સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
- વહેલી પરોઢે ઘાસ પર ઝાકળ ક્યાં સુધી ઝમેલું રહે છે? સુખનું અસ્તિત્વ પણ જીવનમાં એટલુંં જ હોય છે
લોગઇન
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી?
આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
- દિલીપ જોશી
યુગોથી માનવી સુખ પાછળ ભાગતો રહ્યો છે. સુખ પાછળની આંધળી દોટે જ તો માણસને ગુફામાંથી નીકળીને ઘર બાંધવાનો અને ખેતી કરવાનો વિચાર આપ્યો. વધારે સગવડો પામવાની ભૂખે જ તો પૈડું શોધ્યું, વાહનો શોધ્યાં, વિમાન ઉડાડયુંં... વળી એનાથી સંતોષ નહોતો તો મનોરંજનનાં સાધનો વિકસાવ્યા... નાટકો, કવિતાઓ, વાર્તાઓ જેવી કલાઓ રચી. એ કલાને વધારે પ્રાણવાન બનાવવા રેડિયો, ટીવી મોબાઇલ ઉમેરાયાં. આ બધુ જ માણસની સુખની ભૂખ સંતોષવા માટે જ ને! પણ સુખ છે શું? એક મૃગજળ? કે જે દૂરથી પાણી હોવાનો ભાસ કરે, પણ પાસે જઈએ તો કશું નહીં! કે પછી આકાશના દૂરના તારા? જેને જોઈ શકાય, પણ સ્પર્શી ન શકાય! કે પછી આપણી અંદર રહેલો એક છુપો ઇચ્છાનો રાક્ષસ, જેને આપણે ગમે તેટલું સુખ આપીએ છતાં તે ભૂખ્યો ને ભૂખ્યો રહે છે.
ઓશો રજનીશે એક વાર્તા કહેલી. એક જ્ઞાાની ષિ હતા. ધોધમાર વરસતા વરસાદમાં અડધી રાત્રે એક માણસ તેમની પાસે આવી ચડયો. અને પૂછયું, પ્રભુ મને જણાવો કે સુખ શું છે? અડધી રાત, વરસાદ, અને હાંફળોફાંફળો માણસ... ઋષિ કહે, ભાઈ બેસ, થાકી ગયો હોઈશ. આ જો કેટલો સરસ વરસાદ આવે છે. પેલો માણસ કહે હું ઉતાવળમાં છું.
આપણી એ જ તકલીફ છે, આપણે હંમેશાં ઉતાવળમાં હોઈએ છીએ અને ઉતાવળિયો ક્યારેય આનંદ નથી પામી શકતો. પેલા માણસે ફરી કહ્યું, ગુરુજી મને જલદી જણાવો સુખ એટલે શુંં? ઋષિએ એક ટોપલી તરફ આંગળી ચીંધીને કહ્યું, જો પેલી ટોપલીમાં બે ફળ છે, એક ખાઈશ તો તને આનંદનો અનુભવ થશે અને બીજું ફળ ખાઈશ તો આનંદનું જ્ઞાાન થશે. પણ એ ફળની ખાસિયત એ છે કે જો કોઈ પણ એક ફળ ખાઈશ તો બીજા ફળનો સ્વાદ નહીંં આવે. આપણા જીવનમાં પણ એ જ થાય છે. જો સુખનું જ્ઞાાન થાય તો અનુભવ નથી થતો અને અનુભવ થાય તો જ્ઞાાન નથી થતું.
કવિ દિલીપ જોશીએ સુખની સરળ અને સચોટ વ્યાખ્યા કરી આપી છે. વરસાદ પછી ઝાડના પાદડાં પર કેટલો સમય પાણી ટકી રહે છે? વહેલી પરોઢે ઘાસ પર ઝાકળ ક્યાં સુધી ઝમેલું રહે છે? સુખનું અસ્તિત્વ પણ જીવનમાં એટલુંં જ હોય છે. એક રીતે સુખના છુપા તાર તમારા સુસુપ્ત સમજણ સાથે જોડી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી તમે માનશો નહીં ત્યાં સુધી સુખી થશો નહીં. અર્થાત્ સુખ આંતરિક અનુભવમાં રહેલુંં છે, બાહ્ય વસ્તુમાં નહીંં. અંધકાર એ આશ્વત છે, પ્રકાશ નહીં. પ્રકાશિત થવા માટે કશુંક ને કશુંક પ્રગટતું હોવું જોઈએ. આપણે દિવસે અજવાળું મળે છે, કારણે કે નભમાં સૂર્ય સતત તપી રહ્યો છે. રાત્રે આપણને અજવાળું મળે છે, કારણ કે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. લાઇટની સ્વીચ પડે છે ત્યારે કશેક વીજળી બળતી હોય છે. જ્યારે અંધકાર માટે એવું નથી. લાઇટ જશે એટલે આપોઆપ અંધકાર થઈ જશે, અર્થાત્ સુખના અજવાસ માટે સતત કોઈ ઊર્જા પ્રગટેલી રહેવી જોઈએ. અને એ ઊર્જા બહાર ક્યાંય નથી. બહાર સુખનું સરનામું ક્યાં છે એની તો કોઈને ખબર નથી.
લોગઆઉટ:
સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
સુખનું સરનામું આપો.
- શ્યામલ મુનશી