'અલ્યા, તમારા બે ભાઈઓના ઝઘડા જોઈને આંબાએ આત્મહત્યા કરી લીધી છે !'
- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ
- માનભાબાપુ સમજી ગયા કે બે ભાઈઓને દુશ્મન બનાવવાના કારણમાં છે : 'શેઢાનો આંબો !'
'વાહ ! આટલી બધી કેરીઓ ? એય પાકેલી... જોતાં જ મોંઢામાંથી પાણી છુટે એવી ! આનું નામ તે આંબો ! આ છે પાછો આ બંદાનો આંબો !'
- લખો એટલે કે લક્ષ્મણની વાત તો સાચી હતી ! ખેતર એના ભાગમાં આવ્યું હતું ! ખેતરમાં પાક તો ઊતરતો હતો, પણ આ આંબો ? આંબાની તો વાત જ નોં થાય ! વરસો જૂનો આંબો ! ખેતરના શેઢા પર જ ઊગેલો ! આંબા તો ઘણા ય હોય, પણ આ આંબાની તો વાત જ નોં થાય ! લખુડો કહેતો : 'આ મારો આંબો છે ! લખુડાનો આંબો !'
લખો અને સુખોબે સગાભાઈઓ ! મગનદાદાએ વાવેલો ! આંબો મોટો થયો ! લાંબી લાંબી ડાળીઓ ને એવું જાડેરું થડ ! જાણે જંગલ વચાળે ઊભેલો જટાળો જોગી ! સીઝનમાં એના પર લુંબેનેઝુંબે કેરીઓ લબડે ! કાચી કેરીઓ પછી રંગ બદલે ! પાકે એટલે પીળી પીળી થઈ જાય ! પક્ષી ચાંચ મારે તોય રસ ટપકવા લાગે ! લખુડો અને એની ઘરવાળી કંકુ તો રાજી રાજી થઈ જાય ! ટોપલા ભરી ભરીને કેરીઓ ઘેર લાવે... ને વેચાતી ય આપે !
'ખાધી ?'
'કેરીઓ !'
'કેવી લાગી ?'
'લખુડાની કંકુવરણી કેરીઓ જેવી મધ મીઠી કેરીઓ તો ભાઈ બીજે ક્યાંય ન મળે !'
લોકો વખાણે !
પ્રશંસાનાં ઢોલ પીટાય !
પાડોશમાં જ રહેતા સુખાની વહુ મંગી આ સાંભળીને બળી જાય ! કાળજુ દાઝે ય ખરું ! ભાઈએ ભાગ પડયા છે... બેઉ સગાભાઈઓ ! મગનભાના છૈયા ! ડાહીબાના દીકરા ! તબિયત બગડી મગનભાઈની ! મનમાં થઈ ગયું કે, 'હવે નહિ બચાય ! તેડાં આવી ગયાં છે ઉપરવાળાનાં !' ડૉક્ટર મથે છે, દર્દ શમતું નથી ! ને મગનભાએ બેઉ દીકરાઓને પાસે બોલાવ્યા ને બેઉ દીકરાઓને જોડ જોડ તળાવ પાસે આવેલં બે ખેતર વહેંચી આપ્યાં. ઘરને વેચીને જે આવે તેનાથી પાસપાસે બે ઘર લેવાનાં તમારી મા જીવે ત્યાં સુધી એમાં રહેશે... પછી વેચી મારજો, બરાબર ? ડાબી દિશામાં આવેલું ખેતર લખાનું, ને જમણી આવેલું ખેતર સુખાનું !
- ખેતરની વહેંચણી થઈ - બેય ભાઈઓ રાજી રાજી થઈ ગયા ! ખેતરના માલિકી હકના કાગળ પણ થઈ ગયા ! એ પછી તો મગનભા માંડ દોઢેક મહીનો જીવ્યા હશે !
ડાહીબાએ બીજા દસ મહીના ખેંચી કાઢ્યા.
એ... ય ગયાં !
ખેતરનાં આપનારાં દુનિયા છોડીને ચાલ્યાં ગયાં ! હા, લેનારાં રહી ગયાં !
લખો અને કંકુ.
સુખો ને મંગી.
એમની પાછળની વિધિ પણ સરસ રીતે થઈ ગઈ ! નાતનાં જમણ થયા ! હાડ ગંગામાં પધરાવાયાં ! જૂનું ઘર વેચાઈ ગયું ! ને જોડાજોડ બે ઘર લેવાયાં ! એકમાં લખો ને કંકુ રહે ! બીજામાં સુખો અને મંગી રહે !
ખેતર સોનું પકવે છે.
લહેર કરે છે ચારે ય જણાં.
ત્યાં મંગીના કાને શેઢાની પાસે ઊભેલા આંબાની મધમીઠી કેરીઓની વાત આવી : 'વાહ, લખુડાભાઈ, વાહ ! મધમીઠી કેરીઓ છે તમારા આંબાની !'
વખાણ થાય છે આંબાનાં.
વખાણ થાય છે લખુડાનાં.
- ને મંગીના કાળજામાં ઈર્ષાના ઝેરનું ટીપું પડી જાય છે !
કોકે સુખાના કાન પણ ભંભેર્યા : 'મગનભાએ ખેતર વહેંચ્યાં છે, આંબો નહિ ! આંબામાં તમારો પણ ભાગ છે !'
બેચાર જણને વાત કરી તો સહુ આ જ વાત કરી. 'આંબો જેટલો લખુડાનો છે, એટલો જ તમારો પણ છે, સુખ. ભૈં !'
ને આંબો ઝઘડાનું કારણ બની ગયો !
મધમીઠી કેરીઓ કલેશ-કંકાસનું કારણ બની ગઈ ને એણે રીતસર લખુડાના બારણે જઈને કહી નાખ્યું : 'એય લખા, આંબા પર તારા એકલાનો હક નથી, મારો પણ છે ! ખેતર વહેંચ્યાં છે, શેઢાનો આંબો ક્યાં વહેંચ્યો છે બાપાએ ?'
'એય સુખા ! કાયદાનું ભાન છે કે નહિ ? મારા ખેતરમાં ઊગેલો આંબો મારો જ કહેવાય !'
'હું કેસ કરીશ !'
'જે કરવું હોય તે કર, પણ મારા આંબાની એક કેરી પણ તને નહિ મળે ! જા !'
ઝઘડો વધી ગયો !
સુખાએ પંચાયતમાં અરજી આપી ! સરપંચે લખાને બહુ સમજાવ્યો : 'લખા, એક કામ કર !'
'શું ?'
'ભલે આંબો તારા ખેતરમાં રહ્યો પણ અડધી કેરીઓ દર વરસે તારે સુખાને આપવાની !'
'ના ! એ નહિ બને !'
ઝઘડો વધી ગયો !
ગાળાગાળી શરૂ થઈ ગઈ ! ક્યારેક તો બેઉ ભાઈઓ રસ્તા પર જ ઝઘડી પડતાં, ને મારા-મારી પણ થઈ જતી. લખુડો ચીઢવતો : 'કેરી ખાવી છે ? લે, ખા પાણા ! મારા આંબા સામે જોયું તો પથરા પડશે પથરા !'
સંબંધ તૂટી ગયો !
સગપણની પછેડી ફાટી ગઈ !
ભાઈ ભાઈ મટી ગયા ! દુશ્મન બની ગયા !
કારણ ?
પેલો આંબો !
માનભા બાપુ આ ગામના વૃદ્ધ વડીલ ! જમાનો ખાઈને બેઠેલા ! સમજણથી ભર્યા ભર્યા... ને આયુષ્યના પંચાસી વરસમાં તો આવી કૈંક ઘટનાઓ જોઈ નાખેલી એ કહે, એ સાચું જ હોય, એ કરે, તે કોઈના હિત માટેનું જ હોય ! માનભા બાપુ જાણતા હતા બે માજણ્યા ભાઈઓના ઝઘડાની વાત ! એમણે દૂરથી બેય ભાઈઓને મારામારી કરતા પણ જોયા હતા ! સમજી ગયા તે, બે ભાઈઓને દુશ્મન બનાવવાના કારણમાં આંબો ! ને એમણે પોતાના માણસોને બોલાવ્યા ને તેમના કાનમાં કશુંક કહી દીધું !
બીજા દિવસે તો જાણે હાહાકાર મચી ગયો. લખુડા અને સુખાએ જોયું : આંબો કપાઈને પડયો હતો. કેરીઓ લખાના ખેતરમાં પડી હતી... ને જાડું થડ સુખાના ખેતરમાં પડયું હતું. ગામલોકોએ પણ આ જોયું ને બોલ્યા : 'અલ્યા લખુડા, તમારો ઝઘડો જોઈને આંબાએ આત્મહત્યા કરી લીધી છે... હવે કેરીઓ તું વીણી લે, અને થડનું લાકડું હવે સુખો વાપરશે !'
- ને બેઉ ભાઈઓ રડી પડયા. બેય ભેટી પડયા. 'ઓ મારા મગનભાના આંબા રે... !'