'ભૂખ' ની ભવાઈ જેવી કોઈ ભવાઈ નહિ હોય જગતમાં!
- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ
'મારે હવે કરવું શું ?'
મનોમન એ વિચારી રહી. એનાં તંગ ભવાં અને હતાશ આંખો જ કહી આપતાં હતાં કે તે ખૂબ મૂંઝવણમાં છે! નથી જડ તો ઉપાય ! નથી મળતી કેડી ! હા, એનું નામ મમતા છે ! મન મમતાળું છે ! ભાવનાનાં જળ ભારોભાર ભર્યાં છે ! હા, પણ એની આંખોમાં ભેજ છે... ક્યારેક જળ બિંદુ ટપકી રહ્યાં છે !
મમતાની ભીતરમાં બેઠેલી 'મમતા' છટપટી રહી છે ! મમતાની મમતા જાણે જખ્મી બની ગઈ છે ! આંસું લૂંછી ને એ બોલી : 'કરું તો પણ હું શું કરું ?'
કારણ ?
બે નાનાં બાળકોને 'ભૂખ' નામની ચુડેલ સતાવી રહી છે. ને બોલ્યા કરે છે : 'મમ્મી, બહુ ભૂખ લાગી છે... કાંક ખાવાનું આપ !' એક દીકરો છે, એક દીકરી છે. દીકરો દસ વરસનો છે, તો દીકરી આઠેક વરસની છે ! એતો ઠીક છે, પણ ખાટલા પર એક દેહ સૂતો છે. એ છે એનો પતિ, નામ છે એનું : માધવ... પણ અચાનક જ એના પર લકવાનો હુમલો થયો... ને છેલ્લા દોઢ વરસથી એ લકવા ગ્રસ્ત છે. નોકરી છુટી ગઈ.. એક શેઠને ત્યાં નોકરી કરતો હતો ! ત્યારે તો એની બોલબાલા હતી. માગ્યું તે એણે આપ્યું છે, ને ઈચ્છ્યું તે દીધું છે. આખા મહીનાનું અનાજ કરિયાણું તે ભરી દેતો. મનગમતાં કપડાં લઈ આવતો ! બાળકોને લાડ લડાવતો ! એમને ફરવા લઈ જતો ! બાળકો કહે તે લઈ આપતો !
પણ હવે ?
હવે શું ?
લકવાને કારણે તે ચાલી શકતો નથી. ઉભો રહી શકતો નથી. સ્પષ્ટ બોલી શકતો નથી! ને નોકરી ? નોકરી ય ચાલી ગઈ !
ઘરમાં ખાવા માટે અનાજનો દાણો ય નથી. જીવવા માટે ખાવું પડે ! ને ખાવા માટે અનાજ જોઈએ ! લોટ-ચોખા-દાળ અને કેટલીય ચીજો જોઈએ! પણ એ બધી ચીજો લાવવી શી રીતે ? રસોઈમાં નંબર વન છે મમતા ! એના હાથથી બનાવેલી રસોઈ ખાય, તે આંગળાં ચાટતો રહી જાય ! દોઢ વરસ થઈ ગયું. બધું જ વેચાઈ ગયું.
દાગીના વેચાઈ ગયા.. અરે, વાલની વીંટી પણ વેચાઈ ગઈ ! રાચ રચીલું વેચાઈ ગયું ! વેચી વેચીને ચાર ચાર પેટ ભર્યાં.. પણ હવે ? વેચવા માટે કશું જ બચ્યું ન હોતું !
હા, મહોલ્લાવાળાઓ ક્યારેક ખાવાનું આપી જતાં. પણ એય હવે તો થાકી ગયા હતા. હવે ખાવાનું નહોતા આપતા, સલાહો આપતા હતાં : 'મમતા બહે, ક્યાંક નાની મોટી નોકરી શોધી કાઢો, આમ તો ક્યાં સુધી ચાલશે ?'
- ને એક હોટલના યુવાન માલિક ધીરજલાલ સામે જઈને એણે હાથ જોડયા : 'શેઠ, મારે કામ જોઈએ છે... બધું જ કામ કરીશ. હોટલની સાફસૂફી કરીશ. એંઠાં વાસણ ધોઈ આપીશ ને જરૂર પડયે રસોઈ પણ કરી આપીશ !'
'એમ? બધુ જ કરીશ?'
'હા, શેઠ! વખાનીમારી આવી છું. પતિ લકવા ગ્રસ્ત છે ને બે બાળકો નાનાં છે મને કામ આપો, શેઠ !' ને તે હાથ જોડી ને રડી પડી.
'તો રાખી તને કામ પર!' શેઠને દયા આવી ગઈ!
'શું લઈશ ?'
'તમે આપશો તે!'
ને મમતા વહેલી આવી જતી. હોટલની સાફ સૂફી કરતી. આખો દિવસ ગ્રાહકો આવતાં એમનાં એંઠાં વાસણ પણ ધોઈ નાખતી. 'હોટેલ મસ્તાની' નું નામ મોટું હતું. આ હોટલમાં જમવા માટેનું ઉત્તમ સરનામું હતી! મમતા બધું જ કામ કરતી. ને સાંજે ઘેર જાય ત્યારે વધેલું ઘટેલું પ્લાસ્ટીકની થેલીમાં લઈ જતી. બધાં પ્રેમથી ખાતાં. માધવ પણ થોડુંક ખાતો. બાળકો રાજી રાજી થઈ જતાં... ને વધેલું-ઘટેલું ભોજન મોજથી ખાતાં : 'હા..શ! બહુ સરસ છે, મા!'
સાંજ પડતીને બાળકો રાહ જોઈ રહેતાં ! રાત પડતી ને માધવ વાટ જોતો ! લાળ ટપકતું મુખ અને ખૂખાળવું પેટ, પેટમાં ભૂખમાં! ભૂખની આવે ચૂંક! જીભમાંથી લબડે થૂંક!
ને 'ભૂખ' નામની 'ચુડેલ' મારે ફૂંક! 'ખાવા લાવો.. પેટમાં ઠાલવો.. ભૂખ મિટાવો!' આ 'ભૂખ' તો જબરીભાઈ ! માણસ જેવા માણસનેય આ ગોઝારી 'ભૂખ' ભૂત બનાવી દે ! 'ભૂખ' રડાવે, 'ભૂખ' નચાવે, 'ભૂખ' ભવાઈ કરાવે ! ભૂખની ભવાઈ જેવી કોઈ ભવાઈ જગતમાં નહિ હોય !
બાળકો ને કપડાં નથી,
ચંપલ કે બૂટ નથી
પતિ માટે દવા નથી!
હા, આજે તો પગારનો દિવસ : 'પગાર આવે એટલે એંઠું ભોજન નહિ, તાજું ભોજન આવે !' એમાંય એક દિવસે રસોઈયો ગામડે ચાલ્યો ગયો હતો. ને મમતાએ રસોઈ બનાવી હતી ! વાહ, વાહ, શું સ્વાદિષ્ટ ભોજન છે ! ગ્રાહકો આંગળાં ચાટી જતા... ઘરાકી વધી ગઈ. મમતાના ભોજનનો સ્વાદ પ્રસરતો ગયો... ને શેઠે એના પગારમાં વધારો કરી નાખ્યો ! મમતા એટલે સ્વાદનું સીધુંસટ સરનામું !
પગાર લઈને મોડેથી મમતા ઘેર જવા જ નીકળી, 'હાશ, આજે નવાં કપડાં આવશે.. મસ્ત ખાવાનુંય ઘરનાં બધાંને મળશે!' ને રાજી રાજી થતી મમતા સ્ટેન્ડ પર આવી. બસને વાર હતી... ને ત્યાં જ એક ફટેહાલ ભિખારી એની નજીક આવ્યો : 'બોંન કાંક આલો. ચાર દિવસનો ભૂખ્યો છું. પહેરવા કપડાંય નથી ! ઘરમાં ત્રણ જણાં ભૂખ્યાં બેસી રહીએ છીએ! કાંક આપો, બોંન, કાંક આપો ! દયા કરો, બોંન!'
દયા તો કરવી હતી મમતાને પણ દયા શી રીતે કરે ? ઘરમાં કારુણ્ય પ્રસરેલું હતું. છોકરાં કપડાં વગર સ્કૂલે શી રીતે જાય ? ત્યાં જ ફરીથી એજ અવાજ આવ્યો : 'કાંક આપો, બોંન!'
- ને મમતાની ભીતરની મમતા ઉછાળા મારવા લાગી, આત્માનો અવાજ બુલંદ બની ગયો. એના રોમરોમમાંથી કરુણા પ્રગટી : ને એણે હાથમાં રહેલા ત્રણ હજાર રૂપિયા પેલા ભિખારીના હાથમાં મૂકી દીધા : 'લો અંકલ... રાખો આ રૂપિયા.. ધરાઈને ખાનો હોં ! કપડાંય લાવજો!' ને અડધા કલાક પછી આવેલી બસમાં બેસી સ્ટેન્ડે ઉતરી ઘેર પહોંચી ગઈ. પણ આ શું ? ઘરના બારણા પાસે જ કોઈ સફેદ પોશાક પહેરેલો મોટી ઉંમરનો માણસ ઉભો હતો. મમતાએ ચહેરો જોયો : ને ઓળખી ગઈ! 'અરે, ભિખારી અંકલ, તમે ?'
'ના, હું ભિખારી છું, ના હું ભૂખ્યો છું, હું તો તારી પરીક્ષા લેતો હતો. હું તો છું હોટલના માલિક ધીરજલાલનો બાપ : 'જમનાદાસ!' ને સાંભળ, 'તું મારી પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. હું તારા ઘરની સ્થિતિ જાણું છું. લે બેટી, લે, તારા પૈસા પાછા' ને ચામડાનું પાકીટ મમતાના હાથમાં પકડાવીને જમનાદાસ ચાલ્યા : મમતાએ પોકેટ ખોલ્યું. પૈસા ગણ્યા.
'ઓહ, આતો દોઢ લાખ રૂપિયા છે!' ને એ આશ્ચર્ય સાથે ઘરમાં પ્રવેશી બાળકો તેને વીંટળાઈ વળ્યાં : 'મા.. શું થયું ?'
'બસ, બેટા, મને આજે ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો!!' ને રાજીપાના અઢળક રેલા રેલાવતાં તે પતિ પાસે પહોંચી ગઈ !!