Get The App

તુંબડું મારું પડયું નકામું, કોઇ જુએ નહીં એના સામું

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
તુંબડું મારું પડયું નકામું, કોઇ જુએ નહીં એના સામું 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઇન

આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઇ ન માંગું,

સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું...

તુંબડું મારું પડયું નકામું, કોઇ જુએ નહીં એના સામું

બાંધીશ તારા અંતરનો ત્યાં તાર, પછી મારી ધૂન જગાવું

સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું...

એકતારો મારો ગૂંજશે મીઠું, દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું

ગીતની રેલાશે એક અખંડિત ધાર, તેમાં થઇ મસ્ત હું રાચું

સુણજે આટલો આર્ત તણો પોકાર, બીજું હું કાંઇ ન માંગું...

 - રવીન્દ્રનાથ ટાગોર 

(અનુ. શ્રી ભાનુશંકર વ્યાસ)

ગાંધીજીએ કહેલું, પ્રાર્થના આત્માનો ખોરાક છે. ભાષા કોઈ પણ હોય, પ્રાર્થનાનો ભાવ તો એક જ રહે છે. હૃદયની પવિત્રતા, આત્માના ઓજસમાં ઉન્નતિ... ન્હાનાલાલે લખેલું, ''અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા'' કવિ જાણે છે કે આપણું જીવન અસત્ય, સ્વાર્થ, અહમ, અને અંધકારથી ઘેરાયેલું છે. આપણે  અંદરથી ભાંગી પડેલા માણસો છીએ. નાની નાની વાતે આપણે દુ:ખી થઈ જઈએ છીએ. કવિ રાજેન્દ્ર શાહે લખ્યું છે, ''ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર...'' આપણે રાઈનો પહાડ બનાવવામાં પાવરધા છીએ. જરાક અમથા દુ:ખને ડુંગર જેવડું બતાવીને લોકોની લાગણી ઉઘરાવવાની આપણને મજા આવે છે. પણ આ જ બાબત આંતરિક રીતે આપણી વ્યથામાં વધારો કરે છે. નાની વાતનો શોર મચાવીને દુ:ખને આપણી અંદર પ્રવેશવાની આપણે જાતે તક આપી દઈએ છીએ. 

રવીન્દ્રનાથ ટાગોર ભારતીય ભાષાઓનું ઘરેણું છે. તેમની કલમથી જે સુવર્ણમોતીઓ પ્રગટયા તેની ચમક સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે. ગાંધીયુગના કવિ ભાનુશંકર વ્યાસ 'બાદરાયણ'એ તેમની કવિતાનો સુંદર ભાવાનુવાદ કર્યો છે. 

આપણું હૈયું અહમ, ઈર્ષા, ક્રોધ અને લોભના ડાઘથી મલીન થઈ ગયેલું છે. તેને સ્વચ્છ કરવા માટે પ્રાર્થના જરૂરી છે. આપણી પાસે જે નથી એની ચિંતા હોય તેની કરતા વધારે આપણા આસપાસના લોકો પાસે જે વધારે છે તેની ચિંતા વધારે થતી હોય છે. બુદ્ધે કહેલું આપણા દુ:ખનું કારણ એષ્ણા - અર્થાત્ ઇચ્છા છે. જોકે માત્ર ઇચ્છા નહીં, પણ વધારે ને વધારે મેળવવાની ઇચ્છા દુ:ખનું મુખ્ય કારણ છે. ઇચ્છાના મેલથી મલિન થઈ ગયેલા મનને પ્રાર્થનાથી સ્વચ્છ કરવું પડે છે. આપણા આજીવન એક જ પ્રયત્નમાં જિંદગી વિતાવી દઈએ છીએ, દુ:ખથી મુક્તિ. જુદાં જુદાં દુ:ખોમાંથી મુક્ત થવા માટે જિંદગીભર દોડતા રહીએ છીએ. પણ અમુક દુ:ખોને સ્વીકારીને જ આગળ વધવું પડે છે, તેનાથી ભાગી નથી શકાતું.

એક વાર ભગવાન બુદ્ધ પાસે એક મહિલા આવી અને કહ્યું, સ્વામી આપ બધાનાં દુ:ખો દૂર કરો છો. નિર્જીવને સજીવન કરો છો. મારી દીકરીને સાપ ડંખી ગયો છે, તેને સાજી કરી આપો. ભગવાન બુદ્ધ એક ક્ષણ અટક્યા અને કહ્યું, જરૂર. પણ તેની માટે મારે એક વાટકી રાઈના દાણાની જરૂર પડશે, તમે ઝડપથી લઈ આવો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, એવા ઘરમાંથી રાઈના દાણા લાવજો જે ઘરમાં આજ સુધી કોઈનું મૃત્યુ ન થયુંં હોય. મહિલા દોડાદોડ ગઈ. સવારથી રાત સુધી બધે રઝળી. આખુંં ગામ ફરી વળી પણ એક ઘર એવું ન મળ્યું કે જેમાં ક્યારેય કોઈનું મૃત્યુ ન થયું હોય. સાંજે બુદ્ધ પાસે આવી ત્યારે તે સમજી ગઈ હતી કે મૃત્યુ એ અંતિમ સત્ય છે. તેને સ્વીકારવું જ પડે છે. 

૧૯૦૫માં જન્મેલા બાદરાયણે ગુજરાતી ભાષામાં કાવ્યો, ભજનો, સોનેટો, મુક્તકો અને દીર્ઘ રચનાઓ આપી છે. ૧૯૪૧માં તેમણે 'કેડી' નામનો કાવ્યસંગ્રહ આપેલો. તેમણે જિંદગીને હસી-હસાવીને વીતાવવાનો સંદેશો આપતી સરસ કવિતા રચી છે, તેનાથી વિરમીએ.

લોગઆઉટ

મજા જિંદગી છે હસો ને હસાવો,

પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

વહી જાય તો કાળ પાછો ન આવે,

લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,

બધાં બંધનો એહ દૂરે ફગાવો.

જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,

ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

ભરી છે મજા કેવી કુદરત મહીં જો,

જિગર-બીન એવું તમેયે બજાવો.

ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,

અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,

અરે મોતને પણ હસીને હસાવો.

- ભાનુશંકર વ્યાસ 'બાદરાયણ'


Google NewsGoogle News