આંગળીના નખથી ખોદી કાઢું કૂવો .
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઈન
તમે કે'તા હો તો
એક રાતમાં કાછોટો વાળી
નખથી ખોદી કાઢું કૂવો.
તમે કે'તા હો તો પરોઢમાં તારોડિયું ઊગે તે પહેલાં
લેણમાં સૌ પહેલું મૂકી આવું મારું માટલું.
તમે કે'તા હો તો એકલી પંડે કોશ હાંકીને
આખા ગામને પાઉ પાણી,
પણ-
આ લેણથી છેટા બેસી
સૌથી છેલ્લા
કો'ક ઊંચેથી ચાંગળું પાણી રેડે માટલામાં
એ સહાતું નથી,
કો'તો આખો ઉનાળો તરસે મરું
પણ તરસની આ ભીખ માગતાં
એમ થાય કે ધરતી ચ્યમ માર્ગ આપતી નથી
સીતાજીની જેમ?
- પ્રવીણ ગઢવી
દ લિતો-પીડિતોની અનેક વણકહી વ્યથાઓને વાચા આપનાર ગુજરાતી ભાષાના મુઠ્ઠી ઊંચેરા સર્જક જોસેફ મેકવાને એક વખત કહેલું કે સમાજજીવનમાં દલિત તરીકે જીવવું ખૂબ વરવું છે, અને એથી ય વરવું છે દલિત સ્ત્રી તરીકે જીવવું. આ બેવડી વેદના સહનશીલતાથી પર હોય છે. ડગલે ને પગલે જાત અને જગત સામે લડયા કરવું પડે છે. આ વ્યથાની વાત આજકાલની નથી, મેઘાણીએ કહ્યું છેને, 'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ... ' તેમ આ પીડાનો પથારો સદીઓમાં પથરાયેલો છે. આજે એકવીસમી સદીની આધુનિકતા વચ્ચે પણ અનેક લોકો વામણી માનસિકતાને મોભા તરીકે જુએ છે. પોતાની ઉચ્ચ જ્ઞાતિના દરજ્જાનું ગાન કરતા લોકો આજે પણ મળી આવે છે. એક દલિત મૂછ રાખે કે વરઘોડો કાઢે એ પણ સહાતું નથી. જે લોકો કાયમ તેમની સામે નીચી નજરે ચાલ્યા હોય, ઢોર માફક મજૂરી ઢસડી હોય તે ઈનશર્ટ કરીને બજારમાં નીકળે તો પણ અમુક લોકોની આંખમાં કણીઓ ભોંકાતી હોય છે. અને એ પણ ક્યારે? જ્યારે આપણે ચંદ્ર પર યાન મોકલવામાં વ્યસ્ત છીએ, મંગળ પર વસવાટની યોજનાઓ ઘડી રહ્યા છીએ ત્યારે! પૃથ્વી પર પૂરેપૂરી મંગળતા ત્યારે જ આવશે જ્યારે આ જાતિવાદ જડમૂળથી નીકળે. ઐક્યની ભાવના પ્રસરે. જ્ઞાતિ, પૈસા, પ્રસિદ્ધિને આધારે થતા મૂલ્યાંકનોને ફગાવી સર્વમાનવસમાનની ભાવના વિકસે. કાયદો તો બધાને સમાન જ ગણે છે, પણ તેને પાળનારા પણ ગણવા જોઈએને. પુસ્તકોમાં તો એકતાનાં મૂલ્યો રંગેચંગે દર્શાવાય છે, પણ એ જીવનમાં પણ ફલિત થવા જોઈએને. આ ઐક્યની ભાવના માત્ર કાગળ પર ફૂટી નીકળેલી કૂંપળ ન બની રહેતા, વાસ્તવિક જીવનમાં અમલમાં મૂકાવી જોઈએ.
પ્રવીણ ગઢવીએ 'અછૂત સીતા' નામની કવિતામાં એક દલિત નારીની હૃદયદ્રાવક વેદના વ્યક્ત કરી છે. તેમની કાવ્યનાયિકા કહે છે, આંગળીના નાનકડા નખથી એક મસમોટો કૂવો ખોદવા જેવું કપરું અને અશક્ય કામ પણ કરવાનું થાય તો હરખભેર કરવા તૈયાર છું. પણ એ કૂવામાંથી નીકળતું પાણી લેવા માટે મારે આમ અલગ લાઇનમાં ઊભા રહેવું પડે. એ સહન નહીં થાય. જેમ વર્ષો પહેલાં સ્કૂલમાં એકલવ્યને અલગ બેસાડવામાં આવ્યો હતો, જેમ બાબાસાહેબ આંબેડકરને અલગ બેસાડવામાં આવ્યા હતા. આ અભાવગ્રસ્ત તરસ આજકાલની નથી. કાવ્યનાયિકા કહે છે કે હું કોશ હાંકીને આખા ગામને પાણી પીવડાવવાનો પરિશ્રમ કરવા પણ તૈયાર છું. પણ કોક મને અછૂત ગણીને આમ ઊંચેથી પાણી મારા માટલામાં રેડે તો એ અસહ્ય છે. એની કરતા તો કાળઝાળ ઉનાળામાં તરસે મરી જવું સારું. કરૂણતા એ કે આવી અભાવગ્રસ્ત સીતાઓને ધરતી પણ મારગ નથી આપતી હોતી.
જાતિ જન્મની સાથે જળોની જેમ ચીપકી જાય છે. જાતિ જાતી નથી. અટક બદલાવો કે નામ, ગામ બદલાવો કે પ્રદેશ, લોકો તમારો ઇતિહાસ ખોદી કાઢે છે. જેને આ બધી વાતોથી ફર્ક નથી પડતો એમની વાત નથી, પણ જેમને ફર્ક પડે છે એ તો ફલાંગો ભરીભરીને બધે કહેવા જશે. કહેવાય છે કે આત્મા અમર છે, શસ્ત્ર તેને છેદી શકતું નથી. અગ્નિ બાળી શકતો નથી, પાણી ડુબાડી શકતું નથી. વાયુ સુકવી સકતો નથી. ક્યારેક લાગે છે કે આ બધું જાતિને પણ એટલું જ લાગુ પડે છે.
લોગઆઉટઃ
'શસ્ત્ર છેદી શકતું નથી
અગ્નિ બાળી શકતો નથી
પાણી ડુબાડી શકતું નથી અને
વાયુ તેને સૂકવી શકતો નથી'
પરંતુ હે પ્રભુ ! કરજો માફ !
મારી પીડા-વ્યથા જુદી છે !
વાત આપની આત્મા કરતાં તો મને
જાતિભેદ માટે લાગે છે વધુ સાચી
નખશિખ આખુંયે શબ
વરાળ થઈને ભળી જાય છે
પંચમહાભૂતમાં,
પણ મૃતદેહ સાથે કદી અહીં
અસ્પૃશ્યતા બળીને રાખ થતી નથી,
એ તો સજીવન થઈને જન્મતી રહે છે
ફરી ફરીને એ જ અતિઘાતક વિરુપે
ભડભડતી ચિતામાંથીય બહાર !
- થોભણ પરમાર