શરાબ પીના હરામ હૈ ક્યા તુમકો પતા નહીં?
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઇન :
તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારાં,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી? - ઘાયલ
ગુજરાતી ગઝલમાં ઘાયલનું સ્થાન આગવું છે. ખમીર અને ખુમારી તેમની ઓળખ છે. અસ્સલ કાઠિયાવાડી મિજાજ સાથે તેમણે આપેલા અનેક ઉત્તમ શેર આજે ગુજરાતી ગઝલમાં સાચા મોતીની જેમ ચમકી રહ્યાં છે. આ શેર પણ તેમના શ્રેષ્ઠ શેરમાંનો એક છે. અસ્તિત્વના આનંદને ઉજવતા આવડે તો પ્રત્યેક સ્થાન મહેફિલ છે. આનંદના અવસરે પણ પોતાનાં રોદણાં રડયા કરતા માણસને જલસાનું જોમ નથી ચડી શકતું. તેને ગમે તેવા ઉત્સવમાં મૂકો તે ભીતરથી દુ:ખી જ રહે છે. જીવી શકીએ તો દરેક વસ્તુમાં જિંદગી છે. પ્રત્યેક સ્થાન વ્યક્તિ કે વસ્તુમાં એક નશાથી કમ નથી. ગાલિબ (૧૭૯૭-૧૮૬૯)નો શેર પણ યાદ આવ્યા વિના નથી રહેતો.
જાહિદ શરાબ પીને દે
મસ્જિદ મેં બૈઠ કર,
યા વો જગહ બતા દે
જહાં પર ખુદા ન હો.
જોકે આ શેર ગાલિબનો છે તે બાબતે વિદ્વાનોમાં મતભેદ છે. ઈસ્લામ ધર્મમાં સુરાપાન ઘોર પાપ છે. ગાલિબ અને શરાબના કિસ્સા તો ખૂબ જાણીતા છે, એટલે એમણે જાહિદ અર્થાત્ ધર્મોપદેશને દલીલ કરીને કહ્યું કે હું દારૂના પીઠામાં જઈને શરાબ પીઉં કે મસ્જિદમાં બેસીને, તેનાથી શું ફર્ક પડવાનો છે? કેમ કે ખુદા તો દરેક જગ્યાએ છે. આપણે ત્યાં કણ કણ મેં હૈ ભગવાનની માન્યતા સદીઓથી છે. અઢારમી સદીમાં થઈ ગયેલા આ મહાન શાયરના શેરનો જવાબ ઓગણીસમી સદીના મહાન શાયર ઇકબાલ (૧૮૭૭-૧૯૩૮) કંઈક આ રીતે આપે છે.
મસ્જિદ ખુદા કા ઘર હૈ, પીને કી જગહ નહીં,
કાફિર કે દિલ મેં જા, વહાં ખુદા નહીં.
ગાલિબ જરા પણ ધાર્મિક નહીં, પણ ઇકબાલ ધાર્મિક ખરા. એટલે એ કહે છે કે મસ્જિદ એ તો ખુદાનુંં ઘર છે, ત્યાં સાક્ષાત ખુદા વસે છે, ત્યાં બેસીને શરાબ પીવો એ તો ઘોર પાપ છે, તમારે પીવો જ હોય તો કોઈ નાસ્તિકના હૃદયમાં જઈને પીવો, કેમ કે એ તો ખુદામાં માનતો જ નથી, તો તેના હૃદયમાં ખુદા ક્યાંથી હોય?
ઇકબાલના આ શેરનો જવાબ વીસમી સદીમાં જન્મેલા મહાન શાયર અહમદ ફરાઝ (૧૯૩૧-૨૦૦૮) આપે છે-
કાફિર કે દિલ સે આયા હૂં, મૈં યે દેખકર,
ખુદા મૌજૂદ હૈ વહાં, પર ઉસે પતા નહીં.
અહમદ ફરાઝ ઉપરના બંને શાયરને કહે છે મસ્જિદની વાત જવા દો, પીઠામાં બેસીને પીવાની વાત પણ ભૂલી જાવ, મેં તો છેક કાફિરના અર્થાત્ નાસ્તિકના હૃદયમાં જઈને પણ જોઈ લીધુંં, ભગવાન તો ત્યાં પણ છે જ, પણ એ નાસ્તિકને ખબર નથી. અને ખબર નથી એટલે એ માનતો નથી. પણ શરાબનો પ્રશ્ન તો પાછો ત્યાં ને ત્યાં જ આવીને ઊભો રહ્યો.
એટલે ૧૯૭૬માં પાકિસ્તાનમાં જન્મેલ વસી શાહ એ શેરનો જવાબ આ રીતે આપે છે-
મૌજૂદ હૈ ખુદા યહાં દુનિયામાં મેં હર જગહ,
જન્નત મેં જા કે પી વહાં પીના મના નહીં.
એણે જુદી વાત કરી. દુનિયાના અણુએ અણુમાં ભગવાન છે, અહીં તો શરાબ હરામ છે. જો શરાબ પીવો જ હોય તો તુંં સ્વર્ગમાં જઈને પીઓ, ત્યાંં સુરા અને અપ્સરા બંંને છે. આ બધાની વાત સાંભળીને ફહીમ કીદવાઈ નામનો શાયર છંછેડાઈ ઊઠે છે અને લખે છે,
છોડો મસ્જિદ, જન્નમત ઔર દિલો કી યે બહસે,
શરાબ પીના હરામ હૈ ક્યા તુમકો પતા નહીં?
અરે ભઈ આ મસ્જિદ, જન્નત આ બધી વાતો મૂકો. એની ચર્ચા કરવાની રહેતી જ નથી. તમને ખબર નથી કે શરાબ આપણે ત્યાં હરામ છે?
કવિતામાં વ્યક્ત થતા એક વિચારને અલગ અલગ શાયર કેવા પોતાની રીતે આગળ વધારતા હોય છે તેનો આ દાખલો છે. દરેક શાયર પોતાની સૂઝ-સમજ અને માન્યતા-ગેરમાન્યતાઓને આધારે દાવા-દલીલો કરે છે. તમામ શાયરોની દાવા-દલીલોમાં ભાવકે પોતાનું સત્ય તારવવાનું છે. જોકે ઉપર થયેલી આટલી ચર્ચા પછી પણ શરાબવાળો મુદ્દો તો હજી ઉકેલાયો જ નથી. ગાલિબના સમયના અન્ય મહાન શાયર ઝૌક તો સીધા ધર્મોપદેશક સામે દલીલ કરે છે. તેમને પૂછે છે કે હે જાહિદ, હે ધર્મોપદેશક, શરાબ પીવાથી હું કઈ રીતે નાસ્તિક થઈ ગયો? શું ધર્મ એટલો નબળો હોય છે કે શરાબ જેવું નશીલું પાણી પીવાથી ભ્રષ્ટ થઈ જાય? મેં ચપટીક પાણી પીધું મારું આખું ઇમાન એ પાણીમાં વહી ગયુંં? મારો ધર્મ નાશ પામ્યો?
લોગઆઉટ:
જાહિદ શરાબ પીને સે કાફિર હુઆ મૈં ક્યોં,
ક્યાં દેઢ ચુલ્લૂ પાની સે ઈમાન બહ ગયા?
- ઝૌક