Get The App

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું? .

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું?                                   . 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઈન:

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ?

મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ?

દુ:ખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું ?

સુકાયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ?

વિચાર્યું નહિ લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ?

જગતમાં કોઈ નવજાણે જનેતાના જણ્યાથી શું ?

સમય પર લાભ આપ્યો નહિ પછી તે ચાકરીથી શું ?

મળ્યું નહિ દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ?

ના ખાધું કે ન ખવડાવ્યું દુ:ખી થઈને રળ્યાથી શું ?

કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યાથી શું ?

- પીંગળશી નરેલા

ગુજરાતી ભાષામાં ગઝલનો પાયો નાખવામાં મહત્વનો ફાળો આપનાર કવિ બાલાશંકર કંથારિયા અને કલાપીનું પ્રદાન આજે પણ આપણે ગૌરવભેર યાદ કરીએ છીએ. બંનેએ અનેક ઉત્તમ યાદગાર કાવ્યો આપ્યા. બાલાશંકરને આપણે- ''ગુજરે જે શિરે તારે જગનો નાથ તે સ્હેજે, ગણ્યું પ્યારું જે પ્યારાએ અતિપ્યારું ગણી લેજે''-થી ઓળખીએ છીએ. જ્યારે કલાપીનું નામ લેતાની સાથે, ''જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની'' પંક્તિ હોઠ પર આવી જાય. બાલાશંકરનો જીવનકાળ મે, ૧૮૫૮થી એપ્રિલ, ૧૮૯૮ અને કલાપીનો જાન્યુઆરી ૧૮૭૪થી જૂન ૧૯૦૦. બંનેનું દૈહિક આયુષ્ય ઘણું ટૂંકું, પણ કવિતાનું આયુષ્ય અજરામર છે. ગુજરાતી ભાષા જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમની નોંધ લીધા વિના ચાલવાનું નથી.

આ જ ગાળામાં ભાવનગરમાં પીંગળશી પાતાભાઈ નરેલા નામે કવિ થઈ ગયા. તેમનો સમયગાળો ઈ.સ. ૧૮૫૬થી ૧૯૩૯. તેમના પિતાશ્રી પાતાભાઈ પણ ભાવનગરના રાજકવિ. કાવ્યત્વ તેમને વારસામાં સાંપડેલું. તેમની કલમ મુખ્યત્વે ભક્તિકાવ્યો અને ભજનમાં રમમાણ રહી. તેમની કલમ બળુકી. લોકોના મનોભાવો અને સંસારમાં ચાલતી તડજોડને ખરી રીતે પારખીને લખનાર કવિ. આત્માના અજવાળે કલમને કાગળના ધામમાં વિહાર કરાવતા કવિ. તેમની કવિતામાં ભક્તિ, ભજન અને અગમના ભેદનો ઊંડો પરચો છે.

લોકસાહિત્યના મરમી વસંત ગઢવીએ તેમના વિશેની સુંદર માહિતી આલેખી આપી છે. ગુજરાતી ભાષામાં સંતસાહિત્યનું સરવૈયું કરવામાં નાથાલાલ ગોહિલ, નિરંજન રાજ્યગુરૂનો જેટલો ફાળો છે, એટલું જ ઊંડું કામ વસંત ગઢવીનું પણ ખરું. મુઠ્ઠી ઊંચેરા કવિ પીંગળશી નરેલાના અવસાન વખતે તેમના પુત્ર હરજીવન નરેલાને આશ્વાસન માટે ન્હાનાલાલે પત્ર લખલો, તેમાં લખ્યું હતું. પિંગળશીભાઈના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડયો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ''સુપ્રસિદ્ધ નાટયકાર કવિ ચંદ્રવદન મહેતાએ તેમના વિશે લખ્યું છે, ''ભક્તિનો જે દોર નરસિંહ, ભોજા ભગત, ધીરા ભગત તથા દયારામની રચનાઓમાં વણાયેલો હતો. એ જ દોરામાં પરોવાયેલા હોય તેવા કાવ્યો પિંગળશીભાઈના છે. તેઓ પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા હતા.''

લોગઈનમાં આપેલું કાવ્ય વાંચતાની સાથે સહજપણે ગઝલનું બંધારણ મનમાં ઊભરાઈ આવે. સમગ્ર કાવ્ય ગઝલની લગોલગ ઊભું છે. એવું પણ લાગે જાણે આ તો મત્લાગઝલ છે. કવિ પીંગળશી નરેલાએ જીવનના અમુક કડવા સત્યોને સહજતાથી ઉજાગર કર્યા છે. તેને રસદર્શન કરીને રોળી નાખવાનું દુ:સ્સાહસ કરવા જેવું નથી. ઘણી વાર કવિતા સમજાવવાથી નાશ પામતી હોય છે. પૂર્ણપણે ખૂલેલા પુષ્પની પાંખડીઓ પહોળી કરી કરીને તેને ચીમળાવી નાખવા કરતા, છોડ પર રહેવા દઈ, તેની ખરી સુગંધ માણવામાં લિજ્જત હોય છે.

કવિ પીંગળશી નરેલાએ ગુજરાતી ભાષાને અનેક ઉત્તમ કાવ્યો આપ્યાં છે. તેમની કવિતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા ખ્યાલ આવે કે શબ્દ તેમને સહજસાદ્ય છે. આંતરમનની વાતને વહેતી મુકવા માટે તેમણે શબ્દો શોધવા જવું પડતું નથી. તે આપોઆપ કવિની કલમ પર આવીને બેસી જાય છે. લોગઆઉટમાં આપવામાં આવેલા ઋતુકાવ્યની છટા જોશો એટલે આપોઆપ આ કવિની કારીગરી અને કલા સમજાઈ જશે.

લોગઆઉટ

શ્રાવન જલ બરસે, સુંદર સરસે,

બાદલ બરસે અંબરસે

તરૂવર ગિરિવરસેં લતા લહરસે

નદિયા પરસે સાગરસે

દંપતી દુ:ખ દરસે સેજ સમરસે

લગત જહરસે દુ:ખકારી

કહે રાધે પ્યારી, હું બલિહારી

ગોકુળ આવો ગિરધારી !

- પીંગળશી નરેલા


Google NewsGoogle News