Get The App

શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવોને .

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવોને                                . 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઇન :

શેરી વળાવી સજ્જ કરું, 

ઘરે આવોને 

આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવોને.

ઉતારા દેશું, ઓરડા ઘરે આવોને;

દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવોને... 

દાતણ દેશું દાડમી ઘરે આવો ને

દેશું કણેરી કાંબ, મારે ઘરે આવોને...

નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,

દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવોને...

ભોજન દેશું લાપશી ઘરે આવોને!

દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવોને...

રમત-દેશું સોગઠી ઘરે આવોને,

દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવોને...

પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,

દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવોને...

મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,

અમને તેડી રમાડયા રાસ, મારે ઘેર આવોને...

- નરસિંહ મહેતા

ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતાનું આ પદ કયો ગુજરાતી નહીં જાણતો હોય? જેમનાથી ગુજરાતી ભાષાએ પોતાનું ખરું પોત ધારણ કર્યું એવા પનોતા કવિએ પ્રેમ વરસાવ્યો કૃષ્ણ પર, પણ તેનો મોટો લાભ થયો ભાષાને. તળાજામાં અવતરણ કરીને જૂનાગઢને ભક્તિનું જોમ આપનાર આ કવિએ આયખાની અટારીએ બેસીને જીવનભર હરિગીતો ગાયા કર્યાંં. કૃષ્ણની લીલાને માણવામાં રમમાણ રહ્યાં. ભક્તિની ભોંય પર લીલા છોડની જેમ પાંગરીને અનેક લોકોને છાંયડો આપતા રહ્યા. આજે પણ વારે-તહેવારે, પ્રસંગે-અવસરે, કથા-પાટમાં તેમનાં ગીતો ગૂંજ્યા કરે છે. 

સોરઠની ભૂમિ સંતસાધુઓની ધરા છે, એમાં ય જૂનાગઢ ખાસ. સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ટેકરીઓ છે, દેરી છે, ટીંબા છે, દરેક જગાએ કોઈ ને કોઈ ઇતિહાસ ધરબાયેલો છે, જેમાં ક્યાંક સાધુત્વ છે તો ક્યાંક વીરતા. નરસિંહ જેવા ભક્તકવિનાં પ્રભાતિયાં અને પદો માત્ર ગુજરાતી જ નહીં, ભારતીય સાહિત્યનું ઘરેણું છે. તેમણે ભાષા અને પ્રદેશ બંને રીતે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, વિશ્વભરમાં. કેટકેટલાં અમર ગીતો-પ્રભાતિયા સાંભરી આવે નરસિંહનું નામ લેતાં, 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' તો ગાંધીનું પ્રિય... 'જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે' કે 'જળકમળ છાંડી જાને બાળા..' કે પછી 'આજની ઘડી રળિયામણી રે..' કે પછી 'હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે...' કે  'પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે' જે ેપ્રેમરસનો સ્વાદ ચાખી જાય તેને આ તત્ત્વો અને પંડિતાઈ ફિક્કી લાગે છે. ' એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના ઘરોમાં 'જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા' પ્રભાતિયાથી સૂરજ ઊગતો. આજે પણ ગુજરાતી ભાષાની ભોમકા પર તો નરસિંહ મહેતાનો સૂર્ય જ સર્વોચ્ચ સ્થાને ઝળહળે છે.

આજે તેમના આ પદને યાદ કરવાનું ખાસ કારણ રથયાત્રા. પ્રભુ જન્નાથના દર્શને આપણે મંદિરમાં જઈએ છીએ, તેમની પૂજાઅર્ચના કરીએ છીએ. પણ આજનો દિવસ ખાસ એટલા માટે છે કે પ્રભુ સામેથી દર્શન આપવા આવે છે. રથમાં બેસીને તેઓ નગરયાત્રા કરે છે. અલબત્ત તેમાં તેમની મૂર્તિ હોય છે, પણ મૂર્તિ જ તો પ્રભુનું પ્રતીક છે. કોઈ પણ મંદિર, દેવળ કે ગિરિજાઘરમાં સ્થાપવામાં આવેલી મૂર્તિઓ એ ભગવાન હોતી જ નથી, એમાં આપણે આરોપેલી શ્રદ્ધા જ તેમને ઈશ્વરનું સ્થાન અપાવે છે. અનેક કવિઓએ, ભક્તોએ દર્શનની વિનવણી કરતાં ગીતો, પદો, પ્રભાતિયાં, ભજનો લખ્યાં છે. નરસિંહ મહેતાનું આ પદ પણ તે જ હરોળમાં ગૌરવપૂર્વક બેસે છે. પ્રભુ હું મારી શેરી ગલી સ્વચ્છ સુંદર અને તૈયાર રાખુું છું, તમારા માટે, આંગણે ફૂલ પથરાવું છું, મારી મેડીમાં તમારા ઉતારા માટેની બધી જ વ્યવસ્થા કરી રાખી છે. તમે પધારો. પછી તો દરેક પંક્તિમાં તેમના આગતાસ્વાગતા માટે કવિની શી તૈયારી છે તેનું લિસ્ટ લંબાવ્યું છે. પણ અહી વસ્તુ કરતા ભાવનું મહત્ત્વ વિશેષ છે. એ ભાવને ભાવનામાં ઓગાળવાનો આ અવસર છે. અનેક ભક્તો પ્રભુ પોતાના આંગણે પધારે તેવી રાહ જોઈને બેઠા હોય છે. 

કાકા કાલેલકરે લખેલું, પગથી ચાલે તે પ્રવાસ, હૃદયથી ચાલે તે યાત્રા. એટલે જ આપણે રથની આ મુસાફરીને સફર નથી કહેતા પણ યાત્રા કહીએ છીએ. મુસાફરી અને યાત્રાનો આ જ ફર્ક છે. તેમાં ભાવનાઓનો પ્રસાદ છે. ચરણ તો ચાલે છે, પણ તેથી વિશેષ ચાલે છે હૃદય, તેમાં ઊભરાતી લાગણી, ભક્તિ અને પ્રેમ. ખરો ભક્ત જગત અને જાતને ભૂલી પ્રભુના પંથ પર આગળ વધે છે અને અંતે તેમાં જ લીન થઈ જાય છે. તેને હાથ બળી જાય કે જાત બળી જાય તેની પણ પરવા નથી હોતી, એ તો ગગનના ગોખમાં બેઠેલા કોઈ અગમ તત્ત્વના તેજને પામી ગયો હોય છે.

લોગઆઉટ

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?

'તે જ હું', 'તે જ હું' શબ્દ બોલે;

શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,

અહીંયા કો નથી કૃષ્ણ તોલે!

- નરસિંહ મહેતા


Google NewsGoogle News