ક્યારેક રૂપિયાનો ઢગલો માણસની લાગણીની હત્યા કરી નાખે છે...!!
- રણને તરસ ગુલાબની-પરાજિત પટેલ
- લઈ લો રૂપિયા... નહિ લો ત્યાં સુધી મારી સંવેદના મને દઝાડયા કરશે !!
'પણ પેલાનું શું ?'
ઘરમાં પ્રસંગ ઉજવવાનો છે. દીકરી ચંદનાની સગાઈનો છે પ્રસંગ. વેવાઈ, વેવાણ અને તેમના કુટુંબીઓ અને દોસ્તો પણ આવશે. જમાઈરાજા પણ બનીઠનીને આવ્યા હશે ! મહેલ જેવું મકાન છે. મોટા વેપારી છે કપિલભાઈ ! જલસા છે. શેઠ શ્રી કપિલભાઈને ! વેપારી દિમાગ છે... ને દિમાગમાં રૂપિયાનું ઝાડ વાવવાની આવડત ભરી છે ઉપરવાળાએ ! છતાં એક વાત જરૂર છે : શેઠ કપિલભાઈની ભીતર સંવેદના ઠાંસી ઠાંસીને ભરી છે. એટલે તો, આવતીકાલના પ્રસંગની ઝાકઝમાળ વચ્ચે તેમના મનમાં એકનો એક સવાલ વારંવાર ઊઠે છે : 'પણ પેલાનું શું ?'
કોણ પેલો ?
ક્યાંનો છે પેલો ?
પેલાનું નામ શું ?
વાત આમ બની હતી. મહેમાનો આવવાના હતા એટલે એમનાં પત્ની દર્શના બહેનનો ચાર વાગે ફોન આવ્યો હતો : 'કાલે પ્રસંગ છે. તમે ઝટ ઘેર આવી જાવ...'
ને કપિલભાઈના મનમાં ચિંતા પેઠી ! હા, અલ્યા, કાલે તો ઊજવણી છે. ચંદનાની સગાઈ ભલ્લીતોરે કરવાની છે... શું શું લાવવું, ને શું શું કરવું... એની આગોતરી તૈયારી તો કરવી જ પડે ! ને મારા વગર બધું નકામું ! નાતમાં પોતાનું નામ મોટું છે : શેઠ શ્રી કપિલભાઈ ! મોટાઈ છે, મોભો છે, ને નાતના પ્રસંગોમાં સૌ એમને માન સન્માન આપે છે ! તો મારા ખુદના ઘરનો પ્રસંગ પણ મારા મોભાને છાજે એવો હોવો જોઈએ ને !
ને સાડા ચારે તો પોતાની મસ્તમજાની મર્સીડીઝ કાર લઈને ઊપડી ગયા...! મગજમાં તો એક જ વાત રમતી હતી : 'કાલે વટ પડવો જોઈએ !'
ઝડપથી કાર દોડતી હતી !
પાણીના રેલાની જેમ !
દોડતી ન હતી, કાર ઊડતી હતી !
ઘેર જવાની ઉતાવળ !
આવતીકાલની ચિંતા !
ઝટ પહોંચી જવાની લગની !
એક ઝુંપડપટ્ટીની બહાર પોતાની લારીમાં પાકી કેરીઓ ભરીને વેચતો ફાટેલા ફાળિયાધારી ફેરિયો ઊભો હતો : ને બોલ તો હતો : 'લઈ લો રે, લઈ લો ! પાકી પાકી, મીઠી મજાની કેરીઓ લઈ લો રે ! સો રૂપિયે કિલો કેરીઓ ! ખાશો તો ખુશ થઈ જાશો, ને નહીં ખાવ તો પસ્તાશો રે !'
આગવો લહેંકો હતો !
જાણે ગીત ગાઈ રહ્યો હતો !
વાહ !
ગીતમાં લાગણી વહેવડાવતો હતો ! ને શેઠ કપિલભાઈના દિમાગમાં તો એક જ વાત હતી : 'ઝટ જાવું છે ઘેર, કાલે કરવી છે લહેર !' ને એ સાથે જ ન થવાનું થઈ ગયું : એમની પુરપાટ દોડતી કાર કેરીઓથી ભરેલી લારીને જોરથી અથડાઈ. લારી તૂટી ગઈ ! કેરીઓ જમીન પર વેરણછેરણ થઈ ગઈ ! ને કદાચ પેલો લારીવાલો ખસી ગયો એટલે બચી ગયો હતો !
શું કરે બિચારો ?
આવડા મોટા શેઠને શું કહે ?
ને એ રડી ઊઠયો !
અને એ રડતા લારીવાળાનો ચહેરો શેઠ કપિલભાઈના દિમાગમાં ચિતરાઈ ગયો !
અને તે ઝડપથી કાર દોડાવી ઘેર આવી ગયા ! સહુ એમની રાહ જોઈ રહ્યાં હતાં ! 'એ આવે એટલે કાલનું કામ શરૂ કરી દઈએ !'
દર્શનાબહેન બોલી ઊઠયાં : 'કાલે આપણે ત્યાં લગભગ દોઢસો માણસ જમશે.'
'ભલે, જમાડીશું !'
આટલું કહીને શેઠ અંદર ચાલ્યા ગયા ! એમના મન સમક્ષ તો પેલો લારીવાળો જ રમતો હતો ! એમની ભીતરમાં સંવેદના ઠાંસી ઠાંસીને ભરી હતી !
અને એ સંવેદનશીલતાએ એમને ચિંતાગ્રસ્ત બનાવી દીધા હતા : 'કાલે દોઢસો માણસ જમશે... જોરદાર જલસો થશે.
રીંગસેરીમની ઊજવાશે... વાહ, વાહ થઈ જશે ! વટ પડી જશે આ બંગલાનો ! પણ... પણ પેલાનું શું ?'
પેલો એટલે ?
લારીવાળો...!
કેરીઓ વેચનારો !
ફાટેલા ફાળિયાવાળો !
કેરીઓ વેચીને માંડ ઘરનું ગુજરાન ચલાવનારો !
કવિતાની જેમ લહેંકો કરીને પાકી પાકી કેરીઓના ગુણગાન કરનારો ! બસ, શેઠના દિમાગમાં એજ છે ! ભીતરમાં એ જ છે ! એમના રૃંવે રૃંવામાં એજ છે... પણ અચાનક બધું બની ગયું ! કારની અડફેટે લારી ચઢી ગઈ ! કેરીઓ થઈ ગઈ માટીમાં વેરણછેરણ ! લારી તૂટી ગઈ ! લારીવાળો રડતો હતો ! નુકસાન... ભયંકર નુકસાન ! ચિંતા સતાવે છે શેઠને : 'પણ પેલાનું શું ? લારીવાળાનું શું ? કેરીઓ વેચનારનું શું ?'
એનો રડતો ચહેરો શેઠની આંખ સામેથી ખસતો નથી !
આ શેઠ અલગ જ માટીના છે ! રૂપિયો માણસને કઠોર બનાવી દે છે ! રૂપિયાનો ઢગલો માણસને સંવેદના હીન બનાવી દે છે ! રૂપિયાનો પહાડ માણસની લાગણીની હત્યા કરી નાખે છે ! ક્યારેક શ્રીમંતાઈ માણસને નિષ્ઠુર બનાવી દે છે ક્યારેક ! પણ શેઠ કપિલરાય જુદેરા દિલવાળા છે. સંવેદના ઠાંસીઠાંસીને ભરી છે ઉપરવાળાએ ! લાગણીભીનું હૈયું છે !
કાલે પ્રસંગ છે.
મોટા શેઠને ત્યાં પ્રસંગ છે.
લીસ્ટ બની ગયું.
નોકરને આપી દીધું.
તમામ તૈયારીઓ થઈ ગઈ.
રાત પડી. સૌ સૂઈ ગયાં. પણ કપિલ શેઠની આંખોમાં નિંદરનું આગમન થતું નથી. ઊંઘ આવતી નથી. રાત તો જેમ તેમ વીતી ગઈ. કપિલ શેઠ ઊઠી ગયા. ખાનગી રૂમમાં ગયા. મોટા થેલામાં રૂપિયાનાં થોડાંક બંડલો નાખ્યાં છે... ને સાડા સાત વાગે તો એ કાર લઈને નીકળી ગયા ! પેલી ઝુંપડપટ્ટી પાસે ગયા. બે ચાર જણને પૂછયું : 'પેલા ગીત ગાઈને કેરીઓ વેચે છે તે લારીવાળા ક્યાં રહે છે ?'
ઘર જડી ગયું.
'કોઈ છે કે ?'
એક બહેન બહાર આવે છે. શેઠને જોઈને છક્ થઈ જાય છે : 'ઓ ત્વે છે ને !' ને એ સાથે જ એનો ઘરવાળો બહાર આવ્યો. જોયું તો કાલવાળા પેલા શેઠ જ છે, જેમના કારણે પોતાની લારી તૂટી ગઈ ને કેરીઓ માટીમાં રગદોળાઈ ગઈ. બોલ્યો : 'શેઠ, તમે ?'
'હા, હું ! તમે પાકી કેરીઓ લઈને મારા બંગલે આવો. લો, આમાં પૈસા છે. રાખો ? આવશો ને ?'
'હા, જરૂર આવીશ, શેઠ મેં તમારો બંગલો જોયો છે !'
'પૈસા ગણી લો.' શેઠે કહ્યું
લારીવાળાએ નોટોના બંડલને બહાર કાઢ્યું. પછી નોટો ગણી બોલ્યો : 'ઓહ શેઠ, આ તો દોઢ લાખ રૂપિયા છે ! કેરીઓના માંડ હજાર જ થાય !'
'કેરીઓ હજારની થાય, પણ તમારી લારી તોડનારને તો દોઢ લાખનો દંડ જ થાય ! લઈ લો. રૂપિયા હવે તમારા છે. તમે લેશો તો મારી ચિંતા ટળી જશે. નહિ તો ત્યાં સુધી મારી સંવેદના મને દઝાડયા કરશે...' ને શેઠ કપિલરાય ઝડપથી બહાર નીકળી ગયા !