'આજથી તમે મને તમારો લખુડો માનજો! આજથી હું મારું નામ 'લક્ષ્મણ' રાખું છું!'

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
'આજથી તમે મને તમારો લખુડો માનજો! આજથી હું મારું નામ 'લક્ષ્મણ' રાખું છું!' 1 - image


- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ

- ત્યારે ગવાડી ગામનું આખુંય  પાદર આંસુથી તરબોળ થઈ ગયું હતું!!

વા હરે હનુમાન દાદા, આજ તો મારો લખુડો આવશે... હનુમાન મંદિર પાસે જઈને પાછા વળતાં રૂખીડોશી બોલી ઊઠયાં: 'દાદા, આજ તો મારા મનના ઓરતા પૂરા થઈ જશે!' રૂખીડોશી આખા મહોલ્લામાં ફરી વળ્યાં... ને કહી વળ્યાં...ઃ 'એ મારો લખુડો આવે છે, અલીઓ!'

હા, ચારેક દિવસ પહેલાં મુંબઈથી લખુડાનો કાગળ જરૂર આવ્યો હતો: 'માડી, હું શુક્રવારે તમને મળવા આવું છું... ને રાજી પો હોય તો તમને સાથે પણ લઈ જઈશ! અહીં મુંબઈની દુનિયા મારે તમને દેખાડવી છે !'

ટપાલીએ જ કાગળ વાંચી આપ્યો હતો. બાકી રૂખીમાને તો કાળા અક્ષર ભેંસ બરાબર! ભણ્યું છે જ કોણ ? ગમાણનું ડોબું ભણે તો રૂખીમા ભણે ! આખું ગામ જાણી ગયું હતું....'રૂખી મા છૈ યો... છૈ યો કરીને ગાંડાં થઈ જશે!'

'હાશ...'

'શું?'

'લખુડો એટલે કે લક્ષ્મણ આવશે, તો ગામના એકાદનો ય મુંબઈમાં મેળ કરી આલશે. લક્ષ્મણ તો ત્યાં કોઈ મોટા શેઠિયાનો સેક્રેટરી છે ! ધારે તે કરી શકે !'

વાત સાચી હતી.

તે મુંબઈના મોટામાં મોટો વેપારી ગણાતા રતન ચાચાનો સેક્રેટરી હતો. ત્યાં એની ખાસ વગ હતી. શેઠ એનો અભિપ્રાય પૂછીને જ કામ કરતા! ને પૂરા એક વર્ષ પછી તે પોતાના વતન ગવાડી ગામમાં આવવાનો હતો... રૂખી માના આનંદની કોઈ સીમા નહોતી.

કારણ ?

અહીં કોણ હતું એમનું ? પંડયનું કહી શકાય એવું તો કોઈ નહોતું. મગા દાદા તો બે વર્ષ પહેલાં જ મોટા ગામતરે ઊપડી  ગયા હતા. પાંચ વીઘાં જમીન હતી, એક ભેંસ હતી...ને મેડી બંધ મકાન હતું. ને એવડા મોટા મકાનમાં એકલાં જ રહેતાં હતાં રૂખી માડી.. હા, લખુડો હતો, પણ તેને ય મુંબઈના એક શેઠ પોતાની સાથે લઈ ગયા હતા. કહેતા હતા: 'ચાલ લક્ષ્મણ મારી સાથે ... તારું ભાવિ બનાવી દઉં!' ને લક્ષ્મણ એમની સાથે રૂખીમાંથી વિખુટા પડયાની વેદના સાથે રડતો રડતો મુંબઈ ચાલ્યો ગયો હતો ! ને ત્યાં બન્યું એવું પણ એવું જ સ્માર્ટ, ગૌરવર્ણ, દેખાવડા ગ્રેજ્યુએટ લક્ષ્મણની ચડતીના સૂર્યને મોટો શેઠે જળ ચઢાવ્યું. શેઠ રતન દાદા નો એ ખાસ માણસ બની ગયો ! ગામ આખું એના આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યું હતું! ક્યારે શુક્રવાર આવે... ને લક્ષ્મણની ગાડી ગામમાં પ્રવેશે...

હજી બે દિવસની વાર હતી. ત્યાં જ કોઈ અજાણ્યો યુવાન ગામમાં આવ્યો, માધવ મુખીને ત્યાં ગયો... ને મુખીને એક બાજુ એ લઈ જઈ ખાનગીમાં કહ્યું: 'મુખી, લક્ષ્મણ હવે નહિ આવે'

'કેમ ?'

'કારણ કે તે હવે આ દુનિયામાં નથી!'

'એટલે ?'

'એની કારને એક્સીડેન્ટ થયો હતો. એ ખૂબ ઘાયલ થઈ ગયો હતો. હોસ્પીટલમાં દાખલ કરાયો, પણ ચાર કલાકમાં એણે દેહ ત્યજી દીધો. હા, મરતાં પહેલાં એણે શેઠને કહ્યું હતું: 'હુ હવે એકાદ કલાકનો મહેમાન છું. તમે મારા મરણના સમાચાર મારી ગામે કહેવડાવશો... પણ હા, મારી માને ન કહેશો.. એ સહન નહીં કરી શકે! પણ ગવાડી ગામના માધવ મુખીને જનાર કહે એવું કર જો ! આટલું કહીને આવેલ મિ.અભય મહેતા કારમાં તરત જ પાછા વળી ગયા હતા!'

ધર્મ સંકટ!

માધવ મુખીના માથે ધર્મ સંકટ આવી ગયું હતું. શી રીતે કહેવી આ વાત ? ને રૂખીમા તો સઘળે કહી રહ્યાં હતાં: 'પરમ દહાડે મારો લખુડો આવશે!'

રાજી રાજી હતાં રૂખીમાં!

માધવ મુખીને ચાર પાંચ જણને વાત કરી:  પણ સૌની મૂંઝવણ એક જ હતી ! 'રૂખીમાને શી રીતે આ વાત કહેવી ?'

બુધવાર ગયો!

ગુરૂવાર પણ ગયો!

શુક્રવારનો સૂરજ ઊગ્યો... ને રૂખીમાં જાણે પાગલ થઈ ગયાં: 'અલીઓ, સાંભળો...!'

'બોલો, માડી'

'કંકુ ચોખા લઈને તૈયાર રહે જો..'

'કેમ?'

'આજે મારો લખુડો આવવાનો છે !'

ઘેર ઘેર ફરી વળ્યાં રૂખીમાં !

એક જ વાત: 'આજે મારો છૈયો આવવાનો છે !'

મોટા ભાગે તો સૌ જાણતા હતાં સાચી વાત: સહું દયા ખાતાં હતાં રૂખીમાં પર! આ માડી સાચી વાત જાણશે ત્યારે -

શું થશે ? એની કલ્પના પણ કરતાં સહુ ધુ્રજી ઊઠતાં!

બપોર થયા.

ને સૌની આંખો ગામના પાદર તરફ હતી ત્યાં જ એક અચાનક એક વૈભવી કાર પાદરમાં પ્રવેશી.. કારમાં કોઈ બે જણ બેઠા હતા. પાદર પાસે જ કાર ઊભી રહી. એમાંથી એક શેઠ બહાર આવ્યા... ને એમની પાછળ એક યુવાન પણ બહાર આવ્યો.. કદાચ એ શેઠનો દીકરો હશે !

માધવ મુખી અને બીજાય દોડતા આવ્યા: 'મુખી ક્યાં  છે ?' મુખી આગળ આવ્યા. શેઠ એટલે કે રતન દાદાએ મુખીના ખભે હાથ મૂકીને કહ્યું: 'મુખી, સાચી વાત તમે જાણો છો... ન થવાનું થઈ ગયું છે. એક્સીડેન્ટ વખતે લક્ષ્મણની સાથે મારો આ પુત્ર જગન પણ હતો. પણ ઈશ્વરકૃપાથી બચી ગયો! લક્ષ્મણ ન બચ્યો. જગનને સામાન્ય ઈજાઓ થઈ છે, પણ એતો મટી જશે! જગન અને લક્ષ્મણ જીગરી દોસ્ત હતા..! ને તે જ વેળાએ રૂખીમાડી પણ ત્યાં દોડી આવ્યા. જગન એમના પગમાં પડી ગયો!'

'મારો લખુડો ?'

'લખુડો ચહેરો બદલીને તમારી સામે જ ઊભો છે, માડી! લખુડો તો આ જગતમાં નથી રહ્યો, પણ માડી, આજથી હું જ તમારો લખુડો! આજથી હું મારું નામ બદલીને'લક્ષ્મણ' કરી નાખું છું!'ને રૂખીમાને વળગીને તે હૈયાફાટ રડી પડયો... આ બે જણાં જ નહિ, આખું ય પાદર ત્યારે આંસુથી તરબોળ થઈ ગયું હતું!!


Google NewsGoogle News