દેશની સંસદ મૌન છે... .
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઇન:
એક માણસ રોટલી બોલે છે.
એક માણસ રોટલી ખાય છે
એક ત્રીજો માણસ પણ છે,
જે ન રોટલી બોલે છે, ન ખાય છે
એ માત્ર રોટલીથી રમે છે.
હું પૂછું છું કે આ ત્રીજો માણસ કોણ છે
દેશની સંસદ મૌન છે...
- સુદામા પાંડે ધૂમિલ
ધૂમિલ હિન્દી કવિતાનો માઇલસ્ટોન છે. પીડા અને આક્રોશ તેમની કવિતાનો પ્રાણ છે. ધારદાર રજૂઆત દ્વારા તે ભલભલા ચમરબંધીઓને અરીસો બતાવી દે છે. ખોખલી આઝાદી, કહેવાતા રાજકારણીઓનો રંગ અને પ્રજાની પીડા તેમણે પોતાની કવિતાનો વિષય બનાવ્યો છે.
અહીં બાવાનુવાદ કરીને મૂકેલી રચનામાં પણ આક્રોશ અને પીડા છે.
કોઈ પણ સરકારને પ્રજાની દરકાર હોતી જ નથી, ચિંતા હોય છે તો માત્ર પોતાની ખુરશીની. મૂડીવાદના મણકા તે એ રીતે ફેરવે છે કે સત્તાના પાયામાં લૂણો લાગે છે. તેમના તમામ પ્રયત્નો માત્ર સત્તા બચાવવા માટેના હોય છે. લોકોની પીડા ઓછી કરવી, પ્રજાના પ્રશ્નો સમજવા, તેમને સહાય આપવી આ બધું તો માત્ર માથાનો મુગટ સાચવવાના તિકડમ હોય છે.
સરકારનું હાથીના દાંત જેવું હોય છે, બતાવવાના જુદા અને ચાવવાના જુદા. જ્યારે એ પ્રજામાં યોજનાનાં અમૃત વહેંચવાની વાત કરી રહ્યો હોય ત્યારે અમૃતમાં વપરાતી જડીબુટ્ટી ક્યાંથી આવી તે નહીં જણાવે. અને એ જડીબુટ્ટી ખરેખર પ્રજા પાસે કેટલા અંશે પહોંચી તે ચોપડામાં તો સ્પષ્ટ બતાવી દેશે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હશે. તમામ અમૃત એમના ઘરના હોજમાં ભરેલું જોવા મળશે. અમદ ગૌંડવીનો સુંદર શેર છે
તુમ્હારી ફાઈલો મેં ગાંવ કા મૌસમ ગુલાબી હૈ,
મગર યે આંકડે જૂઠે હૈ યે દાવા કિતાબી હૈ.
બધું જ બરોબર છે, ચિંતાની કોઈ જરૂર નથી. અમારા રાજમાં કોઈ ગરીબ નથી. હવે રામરાજ આવી ગયું છે. ગરીબની વ્યાખ્યા જ એવી બનાવી નાખો કે કોઈને ગરીબ ના કહી શકાય. ધારો કે સરકાર એવું જાહેર કરે કે જેની પાસે સો રૂપિયા હોય તે ગરીબ ના ગણાય. પછી સરકાર રિપોર્ટ બહાર પાડશે કે હવે અમારે ત્યાં કોઈ ગરીબ નથી. આજ તો કળા છે કહેવાતા સત્તાધીશોની. તમને સુંદર મોટા દાંત તો દેખાડી દેશે અને તમને પરબારા ચાવી નાખશે ને ખબર પણ નહીં પડે. સરકાર આંકડા છતાં કરીને અંગૂઠા બતાવી દેશે. પ્રજા તો પહેલેથી ઠેંગો જોવાથી ટેવાયેલી છે. તેમણે તો કોણ ઓછું લોહી ચૂસશે એની પસંદગી કરવાની છે, બાકી બલિ તો ચડવાની જ છે, કોના હાથે એ એ નક્કી કરો મત આપીને.
ખેડૂતો, મજૂરો, નાના કારીગરો અને રોજનું કમાઈને રોજ ખાનારાને જો કોઈ ભરોસો હોય તો માત્ર પોતાના નસીબનો. બીજે ક્યાંય આરોઓવારો ન રહે એટલે ભગવાન નસીબ અને શ્રદ્ધાની ટેકણલાકડીને સહારે ચાલવું પડે છે. આપણા દેશમાં ઘણી બધી અંધશ્રદ્ધાના કારણોમાં પણ પરોક્ષ રીતે રાજકારણ જવાબદાર છે. જેમને સમયસર ખાવાપીવા અને કામનું પૂરું વળતર મળી રહેતું હોય તે ભાગ્યે જ અંધશ્રદ્ધાના ચક્કરોમાં ફસાય છે.
જે રમકડાથી બાળકે રમવું જોઈએ એ જ રમકડાં બાળકો ચાર રસ્તા પર વેચતા જોવા મળે છે. આપણી એ જ કરૂણતા છે કે રોટલી બનાવનાર ભૂખ્યો રહે છે. જે સૌથી વધારે ધનવાન છે તે માત્ર એક સાંકળ બનાવે છે અને તે સાંકળથી બધા ધંધાઓને બાંધે છે. પછી તેમાંથી માળા બનાવે છે. અને બેઠો બેઠો એ માળાના મણકા ફેરવ્યા કરે છે. પોતાની તિજોરી ભર્યા કરે છે. જે ખરેખર અનાજ વાવે છે તે અનાજના વેપારીઓ જેટલો ધનવાન નથી. જે ખરેખર ખુરશી બનાવે છે તે ખુરશીઓના શોરૂમના માલિક જેટલો ધનવાન નથી. દરેક વસ્તુનું આવું છે. સરકાર ઇચ્છે તો બધું જ કરી શકતી હોય છે પણ તે ઇચ્છશે નહીં, તેને ડગલે ને પગલે ભય છે માથેથી મુગટ ખરી પડવાનો. પ્રજાના પ્રશ્નો નહીં, ખુરશીના પ્રશ્નો વધારે મોટા છે તેમને મન.
રોટલીથી રમનાર વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં દેશની સંસદ મૌન થઈ ગઈ છે. મૌન જ થઈ જાય ને, શું બોલે... ધુમિલે ખૂબ ધારદાર કટાક્ષ કર્યો છે. આવી જ એક ધારકાર કવિતાથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
गोली खाकर
एक के मुँह से निकला-
'राम'।
दूसरे के मुँह से निकला-
'माओ'।
लेकिन
तीसरे के मुँह से निकला-
'आलू'।
पोस्टमार्टम की रिपोर्ट है
कि पहले दो के पेट
भरे हुए थे।
~ सर्वेश्वर दयाल सक्सेना