દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી .
- અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
- ઇચ્છા માણસના દુઃખનું મુખ્ય કારણ છે. આપણને કશુંક મેળવવાની, પામવાની કે કશુંક સિદ્ધ કરવાની ઇચ્છા થાય છે અને તેમ ન થાય ત્યારે દુઃખ જન્મે છે
લોગઇન
કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે.
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.
એક છત નીચે રહે બે માનવી,
જોજનોની તોય દૂરી હોય છે.
શક્ય છે, શ્રધ્ધા કદીયે ડગમગે,
સાથ દેવાને સબૂરી હોય છે.
આ ગઝલ, 'ચાતક' લખાયે શી રીતે?
લાગણીની જીહજૂરી હોય છે.
- દક્ષેશ કોન્ટ્રાકટર 'ચાતક'
ચિનુ મોદીનો એક અદભુત શેર છે-
કોઈ ઇચ્છાનું હવે વળગણ ન હો,
એ ય ઇચ્છા છે હવે એ પણ ન હો.
ક્યા બાત હૈ. કેટલો સહજ, સ્પષ્ટ અને ગહન શેર છે. ભગવાન બુદ્ધે પણ કહેલું કે તૃષ્ણા અર્થાત્ ઇચ્છા માણસના દુઃખનું મુખ્ય કારણ છે. આપણને કશુંક મેળવવાની, પામવાની કે કશુંક સિદ્ધ કરવાની ઇચ્છા થાય છે અને તેમ ન થાય ત્યારે દુઃખ જન્મે છે. આ દુઃખમાંથી મુક્ત થવા માટે ઇચ્છામુક્તિ જરૂરી છે. એટલા માટે જ કદાચ સંતો વિચારમુક્તિ, ઇચ્છામુક્તિ અને નિર્વિકાર સ્થિતિને ખૂબ પ્રાધાન્ય આપતા હોય છે. ધ્યાનમાં તો વિચારવિહિન થવું ખૂબ જરૂરી હોય છે. રાજેશ વ્યાસ મિસ્કીને પણ લખ્યું છેને, 'રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો' એક વસ્તુ જેમ વિચારને જોવાનું કૌવત આવડી જાય પછી આપોઆપ નિર્વિચારના જગતમાં પગલું માંડી શકાતું હોય છે. પણ ઇચ્છા જ નથી રાખવી, એ પણ એક ઇચ્છા છે, અને તેનાથી પણ મુક્ત થવું જરૂરી છે. એ વાત ચિનુ મોદીએ બહુ માર્મિક રીતે કરી છે. ઇચ્છાનો પાર નથી. પણ પ્રત્યેક ઇચ્છા ફલિત થાય જ એ જરૂરી નથી. અને એ અધૂરી રહે એમાં જ તો મજા છે. અધૂરા રહીને મધુરા રહીને જીવવામાં જે આનંદ છે, એ તો પૂર્ણતામાં પણ નથી. પૂર્ણતા એ તો મૃત્યુની નિશાની છે. એટલા માટે જ સંતોષી માણસ કહેતો હોય છે કે જીવનમાં બધું મેળવી લીધું, હવે મોત આવે તોય વાંધો નથી. પણ ખરેખર આવું કહેનાર માણસ પણ બધી રીતે પૂર્ણ તો નથી જ હોતો, પૂર્ણ છું એવું તો એનામાં રહેલો સંતોષ બોલતો હોય છે. એનો એક અર્થ એવો થાય છે કે તેણે જે મેળવ્યું છે તેનાથી તે સંતુષ્ટ છે. પૂર્ણતા પામી ગયા પછી તો નર્યો ખાલીપો રહેતો હોય છે. મંજિલને પામીને તો આનંદનો અંત આવી જતો હોય છે. ખરી મજા તો રસ્તાની જ હોય છે.
દક્ષેશ કોન્ટ્રાક્ટરે અધૂરી ઇચ્છાની મધુરી વાત કરી છે. તેમના શબ્દોમાં જિંદગીના ઊંડાણને સાદગીપૂર્વક સમજવાનું કૌવત છે. એ અધૂરપનો ભાર માથે લઈને રોદણાં રડવા કરતા તેનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે. એટલા માટે જ તે સરળ શબ્દોમાં આટલી સુંદર વાત કરી શક્યા છે. દિલીપ શ્રીમાળીનો એક સુંદર શેર છે-
અડધી અડધી ઓઢી છે બેઉ જણે,
અડધી અડધીમાં બહુ પલળાય છે.
કવિએ ક્યાંય છત્રીનો ઉલ્લેખ નથી કર્યો, છતાં આપણી આંખ સામે છત્રી લઈને ઊભેલું એક યુગલ છતું થાય છે, વરસતો વરસાદ દેખાય છે. બંને થોડા થોડા ભીંજાઈ પણ રહ્યા છે એ પણ દ્રશ્યમાન થાય છે. આ અડધા ભીંજાવામાં જ તો આખી મજા હોય છે. આખી છત્રી માથે આવી જાય તો આનંદ સૂકો રહી જાય, ભીંજાય નહીં. દક્ષેશ કોન્ટ્રાક્ટર અધૂરી ઇચ્છામાં કંઈક આ જ રીતે મધુરતા શોધે છે.
ઘણી બાબતોમાં આપણી પહોંચ ન હોય ત્યારે તેને શિયાળની વાર્તા જેમ દ્રાક્ષ ખાટી છે કહીને અવગણી નાખતા હોઈએ છીએ. એનો સ્વાદ નથી બરોબર એવું કહીને દોષ તેને આપીએ છીએ. આપણી મર્યાદા નથી જોતા. આપણો કૂદકો ટૂંકો છે એ નથી સ્વીકારતા. તાવ આવે એટલે આપોઆપ સ્વાદિષ્ટ વાનગી પણ ફિક્કી લાગવા માંડે છે. આપણને સંજોગોનો તાવ ચડયો હોય છે. આપણી ઊણપનું તાપમાન આપણા વિચારોને એટલે શેકી નાખે છે કે પોતાની કમી સ્વીકારવાને બદલે જે તે વસ્તુ કે વ્યક્તિની ખામી આપણે બધાને બતાવીએ છીએ. આમ હતું એટલે મેં આમ કર્યું, બાકી તો હું આમ કરત જ. ટૂંકમાં દ્રાક્ષ ખાટી છે! એ નથી જોતા કે આપણી જીભ તૂરી છે!
દક્ષેશ કોન્ટ્રાક્ટરની ગઝલનો પ્રત્યેક શેર સરળ, સહજ છતાં કેટલો માર્મિક છે! આવા જ કાફિયો સાથેની વિવેક ટેલરની ગઝલના બે શેર માણીએ.
લોગઆઉટ
છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે.
- વિવેક મનહર ટેલર