હું છું, ઘર છે, રાત છે, એથી વધારે કંઈ નથી
- અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
લોગઇન : હું છું, ઘર છે, રાત છે, એથી વધારે કંઈ નથી,
આહ છે, એકાંત છે, એથી વધારે કંઈ નથી,
જન્મ, જીવન, મૃત્યુની ઘટનામાં છે સરખાપણું,
યાતના નિતાંત છે, એથી વધારે કંઈ નથી.
સહેજ પીડા સાથે આવે ખારું પાણી માપસર,
આંખની આયાત છે, એથી વધારે કંઈ નથી!
સાવ નિર્જન પ્રાંત છે રાખું છું જ્યાં તારા સ્મરણ,
મનની યાતાયાત છે, એથી વધારે કંઈ નથી.
સૂર્ય ડૂબ્યાની ક્ષણે આ આપણું અળગા થવું,
ઘાત પર આઘાત છે, એથી વધારે કંઈ નથી.
સુફિયાણી વાત જેને માનતું ગઝલો જગત,
ઠેસ પર વૃતાંત છે, એથી વધારે કંઈ નથી. - દિક્ષિતા શાહ
ગુજરાતી ભાષામાં વર્તમાન સમયમાં ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, લક્ષ્મી ડોબરિયા, હર્ષવી પટેલ, એષા દાદાવાલા, રાધિકા પટેલ, માર્ગી દોશી, યામિની વ્યાસ, લિપિ ઓઝા, રક્ષા શુક્લ જેવી અનેક કવયિત્રીઓ ખૂબ સમજપૂર્વક ખેડાણ કરી રહી છે, તેમાં એક નામ દિક્ષિતા શાહનું પણ ખરું.
વ્યથાના વહાણમાં બેસીને ભવસાગર પાર કરવાનો હોય છે. ધરતી પર જન્મેલી એક પણ વ્યક્તિ એવી નથી જેણે કદી દુઃખ ન અનુભવ્યું હોય. પછી તે દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ હોય કે કંગાળ, રાજા હોય કે રંક. સુખ અને દુઃખનાં રંગોથી જ આયખાના આંગણામાં રંગોળી પૂરાય છે. તેમાંથી અમુક પ્રસંગો જીવનપોથીમાં એટલા ઘાટા અક્ષરે લખાઈ જાય છે કે સમયનું ડસ્ટર પણ તેને સાફ કરી શકતું નથી. જગત એ પ્રસંગો વાંચે કે ન વાંચે આપણો જીવ ડગલે ને પગલે છપાયેલા અક્ષરો પણ આંગળી ફેરવી લેતો હોય છે. એ પ્રસંગો કયા? કશુંક અંગત ગુમાવ્યાનો ગમ, જેના એક બોલ પર આખી જિંદગી ફના કરવાની તૈયારી હોય તેવા વિશ્વાસુ વ્યક્તિ દ્વારા થતો દગો, પ્રાણપ્રિય વ્યક્તિના પ્રાણ ચાલ્યા ગયાનું દુઃખ, વહાલથી ખોળો ખુંદનાર સંતાનને કાંધે ઊંચકીને સ્મશાન સુધી લઈ જવાની વ્યથા તો જેણે ભોગવી હોય તે જ કહી શકે.
ટ્રેનના પાટા જેવી જિંદગી છે, જેમાં એક પાટા પર સુખ છે અને બીજા પર દુઃખ. એક પાટા પર ક્યારેય ટ્રેન ચાલી નથી શકતી. સુખ અને દુઃખ બંનેને સાથે રાખીને જ સફર ખેડવાની છે. દિક્ષિતા શાહની ગઝલના પ્રત્યેક શેરમાં જીવનની વ્યથા ડોકાય છે. તેમાં આહ છે અને આઘાત પણ છે. વેદના અને વ્યથાનું વૃત્તાંત છે. જીવનમાં દુઃખ હોવું એટલે શું તેની વાત વિકી ત્રિવેદીએ બહુ અસરકારક રીતે કરી છે.
મારા જીવનમાં દુઃખ ઘણાં છે પણ દરેક દુઃખ,
સાગરમાં એક વહાણ છે બીજું કશું નથી.
પ્રિયજનના વિરહની વ્યથા વાણીથી વ્યક્ત થઈ શકતી નથી. એ માત્ર એકાંતપૂર્વક અનુભવાય છે. તેને વ્યક્ત કરવા પ્રયત્ન પણ કરીએ તો પ્રત્યેક શબ્દ વામણો લાગે છે. ઘણું કહ્યા પછી પણ જાણે કશુંં નક્કર કહી ન શકાયું હોય તેવું જ લાગે છે. ક્યારેક લાગે કે એ વ્યક્ત કરવા જતા જીવ નીકળી જશે, પણ વધારે દુઃખ એ કે જીવ પણ નીકળતો નથી. જે અવ્યક્ત છે એવાં સ્મરણને હૃદયની તિજોરીમાં તાળું મારીને સંઘરી રાખવાનાં હોય છે. જીવનનું ઝેર ચડે ત્યારે આ સ્મરણનું તાળું ખોલી તેને માણી લેવાનાં અને ફરી જીવવાનું જોમ પ્રાપ્ત કરવાનું. સાપ-નોળિયાની રમતમાં નોળિયાને જ્યારે સાપના ડંખનું ઝેર ચડે ત્યારે તે ત્યાંથી ભાગીને ઝડપથી નોળવેલ સુંઘી આવે છે, જેથી સાપનું ઝેર ઊતરે. ઝેર ઉતરતા ફરી પાછો આવીને તે લડાઈ કરે છે. જિંદગી અમુક અંશે સાપ-નોળિયાના યુદ્ધ જેવી છે. ડગલે ને પગલે કપરા પ્રસંગો ઝેરી સાપ જેમ ડંખ મારે છે. તેનું વિષ ગમતાં સ્મરણની નોળવેલ સુંઘીને ઉતારવાનું હોય છે.
આંખથી વહેલાં કે ન વહી શકેલાં આંસુ પીડાના દસ્તાવેજ સમાં હોય છે. એ દસ્તાવેજ શબ્દોમાં સંઘવો હોય તો કવિતા તેની માટેનું ઉત્તમ સાધન છે. કાવ્યમાં ભાવક પોતાની વ્યથા પણ વાંચી શકે છે. વાંચતી વખતે કવિ બાદ થઈ જાય છે, રહે છે માત્ર અનુભૂતિ. અર્થાત્ કવિતાના શબ્દોમાં માત્ર ફિલસૂફીનાં ફૂલો નથી પણ અનુભવનું અત્તર પણ છે. પરંતુ ઘણી વાર જગતને કવિતામાં કહેવાયેલી ગહન વાતો પણ સૂફિયાણી લાગતી હોય છે. તેવા લોકોને દીવો પ્રગટયા પછી થતું અજવાળું દેખાય છે. હંમેશ માટે ગુમાવી દીધેલી વ્યક્તિની છબી આગળ કરેલા દીવાથી થયેલું અજવાળું જગતને દેખાય છે, પણ પ્રાણપ્રિય વ્યક્તિને ગુમાવ્યાથી જીવનમાં કેટલું અંધારું થઈ ગયું છે તે તો ગુમાવનાર જ જાણે.
લોગઆઉટ
એક છબી આગળ દીવો કરવો પડયો છે જ્યારથી,
અર્થ અંધારાનો અલબત હું ય સમજી ત્યારથી.
દિક્ષિતા શાહ