Get The App

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે 'તું નથી'

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે 'તું નથી' 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઇન :

શૂન્યતાનો રાસ દોર્યો ને 

લખ્યું કે 'તું નથી'

ભીંતનો અટ્ટહાસ દોર્યો ને 

લખ્યું કે 'તું નથી'

એક ગમતી સાંજ ચાખ્યે 

કેટલાં વર્ષો થયાં

આંખનો ઉપવાસ દોર્યો ને 

લખ્યું કે 'તું નથી'

સાવ નિર્જન કોઈ ટાપુ છે 

હૃદયની મધ્યમાં

ત્યાં જ કારાવાસ દોર્યો ને

 લખ્યું કે 'તું નથી'

પાંગર્યું છે ઊમલાનું મૌન 

મારી ભીતરે

જાતનો વનવાસ દોર્યો ને 

લખ્યું કે 'તું નથી'

- મિલિન્દ ગઢવી

ભગવતીકુમાર શર્માની ખૂબ જાણીતી પંક્તિ છે.

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,

તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

પ્રેક્ટિકલી જોવા જઈએ તો સાંજ ડૂસકે નથી ચડતી કે નથી સૂરજ ઉદાસ થતો. એ તો પોતાના ક્રમ પ્રમાણે બ્રહ્માંડમાં ચક્કરો લગાવ્યા કરે છે. ઉદાસ થાય છે સાંજને અનુભવનાર વ્યક્તિ. આથમતો સૂરજ ઝાંખા પ્રકાશ સાથે સાંજમાં ગંભીરતાના રંગો પૂરી જાય છે. પ્રિય વ્યક્તિ હાજર હોય ત્યારે તે રંગો રોમેન્ટિક લાગે છે, પણ ગમતી વ્યક્તિની ગેરહાજરી એ જ રંગોને રુદનમાં ફેરવી નાખે છે. કવિ પોતાની ઉદાસી સાંજના નામે ચડાવે છે. અંદરથી હૈયુંં રડી રહ્યુંં છે, પણ કવિ કહે છે કે સાંજ ડૂસકે ચડી છે. એ સાંજ અર્થાત પોતાનું હૃદય. એ સાંજ અર્થાત 'કોઈ નથી'નો વસવસો. એ સાંજ અર્થાત એક ઊંડો અભાવ. કવિ મિલિંદ ગઢવીએ પોતાની ગઝલમાં આ અભાવને બહુ અસરસકાર રીતે ઘૂંટયો છે.

ગમતી વ્યક્તિની ગેરહાજરી વ્યક્ત કરવા માટે એક સામાન્ય માણસ કહે કે તારા વિના મને ભીંતો ખાવા દોડે છે. પણ આ વાત કવિ કહે ત્યારે તે સાદી વાત પણ સુરીલી થઈને વહેવા લાગે છે. પ્રિય વ્યક્તિ પાસે ન હોવાની સ્થિતિમાં અનેક અભાવો મનના કાગળ પર વિવિધ ચિત્રો દોર્યા કરે છે. એ ચિત્રમાં ક્યાંંક ખાલીપાનાં ખખડતાં ખંડેરો હોય છે, તો ક્યાંક શૂન્યતાનાં રાસ લેતાં દ્રશ્યો. ક્યાંક અભાવમાં અટ્ટહાસ્ય કરતી ભીંંતો તો ક્યાંક ડૂમો બની ગયેલાં ગીતો. ક્યાંક ઉદાસીમાં ભીની થયેલી આંખ તો ક્યાંક ડૂસકે ચડેલી સાંજ.

કવિ ભાવેશ ભટ્ટે લખેલું,

જો વીતે આપના વિચાર વગર

એ દિવસ મનનો ઉપવાસ ન થાય? 

ગાંધીજીએ કહેલું કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આત્માને પોષણ આપવા પ્રાર્થના જરૂરી છે. પણ હૃદયના પોષણ માટે તો પ્રિય વ્યક્તિનાં સ્મરણો જ રામબાણ ઇલાજ છે. ગમતી વ્યક્તિ સાંભરે ત્યારે સુક્કા સૂસવાટા પણ વાંસળીના સૂર બનીને વહેવા લાગે છે. તેના સ્મરણમાત્રથી આકરા તાપમાં પણ ટાઢકની અનુભૂતિ થતી હોય છે. જે દિવસે ગમતી વ્યક્તિ યાદ ન આવે એ દિવસ મન માટે ઉપવાસ સમાન છે. અને જે દિવસે પ્રિય વ્યક્તિને ન જોઈએ, તેને નજરમાં ન ભરીએ, તે દિવસ આંખ માટે ઉપવાસ સમાન હોય છે. લાબાં ગાળા સુધી ગમતી વ્યક્તિ જોવા જ ન મળે તો સમજવું કે નયનનો નમણો પ્રદેશ ઉજ્જડ થઈ રહ્યો છે, તેમાં દુષ્કાળ ચાલી રહ્યો છે.

હૃદય પણ કોઈ નિર્જન ટાપુથી કમ નથી. તેમાં ક્યારેક ભાવનાઓનો મેળો ભરાય છે, તો ક્યારેક વ્યથાનું વાવાઝોડું ફુંકાય છે. પ્રિય વ્યક્તિનું સાથે ન હોવું એ પોતે જ પોતાના હૃદયમાં કારાવાસ ભોગવતા હોવાની વરવી અનુભૂતિ છે. પછી કોઈ પણ જગાએ જઈએ - ભરચક મહેફિલમાં કે ધમાચકડી કરતા જલસામાં - આપણા માટે એ સ્થાન નિર્જન ટાપુથી વિશેષ કશું નથી હોતો. બહાર ચાલતી ધમાલથી વિરક્ત થઈને મન પોતાની અંદર જ ક્યાંક ઊંડે ઊંડે ખોવાઈ જાય છે. ભીતરમાં મૌન એક જંગલની જેમ વિસ્તરતું જાય છે. વનવાસ રામને મળ્યો, પણ વિરહ તો ઊર્મિલા અને લક્ષ્મણને મળ્યો. રામની સાથે સીતા હતાંં, પણ ઊમલા તો મહેલમાં એકલી હતી, લક્ષ્મણ ચાલી નીકળ્યા હતા ભાઈની સાથે વનવાસે. ખરો વનવાસ તો ઊર્મિલા ભોગવતી હતી, મહેલમાં રહ્યા પછી પણ તે જંગલમાં હતી.

લોગઆઉટ:

સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,

તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછી તેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,

અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.

સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે.

તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,

બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.

તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે.

તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે. 

- નયન દેસાઈ


Google NewsGoogle News