પડી રહ્યા છે પતંગો પવન નથી એથી .
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઇન:
મળી છે પાંખ પરંતુ ગગન નથી એથી,
ખરી રહ્યાં છે પીંછા ઊડ્ડયન નથી એથી.
તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શકતું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
પડી છે સંપદા ભીતરમાં પણ, ધરા ઉજ્જડ
નથી ખણકતા ખજાના ખનન નથી એથી.
ઉડાઉ હાથે વ્યથા કેમ ખર્ચી નાંખે છે ?
પસીનો પાડી કમાયેલું ધન નથી એથી ?
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.
- પંકજ વખારિયા
ઘણી વાર આવડતનો બરફ પરિસ્થિતિના પ્યાલામાં ઓગળી જતો હોય છે. તળના ગામડામાં ઘણા એવા ક્રિકેટરો હશે જે નેશનલ કે ઇન્ટરનેશનલ ક્ષેત્રે જોરદાર રમી શકે. ઘણા એવા કલાકારો પણ હશે યોગ્ય સંજોગોના અભાવે કે રોજીરોટીની ગૂંચમાં જ અટવાઈ ગયા, તેમની કલા જગતના કાન સુધી પહોંચી જ નહીં. આજે અનેક કલાકારો આપબળે આગળ આવ્યા જ છે, પણ જે નથી આવી શક્યા તેમની સંખ્યા પણ ઓછી નથી. તમને પાંખ તો મળી જાય, પણ ઊડવા માટે ગગન જ ના હોય તો તમે પીંજરામાં ક્યાં સુધી પાંખો ફફડાવશો? આવા સંજોગોમાં કલાનું કૌવત ઓસરી જાય છે. આમ ને આમ ઝાવાં મારવાથી તો પીંછાં ખરી જશે ને ઘાયલ થશો તે અલગ. પંકજ વખારિયાની આ ગઝલને અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકાય તેવી છે. તેમની કવિતામાં સમજપૂર્વકની ગંભીરતા હોય છે, તેમાં માત્ર વ્યથાના વલખાં નથી હોતાં, પણ આંતરિક સૂઝમાંથી નીતરેલું સત્ય હોય છે. અને એ સત્ય કવિનું પોતાનું હોય છે. આમ તો પ્રત્યેક કવિ કવિતા દ્વારા પોતાનો દ્રષ્ટિકોણ જ જગત સામે રજૂ કરતો હોય છે. તેમાં ક્યાંક હકીકતની ચમક હોય છે તો ક્યાંક કલ્પનાની. બસ એ ચમકારામાં જ ભાવકે પોતાની સમજણનું મોતી પરોવવાનું હોય છે.
અફઘાની-અમેરિકી લેખક ખાલીદ હુસૈનીની પ્રસિદ્ધ નવલકથા 'કાઇટ રનર' વાંચી હશે તેમને ખબર હશે કે અફઘાનીસ્તાનમાં થતી પતંગ ઉડાડવાની સ્પર્ધાથી ગૂંથાતી આ કથા સામાજિક, રાજકીય અનેક આંટીઘૂંટીઓમાં ગૂંથાઈને એક જુદા જ મુકામ પર પહોંચે છે - પતંગની જેમ જ. કદાચ એટલે જ તેમણે નવલકથાનું નામ 'કાઈટ રનર' રાખ્યું હશે. આપણી જિંદગી અને પતંગમાં ઝાઝો ફેર નથી. જીવનનો પતંગ આકાશમાં માંડ માંડ ઠુમકા મારીને ઊંચે ચડતો હોય ત્યાં તરત જ કાચ પાયેલી ધારદાર દોરી જેવા લોકો આપણને નીચે પાડવા આવી જાય છે. ખૂબ ઊંચે આકાશમાં જવું અને સ્થિર થઈને મુક્ત મને ઊડતા રહેવું બહુ ઓછા પતંગોના નસીબમાં હોય છે. કોક તો બાપડા આકાશને પણ પામતા નથી. ફુદરડાં ફરીને જરાક ઊડયા નથી કે પડયા નથી. અમુક કપાઈને ઝાડીઝાંખરામાં ફસાઈને લટકેલા રહે છે દિવસો સુધી. આપણે પણ સંજોગોના દોરાથી કપાઈને દુ:ખના ઝાડીઝાંખરામાં દિવસો સુધી પડયા જ રહીએ છીએને. જો કોઈ સમયસર બહાર ન કાઢે તો આપણે પણ ત્યાં પડયા પડયા અંતરથી તૂટી જતા હોઈએ છીએ.
તમે ગમે તેવા પતંગબાજ હોવ, તમારી પાસે ઉત્તમમાં ઉત્તમ દોરી હોય, હવામાં સડસડાટ ઊડી શકે તેવા પતંગો પણ હોય, પરંતુ પવન જ સાથ ન આપે તો શું કરો? દિવસો સુધી તૈયારીઓ કરીએ અને ઉત્તરાયણના દિવસે જ પવન પડી જાય તો ઉત્સાહ ધૂળભેગો થઈ જાય છે. મહિનાઓથી નવા બિઝનેસ માટે મહેનત કરતા હોઈએ અને જે દિવસે દુકાન ખુલે એ જ દિવસથી શહેરમાં હડતાલ ચાલુ થઈ જાય તો તમે શું કરો? રાતદાડો એક કરીને, કેરોસિનવાળા દીવાના અજવાળે ચોપડીઓ વાંચી વાંચીને આંખો ફોડી હોય અને પરીક્ષાના દિવસે જ પેપર ફૂટી જાય, ત્યારે મહેનતુ પ્રામાણિક વિદ્યાર્થી બાપડો શું કરે?
જિંદગીની આ પતંગબાજીમાં અમુક માપસરના પવન જેવા માણસો પણ હોય છે, જે હરહંમેશ આપણી સાથે રહે છે. આવા લોકો જીવનમાં હાજર છતાં તેમની હાજરી વરતાતી નથી. અદ્દલ પવનની જેમ જ. આવા માણસોને આપણી જીતથી ફુલાઈ નથી જતા, પણ આપણી હારથી દુ:ખી ચોક્કસ થઈ જાય છે. તે દરેક ક્ષણે પતંગને ઠુમકા મારતા હાથની જેમ આપણું બેલેન્સ બરાબર જળવાઈ રહે તેવા પ્રયત્નો કરતા રહે છે. તે ઇચ્છે છે કે આપણે આકાશમાં મુક્તમને ઊડીએ. તમારી આસપાસ પણ કોઈક આવું હશે જ, જરા ઝીણવટથી નજર કરશો તો એ દેખાશે પણ ખરા.
લોગઆઉટ:
ક્યારેક પતંગ હાથમાં જ હોય
ત્યારે દોરી ન હોય
ને દોરી હોય ત્યારે
પતંગ જ ન હોય
બસ, વહેતા પવનની આંખે
તાક્યા કરવાનું
પતંગોથી ભર્યું ભર્યું
સુરીલું આકાશ
કેવળ તાક્યા જ કરવાનું
મનમાં કદાચ
કોઈ મેઘધનુષી પતંગ
ચગે તો ચગે...
- યોગેશ જોશી