હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં 7 અમદાવાદીઓનાં મોત
Sabarkantha Himmatnagar Accident, 7 Died News | સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સહકારી જીન નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે.
ક્યાં અને કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.
તમામ મૃતકો અમદાવાદના રહેવાશી હોવાનો દાવો
ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હોવાના અહેવાલ છે. મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.