...તો હું ધારાશાસ્ત્રી નહીં! .

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
...તો હું ધારાશાસ્ત્રી નહીં!                                  . 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- બધું તારે જ કરવાનું છે તું સ્ત્રી મટીને સિંહણ બની જા ! વનિતા મટીને વાઘણ બની જા, બહેન

'ઓહો ! આ શું ?'

- સાવ સૂનાપણું ગલીઓ વચ્ચેના માર્ગ પર પથરાઈ ગયું છે ! માર્ગને કોઈ અવાજ નથી ! બપોરની વેળા છે ! શાંતિ જાણે નિરાંતના શ્વાસ લઈ રહી છે ! પણ માર્ગની વચ્ચે એક ગજબનું દ્રશ્ય જોવા મળે છે. આવતા-જતા લોકો જુએ છે, ને એમના મુખમાંથી લગભગ એક જ પ્રકારના શબ્દો સરી પડે છે ! ઓ... હ ! વ્હોટ ઈઝ ધીસ ?

હા, સૂના માર્ગ પર બેઠી છે એક ત્રીસેક વર્ષની એક ઓરત ! સેંથામાં સિંદૂર છે, ગળામાં મંગલસૂત્ર છે, ને હાથના કાંડા પર બોલકણી બંગડીઓ છે ! એટલે એ પરિણીત છે, એ વાત પણ સાચી પણ એથી ય સાચી વાત એ છે કે એની ગોદમાં માંડ એકાદ મહીનાની બાળકી દેખાય છે ! ને એ ઓરત રડી રહી છે ! અશ્રુધારા સતત વહી રહી છે ! આંસુ અટકતાં નથી ! ભરઉનાળે ઓરતની આંખોમાં ચોમાસું બેસી ગયું છે !

જુએ છે બધાય !

કોઈ વળી બોલે છે, 'બિચ્ચારી !'

કોઈ પ્રશ્નાર્થચિહ્ન રમાડે છે !

'શું થયું હશે ?'

'કેમ આટલું બધું રડે છે આ ઓરત!'

ખોળામાં રહેલી ફૂલ જેવી બાળકી સામે એ જોઈ રહે છે, પછી રડવા જેવું હસે છે, 'બેટી, તારા બાપે તો મારી ને તારી આ દશા કરી !' ને પછી મોંફાટ રડે છે ! ત્યાં જ ચાલીસ વર્ષના કોટ-પેન્ટ-ટાઈ પહેરેલો એક પુરૂષ એની નજીક આવે છે. એની સામે જ બેસી જાય છે ને પૂછે છે. 'બહેન, શું બન્યું છે એ મને કહે ! હું આ શહેરનો સિનિઅર વકીલ છું. એડવોકેટ મિ. શરદ પરીખ કહો, એટલે સહું કોઈ ઓળખે. હું શહેરના વકીલમંડળનો પ્રમુખ પણ છું ! બોલ બહેન, જે હોય તે કહી દે, ગભરાઈશ નહિ. મને તારો મોટોભાઈ જ સમજજે ! આવા તાપમાં તું રસ્તા પર કેમ બેઠી છે ? રડે છે કેમ ? આ માસૂમ બાળકીની પણ તને પરવા નથી ?' ને મિ. શરદ પરીખે એના માથા પર હાથ મૂકી દીધો !

'બોલ બહેન... ! તારો આ ભાઈ તારી વહારે ચઢવા તૈયાર છે...'

ને ઓરત ધૂ્રસકે ચઢી. થોડી વારે શાંત થતાં ધીરે ધીરે બોલવા લાગી. એણે કહ્યું : 'હું સગર્ભા બનતાં ઘરના સહુ કહેતા કે દીકરો જ જોઈએ અમારે ! દીકરી નહિ ચાલે !' મારા પતિ પણ આ જ વાત કહેતા: 'પુત્ર જોઈએ ! સમજી ! દીકરીનો પાણો અમારે ન જોઈએ !'

'એ ક્યાં મારા હાથમાં છે ?' મેં કહ્યું. 'તારા હાથમાં હોય કે ન હોય, અમારે તો દીકરો જ જોઈએ ! એમ નહિ બને તો -'

'ઘરમાંથી ધક્કા મારીને તને કાઢી મૂકીશ. રસ્તે રઝળતી કરી દઈશ ! અપશુકનિયાળ સ્ત્રી આ ઘરમાં ન રહી શકે ?'

સાસુએ પણ આ જ વાત કહી.

સસરાજીનું તો ઘરમાં કશું જ ચાલતું નહોતું !

નણંદ પણ મોં મચકોડીને વારંવાર આ જ વાત કરતી હતી ! ને પછી તો હું મારી નવજાત બાળકીને લઈને હોસ્પીટલમાંથી ઘેર આવી... ને અંદર દાખલ થવા જતી હતી, ત્યાં જ સાસુએ હાથ આડા કરી દીધા. 'આ ઘરમાં દાખલ થવાનું નથી. ચાલી જા જ્યાં જવું હોય ત્યાં !'

મારા પતિ કિરણે પણ આ જ વાત કરી. મને ધક્કા મારતો મારતો બહાર કાઢવા લાગ્યો. 'છેવટે તે તારું ધાર્યું જ કર્યું ને ? જણી જણીને દીકરી જ જણીને?' 

ને મારતો મારતો મને અહીં છોડીને ચાલ્યો ગયો ! હું શું કરું, સાહેબ - 'સાહેબ નહીં !'

'તો ?'

'ભાઈ !'

'હું શું કરું, મારા ભાઈ ? ખાવા નથી. બાળકીને મરવા દેવી નથી. ખુદ એનો બાપ જ રાક્ષસ નીકળ્યો, પછી હું શું કરું ?'

'જે કરવાનું છે, તે તારે જ કરવાનું છે !' 'મારે ?'

'હા, તું રાણી લક્ષ્મીબાઈ બની જા. તોડી નાખ સ્વાર્થમય સંબંધોના તાંતણા ! સ્ત્રી મટીને સિંહણ બની જા! વનિતા મટી જા, વાઘણ બની જા ! બોલ, બનીશ ?'

'હા, મોટાભાઈ !'

'તો હું તારા માટે બધું જ કરી છુટીશ ! તારા સ્વાર્થી સગાંને જેલભેગાં ના કરી દેવડાવું તો મારું નામ ધારાશાસ્ત્રી શરદ પરીખ નહિ !'

- ને તે ઓરત દીકરી સાથે એમની કારમાં એમના બંગલે આવી. એને ઘર ગમ્યું. મિ. પરીખે કેસ દાખલ કરી દીધો... ને માનશો આજે ચાર મહીનાથી પતિ, સાસુ અને નણંદ જેલની કોટડીના સળિયા ગણી રહ્યાં છે. હવે તો એને સ્વીકારવા પણ તૈયાર થઈ ગયા છે, પણ મોહિનીનો એક જ જવાબ છે. 'હું તમારા જેવા રાક્ષસો વચ્ચે ન રહી શકું !'


Google NewsGoogle News