હું ટિફિન લઈ ભોજન લેવા નહિ, પણ હું તો ઋણ ઊતારવા આવ્યો!

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
હું ટિફિન લઈ ભોજન લેવા નહિ, પણ હું તો ઋણ ઊતારવા આવ્યો! 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

વિ શ્વનાથનો વિસામો છે ! સાક્ષાત્ મા અન્નપૂર્ણાનાં બેસણાં છે અહીં તો !

ચારે તરફ શોરબકોર છે. અવાજોની ફેંકાફેંક થાય છે. શબ્દોનો ચકડોળ ચાલે છે.

એટલામાં એક એંસી-પંચાસી વરસના દાદા ત્યાં આવ્યા. ફાટેલું ધોતિયું છે. ફાટેલો ઝભ્ભો છે. માથા પર ફાટેલી ટોપી છે. આંખ પરના ચશ્માંય દોરીથી બાંધેલાં છે ! સાવ દીનહીન લાગે છે ! 'ગરીબી' નામની કંગાલ ઓરત સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને ઊભી હોય એવું લાગે ! ગરીબીની સાક્ષાત્ પ્રતિમા ! ગરીબીના ગાભા વીંટાળીને હાથમાં મોટી થેલી લઈને આવેલા દાદા અંદર જતા હતા, ત્યાં જ સંચાલકના માણસે તેમની આડે હાથ ધરી દીધા : 'દાદા, અંદર નહિ જઈ શકાય. લાઈનમાં ઊભા રહો !'

'ભૈંલા, મારાથી ઊભા નથી રહેવાતું. આ બાંકડા પર બેસું ?' દાદા બોલ્યા,

'ભલે, બાંકડા પર બેસો. તમારો નંબર આવશે, એટલે હું કહીશ.'

'ભલે.'

ને દાદા બાંકડા પર બેસી ગયા.

કેમેરા મંડાતા હતા.

ફોટા પડતા હતા.

તો કેટલાક વળી વિડિયો ઊતારતા હતા. દ્રશ્યો ઝડપાતાં હતાં. દ્રશ્યો કેમેરામાં કેદ થતાં હતાં. કદાચ અખબારમાં ફોટા પ્રગટ થશે. મોટી મોટી હેડલાઈનો લખાશે : 'ભૂખ્યાજનોનો જઠરાગ્નિ વિના મૂલ્યે ઠારતો વિશ્વનાથનો વિસામો !' 

ત્યાં જ સંચાલકના માણસનો અવાજ આવ્યો : 'દાદા, અંદર જાવ, તમારો વારો આવી ગયો છે !'

'હેં ?'

'હા, વારો આવી ગયો છે... ઝટ કરો જલદી જાવ અંદર !'

ને ફાટેલાં કપડાંવાળા દાદા અંદર પ્રવેશ્યા. હાથમાં કશુંક ભરેલી મોટી થેલી હતી. થેલી સાથે મક્કમ પગલે તેઓ અંદર ગયા !

'દાદા, ટિફિન નથી લાવ્યા ?' સંચાલકે પૂછયું

'ના !'

'ટિફિન વગર ભોજન શી રીતે લઈ જશો ?'

'હું ભોજન લેવા નથી આવ્યો.'

'તો ?'

'બીજા એક કામ માટે હું આવ્યો છું!' 'બીજું કામ ? એ વળી કયું ?'

'લેવાનું કામ નથી, સાહેબ, આપવાનું કામ છે !' ને દાદા ખુરશી પર બેસી ગયા. થેલી ખુલ્લી કરી, થેલી નહિ, મોટો થેલો હતો ! એમાંથી મોટી મોટી નોટોની સંખ્યાબંધ થપ્પીઓ સંચાલકના ટેબલ ઉપર ગોઠવતાં દાદા બોલ્યા : 'પુરા એક કરોડ રૂપિયા છે. બસ, તમે જે કામ કરી રહ્યા છો, એ વધારે વેગથી કરો, એના માટે આપું છું !

અને એક બીજું પણ કારણ છે.

'બીજું કારણ ? એક્યું ? ?'

હું ઋણ ઉતારવા આવ્યો છું. આપને તો યાદ ક્યાંથી હોય : પણ સંભળી લો, વારસો પહેલાં મારી સ્થિતિ સાવ ગરીબ હતી. ખાવાનાય સાંસા હતા. ત્યારે કદાચ સંચાલક સાહેબ તમારા પિતાશ્રી હશે, પણ ત્યારે મારા પરિવારની ભૂખઠારવા હું અહીંથી ભોજન લઈ જતો હતો. આ સંસ્થાનું મારા પર મોટું ઋણ છે પછી તો મારો સમય બદલાયો ! ધંધો ધમધોકાર ચાલ્યો. આજે તો કરોડાધિપતિમાં મારી ગણના થાય છે. એક દીકરો છે. તે મુંબઈ રહે છે. તેણે જ કહ્યું કે : ''વિશ્વનાથના વિસામા''ને દાન આપી આવજો. એનું અનાજ મારા પેટમાં પણ પડયું છે. લો સાહેબ, ગણીલો આ પૈસા બીજા ય જોઈતા હોય તો જરૂર પડયે અવશ્ય યાદ કરજો !

આભા બની ગયા હતા. સંચાલક : આટલું મોટું દાન ? વાહ, દાદા, વાહ ! કેટલા સાદા છે, છતાં દિલના તો દિલાવર છે. ભામાશા ખુદ ફાટેલા કપડાં પહેરીને વિશ્વનાથના વિસામાના આંગણે આવ્યા છે ! ને તેઓ ઊભા થઈને નમી પડયા, દાદાને દાદા, તમારો ચરણસ્પર્શ મને 

કરવા દો.

દાદાએ ક્યું : 'એક સૂચન છે મારું...'

'કહો.'

'આ વિડિયો બનાવનારા અને ફોટોગ્રાફી કરનારાઓને ના પાડી દો ! સાચા માનવોનો વિડિયો ન બનાવાય ! એમની તસ્વીરો ન ઊતારાય.'


Google NewsGoogle News