Get The App

ઉન્નાવ, કઠુવા, કલકત્તા અને...

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
ઉન્નાવ, કઠુવા, કલકત્તા અને... 1 - image


- અંતરનેટની કવિતા - અનિલ ચાવડા

લોગઇન: મોડી રાત્રે ઘરનો દરવાજો

બંધ કરી રહી હતી

જોયું, તો બહાર ખુરશી એકલી પડી હતી

મેં એને ચુપચાપ અંદર લઈ લીધી

એવા ભયથી કે

આવી વેરાન રાતમાં

એ બિચારી સાથે

દરવાજો કંઈ કરી બેસે તો...

- પદ્મજા શર્મા

ઉન્નાવ અને કઠુવાની ઘટનાઓ વિશે જાણ્યા પછી હિન્દી ભાષાની કવયિત્રી પદ્મજા શર્માએ બહુ પ્રતિકાત્મક કવિતા લખેલી. ખુરશી અને દરવાજાના પ્રતીક દ્વારા તેમણે ઘણું કહી દીધું. રેખા રાજવંશી નામના હિન્દીના કવયિત્રી એક કવિતામાં લખે છે, માએ કહ્યું હતું, તું છોકરી છે, એકલી ક્યાંય બહાર નીકળતી નહીં, રાત્રે મોડા સુધી બહાર ના ફરવું, કોઈ અજાણ્યા સાથે હસી હસીને બહુ વાત કરવી નહીં, જમાનો બહુ ખરાબ છે. છોકરીએ બધી જ વાત માની. પણ જ્યારે તેની પર બળાત્કાર થયો ત્યારે ન તો એ બહાર હતી, ન રાત હતી, ન કોઈ અજાણ્યા સાથે હસીહસીને વાત કરી રહી હતી. મદન કશ્યપ નામના હિન્દી કવિએ 'સત્તર વર્ષનો માલ' નામની કવિતા લખી છે. કાંડ કરનારા માણસોને મન એક સત્તર વર્ષની યુવતી 'માલ'થી વધારે શુંં હોય છે? ચોક પર બેઠેલા લફંગાઓ છોકરીઓને પરસ્પર વહેંચતા હોય છે આ મારાવાળી છે, પેલી તારાવાળી. પછી એ મારાવાળી તારાવાળી આપણા સૌની બની જાય છે. કદાચ આવી ઘટનાઓમાં જ રોપાતા હોય છે બળાત્કારના બીજ. 

ઘણી હિન્દી હોરર ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે અમાસની રાત એ શયતાન માટે ખાસ હોય છે. રાતનું ગાઢ અંધારું ચારે તરફ છવાઈ જાય, ચંદ્ર વાદળો પાછળ ઢંકાઈ જાય, ડરામણાં પંખીઓ ચીચિયારીઓ કરવા માંડે, ચીબરીઓ બોલવા માંડે, શિયાળવાઓ લાળી કરી ઊઠે, વરુઓના અવાજોથી વાતાવરણ વધારે ભેંકાર, બિહામણું થવા લાગે, કાળરાત્રી પોતાના તમામ કામણ પાથરી દે તેવા સમયે શયતાન ધીમા પગલે આવે છે અને લોહી ચૂસીને પોતાની ભૂખ સંતોષે છે. આજકાલ આવા શયતાનો માટે નવરાત્રી એ અમાસની રાત્રી સમાન છે, નવરાત્રી આવા શયતાનોનો પ્રિય તહેવાર બની રહ્યો છે. હિન્દી ફિલ્મોનો લોહી ચૂસતો શયતાન અમાસની રાતની વાટ જુએ છે અને આ બળાત્કારી લોહીભૂખ્યો શયતાન નવરાત્રીની. 

આવા શયતાનો બાહ્ય દેખાવથી જરા પણ ઓળખાતા નથી. એ તમારી આસપાસમાં જ ક્યાંક કોઈ સમૂહમાં નૃત્ય કરતા હોય છે. જોકે એને સમૂહ નૃત્ય કહેવા કરતાં ગેંગનૃત્ય કહેવુ વધારે યોગ્ય રહેશે. એ માત્ર ગ્રહણની રાહ જોતા હોય છે. જેવો ચંદ્ર વાદળની પાછળ છુપાય, ગ્રહણની શરૂઆત થાય કે તરત તેમનામાં બેઠેલો શયતાન લોહી તરસ્યો થાય છે. તેમની આંખો નજર ટેકવીને બેઠી હોય છે કોઈ યુવતી પર. એવી યુવતી જે પોતાના માતાપિતાના સ્વપ્નનો શણગાર હોય છે. તેમના હરખ અને હેતની છબી હોય છે. તેમના જીવતરને અમૃત બનાવનાર લીલીછમ વેલ હોય છે. પણ શયતાનને એનાથી શું ફર્ક પડે? 

દિલ્હી, ઉન્નાવ, કઠુવા, કોલકત્તા, બરોડા, કેટકેટલી ઘટનાઓ... સત્તાધીશો પોતાની ખુરશીના પાયા મજબૂત કરવા માટે આશ્વાસનનાં અમૃતપિયાલા લઈને દોડી આવશે. ફરી એ જ ઢોલકીઓ વાગશે, એ જ મંજીરા ખખડશે તેમને ઉકેલ લાવવા કરતાં લોકોને આ બધું ભૂલવાડવામાં વધારે રસ છે. કશું થયું નથી, બધું બરોબર છે. અમારા રાજમાંં કોઈ દુઃખી નથી. વિરોધીઓને મુદ્દો મળી જાય છે. તેમને પણ થયેલા અન્યાયમાં રસ નથી, પણ તેમને તો બનેલી ઘટનામાં સત્તા સુધી પહોંચવાની તક દેખાય છે. પ્રજા તો બાપડી પગથિયાં સિવાય કશું છે જ ક્યાં. બસ તેમની પર પગ મૂકો અને આગળ વધો. દરેક પગથિયે વચનોના તેલ પૂર્યા વિનાના કોડિયાં મૂકતા જાવ, ઠેકતા જાવ. પ્રજા પણ થોડા દિવસ મીણબત્તી લઈને ફરશે, ઝંડા લઈને દોડશે. દિવસો જતા એ પણ થાકશે. પોતાના દૈનિક જીવનમાં પરત ફરશે. અને રાહ જોશે બીજા એક જઘન્ય કૃત્યની. ટેવાઈ ગઈ છે સરકાર, ટેવાઈ ગઈ છે પ્રજા, ટેવાઈ ગયા છે શયતાનો.

લોગઆઉટઃ

આજકાલ સૌથી વધારે ખતરો બે ચીજોથી છે

જીભ અને રીઢ (પીઠના મણકાને જોડી રાખતું હાડકું)

એટલા માટે જ

સૌથી પહેલા જીભ કાપી નાખવામાં આવે છે

સૌથી પહેલાં રીઢ તોડી નાખવામાં આવે છે

પછી તે કોઈ માણસની હોય કે

હાથરસની કોઈ છોકરીની

એટલા માટે જ આજકાલ

કોઈ જીભ નથી રાખતું

નથી રાખતું રીઢ.

- નવિન રાંગિયાલ 

(અનુવાદઃ અજ્ઞાાત)



Google NewsGoogle News