Get The App

પતિવ્રતા સ્ત્રી અને પત્નીવ્રતા પુરુષ

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
પતિવ્રતા સ્ત્રી અને પત્નીવ્રતા પુરુષ 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઈન:

सा भार्या या सुचिदक्षा सा भार्या या पतिव्रता ।

सा भार्या या प्रतिप्रीता सा भार्या सत्यवादिनी ।।

( જે પવિત્ર અને કુશળ હોય, જે પતિવ્રતા અને પતિ પ્રત્યે સ્નેહ દાખવનાર હોય. પતિ સાથે હંમેશા સાચું બોલે તે જ ખરી પત્ની.)

- ચાણક્ય

સંસ્કૃતનો એક શ્લોક ખૂબ પ્રચલિત છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. (જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવો પણ પ્રસન્ન રહે છે.) તુલસીદાસ રામચરિતમાનસમાં લખે છે : ઢોલ ગવાંર શુદ્ર પશુ નારી, સકલ તાડના કે અધિકારી. (ઢોલ, ગામડિયો, શૂદ્ર, પશુ અને નારી બધા તાડના અર્થાત્ મારપીટના અધિકારી છે.) આપણે સ્ત્રીને નારી તું નારાયણી પણ કહીએ અને શંકરાચાર્યે લખ્યું છે તેમ નારી નરકનું દ્વાર પણ કહીએ છીએ. આપણને જરૂર પડી ત્યારે આપણે સ્ત્રીને દેવી બનાવીને પૂજા કરી અને ઠીક ના લાગ્યું તો ડાકણ કહી. સ્ત્રીને બધું જ બનાવી સ્ત્રી સિવાય. મનુષ્ય સિવાય.

આપણા ગ્રંથોમાં પતિવ્રતા નારી કેવી હોવી જોઈએ તેનાં વિવિધ લક્ષણો આપવામાં આવે છે. પતિવ્રતા નારી પતિને સંપૂર્ણપણે વફાદાર હોવી જોઈએ, તે પતિને દેવ સમજીને પૂજા કરતી હોય. તે પતિના સુખદુ:ખમાં હંમેશાં તેની સાથે જ રહે. તે પતિની દરેક વાતનું પાલન કરે. વગેરે. પણ ભાગ્યે જ પત્નીવ્રતા પતિ કેવો હોવો જોઈએ તેનો દાખલો અપાય છે. પતિવ્રતા પત્નીના લક્ષણોમાં ખૂણે એક ફુદરડી મૂકીને તેમાં ટર્મ એન્ડ કન્ડિશન એપ્લાય. લખવું જોઈએ. તેમાં પતિ પણ એવો હોવો જોઈએ કે પત્નીને દેવી સમાન ગણીને તેની પૂજા કરવાની તૈયારી બતાવી શકે. પત્ની પ્રત્યે સંપૂર્ણ વફાદારી રાખે, પત્નીના સુખદુ:ખમાં હરહંમેશ સાથ આપે. પત્નીની વાતનું પૂરું પાલન કરે.

સીતા અને મંદોદરી પતિવ્રતા સ્ત્રીનું ઉત્તમ ઉદાહરણ છે. સીતાએ આજીવન રામનો સાથ આપ્યો. રામને વનવાસ મળ્યો તો પોતે પણ મહેલને ઠોકર મારી તેમની સાથે નીકળી પડી. ટાઢ, તાપ, તડકો, વેઠયો, ઝૂંપડીમાં રહ્યાં. ઉધાડા પગે ચાલ્યાં. રાવણે સોનાની લંકામાં રાણી બનીને રાખવાની લાલચ આપી એને પળમાં ઠુકરાવી દીધી. દરેક સ્થિતિમાં રામને સાથ આપ્યો. રાવણની પત્ની મંદોદરીને પણ પતિવ્રતા સ્ત્રી ગણી શકાય, તેણે રાવણને દરેક સ્થિતિમાં સાથ આપ્યો, વળી તેના કુકર્મો માટે તેને અનેકવાર ચેતવ્યો પણ ખરો, જરૂર પડી ત્યાં વિરોધ પણ કર્યો. પતિવ્રતા સ્ત્રીનો અર્થ પતિને આંધળો સાથ આપવાનો નથી. પણ પતિની આગળના પડળો હટાવવાનું કામ કરવું પણ જરૂરી છે. અને માત્ર પતિવ્રતા પત્ની જ શું કામ ? પતિ પણ એટલે જ પત્નીવ્રતા હોવો જોઈએ. જે નિયમ પત્નીને લાગે તે તમામ પતિને પણ લાગવા જ જોઈએ.

બાહુબલી ફીલ્મમાં પત્નીવ્રતા પતિની વાત ખૂબ સરસ રીતે બતાવવામાં આવી છે. યુદ્ધમાં સેંકડો દુશ્મનોને ચપટીમાં ધૂળભેગા કરી નાખતો યોદ્ધો પત્ની પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવામાં પાછો નથી પડતો. જ્યારે કટોકટીનો પ્રસંગ આવે છે. ત્યારે પોતાની મા ખોટી હોય છે તે જાણતા તેમને કહેતા નથી અચકાતો કે મા તમે ખોટા છો. તે માવડિયો બનવાને બદલે સત્યને પક્ષે રહીને પોતાનો ધર્મ નિભાવવાનું નક્કી કરે છે. વળી તે પત્નીના પાલવના છેડે બંધાઈને પ્રેમઘેલો જોરુનો ગુલામ પણ નથી થઈ જતો. માતાના રક્ષણ કે વચન ખાતર પોતાનો જીવ આપવા પણ તત્પર રહે છે. રામ પણ આવા જ પત્નીવ્રતા પતિ હતા. જે સમયમાં એક રાજા બે બે પાંચપાંચ કે દસદસ રાણીઓ રાખતા હતા ત્યારે રામે એક પત્નીવ્રત બની રહીને સમાજમાં મોટો દાખલો બેસાડયો. એટલું જ નહીં, અયોધ્યામાં જ્યારે અશ્વમેધ યજ્ઞા કરવાનો થયો ત્યારે હવનપ્રસંગે રામની સાથે સીતાએ બેસવું જરૂર હતું. પણ સીતા વાલ્મીકિ આશ્રમમાં હતાં, તે હાજર રહી શકે તેમ નહોતાં, ત્યારે પણ અન્ય કોઈ સ્ત્રીને બેસાડવાને બદલે સીતાની સુવર્ણપ્રતિમા બનાવીને બેસાડી.

લોગઆઉટ:

कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा ।

धर्मानुकूला क्षमया धरित्री भार्या षाङगुण्यवतीह दुर्लभ ।।

- गऱुड पुराण, पूर्व खण्ड, आचार काण्ड, 64/6

(કાર્યમાં મંત્રી, સેવામાં દાસી, ભોજનમાં માતા, રતિ સમયે રંભા, ધર્મમાં અનુકૂળ, ક્ષમા બાબતે ધરતી સમાન. આ છ પ્રકારની પત્ની મળવી દુર્લભ છે.


Google NewsGoogle News