Get The App

એ જ તો સૌથી વધુ હેરાન છે .

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
એ જ તો સૌથી વધુ હેરાન છે                            . 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

- ગઝલની ખરી મજા એ જ હોય છે કે તેને દરેક શેર સુભાષિત કે કહેવત થવા સુધીની ક્ષમતા ધરાવતો હોય છે. પ્રત્યેક શેર મોતી જેવી ચમક ઊભી કરી શકે.

લોગઇન

એ જ તો સૌથી વધુ હેરાન છે

જેને આ દુનિયા વિશેનું જ્ઞાાન છે

હાથ તું પકડીશ કોનો જોઉં છું

મારી અંદર હું અને શેતાન છે

એ રીતે આવ્યું અમુકના ભાગમાં

વ્હાલ તો જાણે કોઈ વરદાન છે

વાત મારી કોઈ સાંભળતું નથી

આ દિવાલોનુંય બીજે ધ્યાન છે

તોય એને જોયા કરશો માનથી!

નમ્રતા પણ સ્વાર્થનું સંતાન છે

- લવ સિંહા

કવિ વિવેક ટેલરનો એક અદભુત શેર છે

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,

મને કંઈક મારામાં જડતું રહે છે.

વિઘ્નો સામે વાઈડાઈ ઝીંકવા કરતાં હૃદયમાં મનોમંથન માળો બાંધવો વધારે યોગ્ય છે. જગત તો હેરાન કરશે જ, તમે ગમે તેમ કરો ક્યાંકથી ને ક્યાંકથી દુનિયા તમારામાં ખામીઓ ગોતી જ કાઢશે. જગતનું કામ જ આ છે. પૃથ્વી પર આજ સુધી એક પણ મનુષ્ય એવો નથી થયો કે જગતના સોએ સો ટકા માણસોને રાજી કરી શક્યો હોય. પછી એ રામ હોય કે કૃષ્ણ, ઈશુ ખ્રિસ્ત હોય કે જરથુસ્ટ, બુદ્ધ હોય કે મહાવીર, ગાંધી હોય કે વિવેકાનંદ બધાને અમુક લોકોની ઉપેક્ષાનો ભોગ બનવું જ પડયું છે. મોટે ભાગે તો આ ઉપેક્ષા જ માહ્યલાના કોડિયામાં તેલ પૂરવાનું કામ કરતી હોય છે. તમે જગતની નિર્ધારિત પરંપરાના પંથને અવગણીને પોતાની આગવી કેડી કંડારો એટલે સૌની આંખમાં કણાની જેમ ખૂંચવાના જ છો. એક નાના પરિવારમાં પણ ઘરના રિવાજોથી અલગ કોઈ જાય તો નાત બહાર ફેંકાઈ જાય છે. જગવિરુદ્ધ કશું કરો તો જગત ક્યાંથી સાંખે? દુનિયાને પોતાના નિર્ધારિત ઢાંચાથી અલગ કશું થાય તો પચતુંં નથી. એટલા માટે જ તો ઈસુએ શૂળીએ ચડવું પડયું, ગાંધીએ ગોળીઓ ખાવી પડી. 

લવ સિંહાએ ગઝલના પહેલા શેરથી જ ધાર્યું નિશાન પાર પાડયુંં છે. આપણે ત્યાં જ્ઞાાનની ગંગાઓ વહે છે, વાટકાઓ ભરી ભરીને વાણીવિલાસ વહેંચાય છે. એ કીમતી વાણીની બાટલી મેળવવા માટેની ટિકિટ હોય છે, તમારે વક્તાને સાંભળવા અર્થાત્ બાટલી મેળવવા માટે બસો-ત્રણસો રૂપિયાની ટિકિટ ખરીદીને હોલમાં જવું પડે છે. ત્યારે તે તમારા કાનના કુંડામાં તેમની અમૃતવાણી રેડે, જેથી તમારી સમજણનો છોડ પાંગરી શકે. તેની પર ફળફૂલ આવી શકે. એ બધા જ્ઞાાની હોવાના ગુમાનમાં હોય છે. જોકે તેઓ જ્ઞાાની હોવા કરતાં હોંશિયાર વધારે હોય છે. તેમને બુદ્ધિશાળી ચોક્કસ કહી શકાય, પણ જ્ઞાાની કહેવામાં સંકોચ થાય છે. જ્ઞાાની હોવા અને બુદ્ધિશાળી હોવામાં જમીન આસમાનનો ફેર છે. આપણી મુખ્ય તકલીફ જ એ છે કે આપણે હોંશિયાર માણસને જ્ઞાાની સમજી લઈએ છીએ. પુસ્તકો વાંચીને તમે બુદ્ધિશાળી બની શકો, પરંતુ જ્ઞાાન એ આત્મસૂઝમાંથી અમૃત છે. એની માટે તો ભીતર સમુદ્રમંથન કરવું પડે. હજારો પુસ્તકો વાંચ્યા પછીથી મળતી સમજણ અને હજારો લોકો સાથેના અનુભવથી મળતું ભાથું જ્ઞાાનના ફળને વધારે મીઠું બનાવે છે. તમેં હોંશિયાર બનીને બીજાને છેતરી શકો, બીજાથી આગળ નીકળી શકો. બુદ્ધિશાળી હોવ તો છેતરાતા બચી શકો છો. પણ જ્ઞાાની હોવું એ બંનેથી એક પગથિયું ઉપર છે. જ્ઞાાની તો પોતે દિશાનિર્દેશ કરનાર છે તેનો જરા પણ અહમ રાખ્યા વિના દિશા ચીંધે છે. તેમનામાં જ્ઞાાનનો જરા પણ ભાર નથી હોતો. ઘણી વાર તેમને પોતાને નથી ખબર હોતી કે હું ખૂબ જ્ઞાાની છું, કેમ કે તેમનામાં રહેલી નમ્રતા તેમની સમજણને હળવા પીંછા જેવી બનાવી નાખે છે. અને ખરો જ્ઞાાની વ્યક્તિ તો એ છે કે જે બુદ્ધિશાળી હોવાનો ડોળ કરનાર માણસ સામે મૂર્ખ હોવાનો ડોળ કરી શકે. 

ગઝલની ખરી મજા એ જ હોય છે કે તેને દરેક શેર સુભાષિત કે કહેવત થવા સુધીની ક્ષમતા ધરાવતો હોય છે. પ્રત્યેક શેર મોતી જેવી ચમક ઊભી કરી શકે. લવ સિંહા આખી ગઝલમાં એ ચમક બતાવી શક્યા છે. જગતના જ્ઞાાનથી લઈને નમ્રતા એ સ્વાર્થનું સંતાન છે, એવું કહેવા સુધી તેમની ગઝલનો શેર વધારે ને વધારે ખીલતો જાય છે. જ્ઞાાન વિશે લાઓત્સેએ કહેલી વાતથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

જે જાણે છે, તે બોલતો નથી.

જે બોલે છે, તે જાણતો નથી.

જે સારો છે, તે શણગારતો નથી.

જે શણગારે છે, તે સારો નથી.

જે સાચો છે, તે દલીલ કરતો નથી.

જે દલીલ કરે છે, તે સાચો નથી.

- મહાન ચીની સંત લાઓત્ઝુ


Google NewsGoogle News