Get The App

એકાકી વૃદ્ધ અને સૂકાઈ ગયેલું ઝાડ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
એકાકી વૃદ્ધ અને સૂકાઈ ગયેલું ઝાડ 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઈન 

એકાકી વૃદ્ધ બેઠો છે 

સુકાઈ ગયેલા વૃક્ષ નીચે 

વૃદ્ધ જુએ છે- 

ઘડીકમાં વૃક્ષ સામે 

ઘડીકમાં જાત સામે 

ને મનોમન પ્રાર્થેછે :

ક્યાંકથી કઠિયારો આવે 

ને વૃક્ષભેળો મનેય કાપી જાય.

- વજેસિંહ પારગી

નરસિંહ મહેતાએ લખેલું. ''ઉંમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,'' ઘડપણ સાથેનું સગપણ દ્રઢ થયા પછી કાયાનું કબૂતર પાંખો ફફડાવી આકાશને આંબી શકતું નથી. તેને તો એક એક પગલું પર્વત ઓળંગવા જેટલું કપરું લાગે છે. પાદરમાં જવું એ પણ પરદેશ જવા જેટલું મુશ્કેલ લાગે. બાળપણમાં જે ઝાડ પર કૂદકો મારીને ચડી જતા, એની તો કલ્પના પણ દુષ્કર. યુવાનીમાં સાહસપૂર્વક પલાણેલા ઘોડાની વાતો ઘડપણમાં પરભવની લાગવા લાગે છે.

ઘડપણ સાથેનું સગપણ જન્મની સાથે જ નક્કી થઈ જાય છે. સમયની સાવરણી ફરતી રહે છે અને દિવસો-મહિનાઓ-વર્ષોને વાળતી રહે છે. તમે જન્મો તે સાથે જ એક અદ્રશ્ય દોરડાથી બંધાઈ જાવ છો. એ દોરડું તમારી જાણ બહાર તમને નિરંતર ખેંચતું રહે છે. એક અજાણી પીંછી આઠે પ્રહર તમારા દેહ પર ફરતી રહે છે. સતત તમારી પર ઉંમરનો લેપ કરતી રહે છે. સમય રાતદિવસ તમને ઘરડા કરવામાં વ્યસ્ત છે. રઈશ મનીઆરે લખેલું, ''યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે.'' આપણને મોટે ભાગે કશુંક જતું રહે પછી જ તેનું મૂલ્ય સમજાતું હોય છે. જ્યારે બાળપણ પતે ત્યારે થાય કે અરે રે મોટા થઈ ગયા, બાળપણમાં આમ કર્યું હોત તો કેટલું સારું. યુવાની પતે ત્યારે થાય કે જિંદગીને હજી તો પૂરી માણી પણ નહોતી ને ઘરડા થઈ ગયા. ઘડપણના આરે પહોચ્યા પછી અમુક અફસોસ બેવડાઈ જાય. બાળપણ અને યુવાનીમાં જે ન કરી શક્યા તેનો વસવસો વેદનાપૂર્વક વળગી પડે.

વજેસિંહ પારગીને ઓછા શબ્દોમાં ઘણું કહેવાની ફાવટ છે. વૃદ્ધાવસ્થાને તેમણે જીર્ણ સુકાઈ ગયેલા ઝાડ સાથે સરખાવી છે. કઠિયારો ઝાડ સાથે તેને પણ કાપી નાખે તો આ કાયા નામનું ઝાડવું જમીનદોસ્ત થાય, એક કઠિયારો ઝાડને કાપનારો અને બીજો જિંદગીને ઘણા લોકો વૃદ્ધને બિનઉપજાઉ ખેતર કે વસુકાઈ ગયેલ પશુ સમાન લાગતા હોય છે. તે ઘરના કોઈ વધારાના સામાન જેમ તેમને આમથી તેમ ખસેડયા કરે છે. એ ધક્કેલાવામાંથી મુક્ત થવા જ કદાચ અહીં ઝાડની સાથે પોતાને કાપી નાખવા માટે પીડાપૂર્વક કવિ કહે છે.

આપણે ત્યાં માથામાં વાળ સફેદ આવવાની સાથે જાણે કાયાની ભૂમિ ઘડપણની ઋતુની શરૂઆત થઈ હોય તેમ ઘણા લોકો તો આનંદ અને મજામાંથી જ નિવૃત્તિ લઈ લે છે. તેઓ એવું સમજે છે કે બસ હવે જીવનની પાનખર આવી. હવે આપણે તો પીળું પાન. જ્યારે પશ્ચિમી દેશો વૃદ્ધાવસ્થાને જ ખરું એન્જોયમેન્ટ માનતા હોય છે. જિંદગીભર ખૂબ કામ કર્યું. પરિવાર પાછળ ખર્ચાયા, નોકરી-ધંધામાં વ્યસ્ત રહ્યા, એમાં ને એમાં ગમતી બધી જ વૃત્તિ-પ્રવૃત્તિ અને શોખને અભેરાઈએ ચડાવી દીધા. હવે બાળકો મોટાં થયાં, નોકરીમાંથી નિવૃત્તિ મળી હવે ગમતી પ્રવૃત્તિ કરવાનો સમય આવ્યો એમ માનીને તેઓ દેશવિદેશ ફરશે. દુનિયાના વિવિધ લોકોને, સંસ્કૃતિને વધારે નજીકથી જાણશે. જ્યારે આપણે નિવૃત્તિ પછી જાણે જીવનમાંથી જ નિવૃત્ત થઈ જઈએ છીએ અને ઓટલે બેસીને ગામ આખાની પંચાતો કરતા રહીએ છીએ.

હકીકતમાં વૃદ્ધત્વ તો પક્વતાની નિશાની છે. ઉંમરની સાથે અનુભવનું ભાથું પણ વધે છે. અને અનુભવસિદ્ધ થયા પછી બાળપણ કે યુવાનીમાં રહેલા અધીરાઈના અવગુણ પર સહજતાથી કાબૂ મેળવી શકાય છે. વૃદ્ધાવસ્થા તો જિંદગીભર એકઠા થયેલા અજવાળાને વહેંચવાનો સુવર્ણકાળ છે. સાહિત્ય, કલા, સંસ્કૃતિ, સેવા અને બીજી અનેક ગમતી પ્રવૃત્તિ કરવા માટેનો આ ઉત્તમ સમય છે. પરંતુ લોકો ઉંમર પહેલાં ઘડપણ સાથે સગપણ બાંધી લે છે. કવિ કિરણસિંહ ચૌહાણે આવા લોકો માટે બહુ માર્મિક કવિતા લખી છે.

લોગઆઉટ

તારા વાળ સફેદ થાય તો ભલે થાય 

સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.

તારા ચહેરા પર

કરચલીઓ આવી પડે

તો આવવા દેજે

કદાચ તેમાં તને

તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો

હિસાબ મળી આવે.

તારૃં શરીર ધૂ્રજે તો ગભરાઇશ નહી

કારણ કે એ ધૂ્રજારી ન ભોગવાયેલાં સ્પંદનોનો

સામટો વરસાદ હોઇ શકે.

તારૃં ઘડપણ આવે તો

એને શાનથી આવવા દેજે.

બસ એટલી તકેદારી રાખજે

કે એ એના સમયે આવે. 

- કિંરણસિંહ ચૌહાણ


Google NewsGoogle News