વધ્યા. આચાર્યશ્રીની નજીક ગયા. આચાર્યનું દિલ ધડકી રહ્યું : હમણાં પોલીસવાળી કરવા માંડશે ?' થોડીક ગભરામણ પણ થઈ.
પણ આ શું ?
પોલીસવડા સાવ નજીક આવી ગયા... ને અચાનક આચાર્યશ્રીના પગમાં પડી ગયા !
સહુ જોઈ રહ્યા !
સહુ આશ્ચર્ય પામી રહ્યા.
કોડી જેવી સહુની આંખો પકોડા જેવી પહોળી થઈ ગઈ ! આચાર્યશ્રીએ પોલીસવડાને ઊભા કર્યા. ને બોલ્યા : 'તમે છો કોણ ? ને મારા પગમાં શા માટે પડયા ?'
'મને ન ઓળખ્યો, સાહેબ ?'
'ના ! તમે જ ઓળખાણ આપો !'
'હું હેમંત... હેમંત ઠાકર... તમે જ તો મારી જિંદગી બનાવી છે. મારા જીવનના તમે ઘડવૈયા છો, સાહેબ ! યાદ કરો, સાહેબ ! વરસોનાં વહાણાં વાઈ ગયાં. મારા પિતાજી આ ગામમાં જ તલાટીની નોકરી કરતા હતા. પણ અચાનક લકવાનો હુમલો થતાં નોકરી છુટી ગઈ હતી. ખાવાનાય સાંસા હતા. પણ એમની ઈચ્છા હતી કે હું ભણું...! ખૂબ ભણું ! ખૂબ આગળ ભણું ! ખૂબ આગળ વધુ ! મોટો અધિકારી બનું ! પણ પૈસા વગર ભણાય શી રીતે ? ફી અને પુસ્તકોના ખર્ચા ?'
'પછી ?'
'હું તમો હાથ નીચે છેલ્લા વર્ષમાં ભણતો હતો. કોલેજમાં દાખલ થવું હતું... પણ પૈસા ? આપને આ વાતની ખબર પડીને કહ્યું : 'તું કોલેજમાં દાખલ થા ! ફી અને પુસ્તકોના પૈસા હું આપીશ !' ને પછી તો એમ જ થયું.
અમે ગામ છોડીને શહેરમાં આવ્યાં. ત્યાં અમારું ફેમિલી હતું પછી તો શહેરમાં મને ફી માફી પણ મળી ગઈ... ને હું આગળ વધતો ગયો... વરસો વીતી ગયાં. સાહેબ ! હું આજે તો રાજયનો પોલીસવડો છું... પણ મારા દિલમાં એક વાત ગૂંજ્યા કરે છે !'
'કઈ વાત ?'
અને ગજવામાં હાથ નાખીને રૂપિયા દસ હજારની નોટો એમણે બહાર કાઢી ને આચાર્યના હાથમાં મૂકતાં બોલ્યા મિ. હેમંત ઠાકર : 'લૉ સાહેબ, તમે આપેલા પૈસા...'
'મેં પાછા લેવા નહોતા આપ્યા, એક વિદ્યાર્થીના જીવનમાં ઝળહળતી જ્યોત પ્રગટાવવાની મારી ફરજ રૂપે મેં આપ્યા. એ પાછા ન લેવાય !'
'લઈ લો, સાહેબ ! સ્કૂલમાં કોઈ બીજો ગરીબ હેમંત હોય તો એના જીવનમાં જ્યોત પ્રગટાવી દેજો.' ને ફરીથી તેઓ આચાર્યના પગમાં પડી ગયા : 'મારી જિંદગીની ભવ્ય ઈમારતના પાયાની ઈંટ તમે મૂકી છે, સાહેબ !'
ને ગુરૂશિષ્ય બેય ભેટીને રડી પડયા !!