એ જ મારો જીવન સાથી છે, ને ભવોભવ એ જ મારા ભરથાર હશે

Updated: May 7th, 2024


Google NewsGoogle News
એ જ મારો જીવન સાથી છે, ને ભવોભવ એ જ મારા ભરથાર હશે 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- પલ્લવીના ચહેરા પર મક્કમતાના સો સો સૂરજ ઉજાસ પાથરી રહ્યા હતા !!

'વા હ !!' લગ્ન સમારંભની ભવ્યતા જોઈને સહુના મુખમાંથી ઉચ્ચાર સાથે અહોભાવ પ્રગટ થઈ રહ્યો. ગામમાં લગ્નો તો ઘણાંય થાય છે, બેન્ડવાજાં ય વાગે છે, ઢોલનગારાંય ધ્રબૂકે છે... એમાંય ધનવાનોને ત્યાં લગ્ન સમારંભ યોજાય છે, ત્યારે તો આ ગામ આખું ગાંડું થઈ જાય છે !

ઘેર ઘેર કંકોતરીઓ !

ઘેર ઘેર તેડાં !

આખું ય ગામ હેલાકારે ચઢે છે ! જમણવાર યોજાય છે ને ઘરધણી સંધેય ફરી વળે છે: ''ખાજો હોં ! મારા રાકેશનો અવસર છે ! કશી મણા નથી રાખી હોં ! બત્રીસ પકવાન્ન બનાવવા છેક અમદાવાદથી રસોઈયા તેડાવ્યા છે, ખાજો... જરાય સંકોચ ન રાખતાં!''

અવસરો તો ઘણાય જોયા છે આ ગામે ! પણ આજનો અવસર ? એય ગામના હજાર વીઘા જમીનના ધણી એ ગામના આગેવાન મોહનદાસની લાડલી દીકરીનાં લગ્ન છે ! હવે આવડો મોટો આગેવાન લાડલી દીકરીનાં લગ્ન લે, ત્યારે એની ભવ્યતામાં કશી કસર રાખે ખરો ?

શમિયાણો ભવ્ય છે !

બેન્ડવાજાંના સ્વરો ભવ્ય છે !

મહેમાનોની સંખ્યા ભવ્ય છે !

વાહ !

ચારે બાજુ મંગલમય વાતાવરણ છે !

બધા જમી રહ્યા છે !

અને ત્યાં જ બૂમો પડવા લાગી:

'જાન આવી, લ્યા, જાન આવી !'

'વરરાજા આવ્યા, ત્યાં વરરાજા આવ્યા !' શરણાઈઓના મીઠા સરોદો ગૂંજવા લાગ્યા ! બેન્ડવાજાં વાગવા લાગ્યાં ! ઢોલ ધ્રબૂકવા લાગ્યાં!

જાનના સ્વાગતનો દૌર શરૂ થઈ ગયો ! વેવાઈ જલારામ ઊતર્યા ! વેવાણ સવિતાબહેન ઊતર્યા ! સગાં-વહાલાં ગાડીમાંથી ઊતર્યાં.

પણ આ શું ?

સૌ ચોંકી ઊઠયા...

વરરાજા ધીમેથી ઊતર્યા, ને કાખઘોડીના સહારે ઊભા રહ્યા ! વરરાજાને પગ નથી, બેય પગ લાકડાના છે !

કાખ ઘોડી છે.

એનો સહારો છે.

ને એના સહારે સહારે ઠેકડા લગાવતા વરરાજા આગળ વધે છે. બે જણા પકડીને એમને ખુરશી પર બેસાડે છે ! જમણવાર ચાલું થઈ ગયાં! સહુ ભોજન મંડપ નીચે ટેસ્ટફુલ વાનગીઓનો સ્વાદ માણવા લાગ્યા !

વરરાજા માટે પણ ડીશ આવી ગઈ! જમણવાર પૂરો થતાં જ ત્રણ ચાર યુવાનોના સહારે વરરાજા એટલે કે મિ. વિલાસ પટેલ મંડપની પાટ પર ચઢી ગયા, ને યથાસ્થાને ગોઠવાયા ! મંત્રોચ્ચારથી માહોલ ગૂંજવા લાગ્યો ! બેન્ડવાજાં બોલકાં બની ગયાં ! વાજિત્રોં વાગવા લાગ્યાં ! ને ત્યાં જ મોહનદાસની લાડલી દીકરી પલ્લવી સજીધજીને એના મામા સાથે ઉપર આવી... ને મિ. વિલાસની સામે ગોઠવાઈ ગઈ !

એ તો ઠીક છે, પણ આસપાસ ચર્ચાનો ચકડોળ ફરતો હતો !

'મોહનદાસે, આ શું કર્યું ?'

'સાવ લંગડો વર શોધ્યો ?'

'ક્યાં પલ્લવી, ને ક્યાં આ લંગડો વર ?'

'દીકરીને તો કૂવામાં નાખી મોહનદાસે ?'

'હજાર વીઘાં ભોંના ધણી મોહનલાલે આવું કેમ કર્યું ?'

ચર્ચાઓ ચાલતી હતી.

અને ત્યાં જ ગામના આગેવાન અને લાડલી દીકરી પલ્લવીના પિતા મોહનદાસ મંડપની પાટ પર પ્રગટ થયા ! એમણે ઈશારો કર્યો એટલે બેન્ડવાજાંને ઢોલનગારાં બંધ થઈ ગયાં ! સર્વત્ર શાંતિ પથરાઈ ગઈ !

મોહનદાસ ઊભા હતા.

એમણે ગ્રામજનો સમક્ષ હાથ જોડયા: 'વેવાઈ પક્ષે આવેલા વંદનીય ભાઈ-બહેનો તથા સમસ્ત ગ્રામજનો, તમને થતું હશે કે પલ્લવીએ અપંગ યુવાનને જીવનસાથી તરીકે કેમ પસંદ કર્યો ? કે પછી એના બાપના દબાણમાં આવી ગઈ હશે ? ના જી, એવું કશું જ નથી. આ પસંદગી પલ્લવીની પોતાની છે. બંને કોલેજમાં પણ સાથે જ હતાં. ને ત્યારે બેય જણાં વચ્ચે લાગણીના સંબંધો બંધાયા હતા ! બધું જ સરસ હતું ! પલ્લવી તો અપ્સરાને ય 'અમથુડી'' કહેવડાવે, તથા પરીને ય 'પશલી' બનાવી દે તેવી રૂપરૂપના અંબાર સમી છે જ. ને વિલાસ પણ ગોરો ગોરો ઊંચી કદાવર કાયાવાળો જ્ઞાનપ્યાસો યુવાન છે ! બેય જણાં એકમેક સાથે વચનથી બંધાઈ ગયાં હતાં. પણ માણસનું ધાર્યું ક્યાં થાય છે ? એક દિવસે ઉપરના માળે વીજ વાયરીંગની ખામીને કારણે અચાનક આગ લાગી ! વિલાસ ઉપરના માળે જ હતો ! બચવા માટે એણે દોટ મૂકી... ને બીજા માળની 

અગાશીમાંથી એ કૂદ્યો. ને માનશો ? પડયો તો એવો પડયો કે બેય પગનાં હાડકાં તૂટી ગયાં... આગ તો બૂઝાઈ પણ ભાંગી ગયેલા પગ પાછા ન આવ્યા ! હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો... ને આખરે પગ કાપી નાખવા પડયા. ને અસલી પગના સ્થાને પગ આવી ગયા ! મને હતું કે હવે પલ્લવી ના પાડી દેશે, પણ એ તો મક્કમ જ હતી: 'મારો જીવનસાથી વિલાસ જ હશે. આ ભવમાં માત્ર નહિ, ભવોભવ એ મારા ભવનો ભરથાર બની રહેશે !! બોલો, વાત આમ છે !'

સર્વત્ર રાજીપો રેલાઈ રહ્યો !

હસ્ત મેળાપ ચાલું થઈ ગયો હતો !

ને પલ્લવીના ચહેરા પર મક્કમતાના સો સો સૂરજ ઉજાસ પાથરતા હતા !!


Google NewsGoogle News