Get The App

રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ 1 - image


- અંતરનેટની કવિતા - અનિલ ચાવડા

લોગઇન 

રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ

પગપાળા તારી જાતને તેડી અને ચાલી નીકળ

જાળાં નકામા ઝાંખરા ખેડી અને ચાલી નીકળ

સંબંધ 'ને શાખા બધું વેડી અને ચાલી નીકળ

સામે પવન તું ડગલું ભરશે ત્યાં જ લેશે ઊંચકી

લે, તોડ લખ ચોર્યાસીની બેડી અને ચાલી નીકળ

બીજી પળે આકાશ એની મ્હેકથી છલકી ઊઠે

તું રાગિણી એ લાક્ષણિક છેડી અને ચાલી નીકળ

પથ્થરમાં પણ સંવેદનાઓ ગીત તારું સ્થાપશે

અણફળ રહેલાં ઝાડ ઝંઝેડી અને ચાલી નીકળ

સમધર્મી સાથે ચાલતા નિજમાર્ગ સંભાળી રહે

એવી અડીખમ શોધી લે હેડી અને ચાલી નીકળ

સક્ષમ ચડી શકવા ન હો, હા ઝાલ એની આંગળી

પ્હોંચે પછી છોડી દે એ મેડી અને ચાલી નીકળ

- સંજુ વાળા

ભારતીય ભાષાના ઘરેણાસમાન કવિ રવીન્દ્રનાથ ટાગોરની કવિતા 'તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!'થી ભાગ્યે જ કોઈ કાવ્યરસિક અજાણ હશે. અલગ કેડી કંડારી આગવું ડગલું માંડવાનુંં હોય ત્યારે જગતનો સાથ ભાગ્યે જ સાંપડતો હોય છે. સાથ આપવાની વાત તો દૂર જગત રસ્તામાં રોડાં નાખવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં કોઈની સંગત મળે તો ઠીક નહીંતર એકલપંડે જ અહાલેક જગવવાનો હોય છે. માર્ગમાં આવતી મુશ્કેલીના મસમોટા પહાડો આપબળે જ ઓળંગવાના હોય છે. આવા સમયે સ્વાભાવિકપણે ચિત્તમાં ભયનાં વાદળો ઘેરાય છે. એ વાદળો તોફાન થઈને ત્રાટકશે, પૂર આવશે અને તેમાં આપણે તણાઈ જઈશું તો શું? એવી કલ્પેલી ચિંંતા પણ અંદરથી કોરી ખાતી હોય છે. મનમાં જેની ચિંતા રહ્યા કરતી હોય છે તેવું વાસ્તવિક જગતમાં કશું બનતું જ નથી હોતુંં. આપણે મનમાં ઊભા કરેલા કલ્પિત ભયના જાળામાં જ વર્ષો સુધી કેદ રહેતા હોઈએ છીએ. જાત ફરતે જડાયેલું આ જાળું તોડવામાં જિંદગી પતી જાય છે. હકીકતમાં આવી પડેલા દુઃખના આધારે આપણે જે દુઃખ કલ્પી લઈએ છીએ તે વધારે દુઃખી કરનારુંં હોય છે.

તૈયાર કેડી પર ચાલનારો નવું સ્થાન નથી શોધી શકવાનો. એ ત્યાં જ પહોંચશે જ્યાં અગાઉ લોકો ગયા છે. રસ્તાનો અંત થતા તેની સફર પણ અટકી જશે. નવી યાત્રા માટે તૈયાર કેડીને ત્યાગવી પડે, હેમેન શાહે લખ્યું છે-

'એક પણ તૈયાર કેડી ના ગમી, ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.' ચીલો ચાતરીને ચાલનારો જ જગતને અલગ આપી શકે. નવો માર્ગ શોધવા માટે ઘાયલસાહેબ જેવી ખુમારી પણ જોઈએ, તેમણે લખ્યું છેને- 'રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?' મુશ્કેલીનો ભાર માથે મુકીને ચાલનારો ઝડપથી થાકી જાય છે. લાંબી સફર ખેડનારાએ તો આવનાર આફતોને આડેહાથે લેવી પડે. સમસ્યાને સાઇડમાં હડસેલી આગળ ધપવું પડે. સંજુ વાળા એ જ તો સમજાવે છે. જો રસ્તો નથી કે નવી કેડી સર્જો, એ કેડી જ તો સમય જતા મહામાર્ગ બનશે.

પૌરાણિક માન્યતા પ્રમાણે લખચોરાસી જન્મોના ચક્કર બાદ માનવદેહ મળતો હોય છે. કવિ તો એની બેડીને પણ તોડીને આગળ વધવાની વાત કરે છે. સંજુ વાળા હૃદયના નિજ હોંકારે કલમ ચલાવતા કસબી છે. તેમની ભાષા અને બાની આગવી છે. ક્યારેક અલખની અહાલેક જગાવે છે, તો ક્યારેક પ્રણયનો પમરાટ. આસપાસની આછી જીવનરેખા પણ તેમની કવિતામાં કલરવે. તેમની કવિતા જાતને જગવીને દીવો પેટાવતી હોય છે.

સ્નેહરશ્મિએ પણ પોતાની કવિતામાં નૂતન કેડી રચવાની વાત કરી છે.

લોગઆઉટ

દિશ દિશ ચેતન રેડી

વન વન આંકો નૂતન કેડી!

ઊંચી નીચી હોય ધરા છો,

હોય કઢંગી ટેડી;

સરળ તહીં પદ-રેખા પડી

સાથ રહો સૌ ખેડી!

વન વન આંકો નૂતન કેડી!

પૂરવ ને પશ્ચિમને ભેદી,

ઉત્તર દક્ષિણ છેદી;

કાળ અને સ્થળના કાંટાળા

ફેંકો થોર ઉખેડી!

વન વન આંકો નૂતન કેડી!

ભૂત ભાવિના ગોફણ ગૂંથી,

રવિ-શશી ગોળા ફેંકી,

અગમ અલખનું નિશાન તાકી,

ચાલો જગ-તમ ફેડી!

વન વન આંકો નૂતન કેડી!

- ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'



Google NewsGoogle News