Get The App

ઇચ્છાની માખી અને ગોળનાં દડબાં .

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ઇચ્છાની માખી અને ગોળનાં દડબાં                              . 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઇન

પોતાના દેહથી અજબ પ્રીત હોય છે,

પ્રત્યેક જીવ એટલે ભયભીત હોય છે.

એકાદ અંશ જેટલી ખુદની નથી ખબર,

માણસ જગતથી કેટલો 

પરિચિત હોય છે!

ખણખોજ શ્વાસ શ્વાસની 

કાયમ કર્યા કરે,

એને જડેલું હોય તે નવનીત હોય છે.

થોડુંઘણું જે સાંભળે એની છે ધન્યતા,

સૌના હૃદયમાં આગવું 

સંગીત હોય છે.

લૌકિક સુખોની એ કદી 

દરકાર ના કરે,

અંદર અનેરી મોજ જેને નીત 

હોય છે...

- હરજીવન દાફડા

ઇચ્છાની માખી મોટેભાગે પાંચેક ગોળનાં દડબાંઓ આસપાસ બણબણ્યાં કરે છે - પદ, પ્રતિષ્ઠા, પૈસા, પ્રસિદ્ધિ, અને પ્રેમ. લોકો ઇચ્છે છે કે ઉચ્ચ સ્થાન મળે તો તે ધારે તે કરી શકશે. બધા તેમને વિશેષ દ્રષ્ટિથી જોશે. ઘણા કોઈ પણ ભોગે પ્રતિષ્ઠાનાં પર્ણો લીલાં રાખવા માગતા હોય છે, જેથી તેમનું વૃક્ષપણું વધારે હરિયાળું રહે. પૈસા તો કોણ નથી ઇચ્છતું? તેને હાથનો મેલ ગણનારા લોકો પણ એવું જ ઇચ્છતા હોય છે તેમના હાથ આ મોંઘા મેલથી ભરાયેલા રહે. આજના સમયે ભિખારીથી લઈને અભિનેતાઓ પ્રસિદ્ધિના પમરાટથી મહેકવા માગે છે. તેમાં સોશ્યલ મીડિયાએ સગવડ કરી આપી છે. રીલના રેલામાં વહીને બધા ઘરેઘર પહોંચવા માગે છે. અને આ બધું કરવાનું કારણ એક જ હોય છે, સુખ. પ્રેમના પતંગિયાં હૃદયના પુષ્પ પર આવીને સ્થાન ગ્રહણ કરે તેનું હૃદય માત્ર લોહી શુદ્ધ કરતું મશીન નથી રહેતું. પ્રેમની ભૂખ પણ ગજબ હોય છે. બધુંં મળી ગયા પછી પણ એ તો અધૂરી જ રહે છે. આ બધાં જ ગોળના દડબાંઓનો સ્વાદ ફિક્કો ત્યારે લાગે છે જ્યારે શરીરની શરણાઈ ફુંકાતી ઓછી થઈ જાય. તેનો તાલ ખોડંગાવા લાગે. સૂર સ્વસ્થતા ગુમાવે. કેમ કે બધું આખરે તો દેહના દેરામાં દીવો પ્રગટેલો છે ત્યાં સુધી છે. પૈસો, પ્રસિદ્ધિ કે પ્રેમ બધું દેહની ખીંટી પર ટાંગવાનું હોય છે. એ તો માત્ર એક હેંગર છે. જેમાં વિવિધ રંગનાં વસ્ત્રો આપણે ટીંગાડીએ છીએ. અને આ વાત આપણે ગમે તેટલી નકારીએ પણ અંદરખાને બહુ સારી રીતે જાણીએ છીએ. સ્વર્ગ અને મોક્ષની વાત કરતા ધર્મગુરુઓ પણ મોત નજીક આવતું દેખાય કે ફફડી ઊઠે છે. દેહ બધાને વહાલો છે. મચ્છર હોય કે માનવ, કીડી હોય કે હાથી. કોઈ પ્રાણના પંખીને દેહના માળામાંથી ઊડવા દેવા નથી માગતા. દરેક જીવને પણ એનો ભય છે. મૃત્યુ બીજું કશું નથી, આત્માનો દેહનો છેડો ફાટવાની ઘટના છે. અને આત્માનું મૂલ્ય કરતા મોંઘી ગાડીમાં ફરતા મહાત્માઓ જો દેહ જ નહીં હોય તો શેમાં રહીને આત્માની અમૃતભરી વાતો લોકોને કહેશે? ઘણી વાર તો લાગે છે કે આત્મા કરતા પણ દેહ વધારે મહત્ત્વનો છે. 

હરજીવન દાફડાએ ગઝલના પ્રથમ શેરમાં જ જીવનની કેટલી મોટી વાસ્તવિકતા સરળતાથી સમજાવી દીધી છે. કવિતાનું કામ આ જ તો છે કે ગંભીર લાગતી વાતોનો દીવડો પ્રગટાવીને તે આપણી સમજણના ઉંબરામાં મૂકી આપે. ઊંબરામાં એટલા માટે કે ત્યાં મૂકેલો દીવો બંને તરફ અજવાળું કરે છે. ઘરની અંદર અને બહાર પણ. કવિતાના અજવાળે રોશન થવા માગતું હૈયું બંને તરફનું તેજ પામે છે અથવા તો બંને તરફ તેજ કરે છે. કવિતા એવી પુત્રી છે બે ઘર દીપાવે છે, લખાતી હોય ત્યારે કવિનું અને સંભળાતી હોય ત્યારે ભાવકનું. જાત અને જગતને તે વિશેષ રીતે સમજવાની દ્રષ્ટિ કેળવે છે. કવિતાને શબ્દ સ્મિત પણ આપે અને આંસુ પણ. તે આધ્યાત્મનો અમૃતઘૂંટ પણ પીવડાવે અને મદિરાનો માદક ઘૂંટ પણ. તે નવજાત શિશુની કિલકારીને ઊજવે તો વૃદ્ધાવસ્થામાં કર્કશ ધુ્રજારીભર્યા અવાજને પણ અજવાળે. બાળકના દૂધિયા દાંતથી લઈને ચોકઠા સુધીનો પ્રવાસ પણ કરાવી આપે. તે જીવનના દરેક છાનાછુપા ખૂણાને સંવેદનાની આંખે ઉજાગર કરી આપે છે. 

હરજીવન દાફડાની કલમમાં સહજતા, ઊંડાણ અને વેધકતા છે. ઉપરોક્ત ગઝલ તેનો પુરાવો છે. તે ગઝલની ગરિમા જાળવીને કલમની ડાળખી પર પુષ્પ મૂકે છે. 

આપણે અપેક્ષાનું આંજણ આંજીને જગતને જોવા ટેવાયેલા છીએ. કોઈ સંબંધ અપેક્ષાવીહિન નથી. દરેકના માનસિક મુગટમાં કશુંક પામવાનું અદ્રશ્ય પીંછું લગાડેલું હોય છે. કદાચ અપેક્ષા અને પ્રેમ જ સંબંધને જીવંત રાખે છે. હરજીવન દાફડા ખણખોદ તરફથી ખોજ તરફ લઈ જવાની વાત કરે છે. જગત આખાની ખબર રાખતો માણસ પોતાનાથી જ સાવ અપરિચિત હોય છે. ફલાણો આવો છે, તેની આ કુટેવ છે, પેલાની તો વાત જ શી કરવી, ઢીંકણાભાઈ વિશે તો બોલાય એમ જ નથી. આવી પળોજણના નળિયા આપણે એકબીજાના માથે ફોડયા કરીએ છીએ. જગત કેવું છે તેની પળોજણમાં, જાત કેવી છે તેની તરફ તો ધ્યાન જ આપતા નથી.

લોગઆઉટ

ગામ આખાનું ગજું માપી લીધું,

જાતને અંદાઝવાનું રહી ગયું.

- ચંદ્રેશ મકવાણા 


Google NewsGoogle News