મંદિર, મન અને માન્યતા .
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઇન
સહુ કહે છે : 'મંદિરે ઈશ્વર નથી',
હું કહું છું : 'ત્યાં ફકત પથ્થર નથી'.
સહુ કહે છે : 'ઝાંઝવાં છે રણ મહીં',
હું કહું છું : 'ત્યાં નર્યાં મૃગજળ નથી'.
સહુ કહે છે : 'પાનખર છે ઉપવને',
હું કહું છું : 'ત્યાં ધરા ઊષર નથી.'
સહુ કહે છે : 'શૂન્ય છે આકાશ આ',
હું કહું છું : 'સૂર્ય આ જર્જર નથી.'
સહુ કહે છે : 'ક્ષણ સમી છે જિંદગી',
હું કહું છું : 'પ્રાણ મુજ નશ્વર નથી.'
- શિલ્પિન થાનકી
ઓશોએ પોતાના વ્યાખ્યાનમાં એક સુંદર વાર્તા કહેલી.
એક મંદિર બની રહ્યું હતું, અનેક મજૂરો કામ કરી રહ્યાં હતાં. ત્યાંથી પસાર થનાર એક મુસાફરે ત્યાં કામ કરતા મજૂર પાસે જઈને પૂછયું, 'મિત્ર, આપ શું કરી રહ્યો છો?' પેલા મજૂરે ગુસ્સામાં કહ્યું, 'જોતો નથી? આંધળો છે? પથ્થરો તોડી રહ્યો છું', અને એ પથ્થરો તોડવા લાગ્યો. મુસાફર બીજા મજૂર તરફ પાસે ગયો અને એ જ પ્રશ્ન પૂછયો. એ મજૂરે ઉદાસીનતાથી જવાબ આપ્યો, 'જુઓને ભાઈ, રોજીરોટી માટે મજૂરી કૂટી રહ્યો છું.' એ પણ પથ્થરો તોડવા લાગ્યો. મુસાફર આગળ વધ્યો. એક મજૂર આનંદથી ગીતો ગાતો ગાતો પથ્થરો તોડી રહ્યો હતો. મુસાફરે તેને પણ પૂછયું, એ રાજીનો રેડ થઈને બોલી ઊઠયો, 'ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું,' અને એ ફરી વખત ગીતો ગાતો ગાતો પથ્થરો તોડવા લાગ્યો.
આ આખી વાર્તાનો સાર શિલ્પીન થાનકીએ પોતાની ગઝલમાં સુપેરે દર્શાવી આપ્યો છે. માણસ આખી જિંદગી સુખની શોધમાં ફરતો રહે છે. હકીકતમાં સુખ પોતે એક સમસ્યા છે. સુખ માત્ર જે તે વ્યક્તિની માન્યતામાં રહેલું છે. ઉપરની વાર્તા જ લઈ લોને. એક માણસ એ કામથી કંટાળી ગયો છે, બીજો માત્ર રોજીરોટી રળવા કામ કરે છે, જ્યારે ત્રીજાને ઈશ્વરમાં ભરપૂર શ્રદ્ધા છે એટલે. એને લાગે છે કે તે ખૂબ મોટું કામ કરી રહ્યો છે. એ જ એનું સુખ. આ કામથી એના મનમાં રચાયેલી સુખની વ્યાખ્યાને ટેકો મળે છે. એના મનમાં સુખ વિશે જે ફિલોસોફી કે વિચારગ્રંથિ બંધાઈ છે, તે તેને આ કામમાંથી સુખી થવાની મંજૂરી આપે છે, જ્યારે બીજા બે મજૂરને સુખી થવાનું સુખ નથી મળતું, એમણે મનથી બીજે ક્યાંક સુખી ધાર્યું હશે.
ધારો કે શાહરૂખ ખાનને કોઈ લો બજેટની ગુજરાતી ફિલ્મમાં એકાદ મિનિટનો રોલ આપો, એ પણ વેઇટર તરીકે, તો શું એ રાજી થશે? સામે એ જ રોલ જેને એક પણ તક નથી મળતી એવા કોઈ નવલોહિયા ગામડિયા યુવાનને આપો કે જેની તીવ્ર ઝંખના છે ફિલ્મી પરદે ચમકવાની. એ તો મોજમાં આવીને કૂદવા માંડશે. પ્રક્રિયા તો એક જ છે, છતાં એકને તિરસ્કાર જેવું લાગે અને બીજાને લોટરી લાગ્યા જેવું. આવું કેમ? બંનેની માન્યતા, બંનેની જરૂરિયાત, બંનેનું સ્થાન બહુ અગત્યનાં છે. શાહરૂખ હવે એ લેવલે છે કે તેને આ રોલ કરવો અપમાન જેવો લાગે, જ્યારે પેલો એવી સ્થિતિમાં છે કે આ રોલ તેના માટે મોટી તક બની જાય. બસ આ સ્થિતિ એ જ સુખ.
જીવનને આપણે જેવું જોઇએ છીએ, જેવી વિચારસરણી બાંધીએ છીએ, એવી જ આપણાં જીવનની અનુભૂતિ બની જાય છે. એ જ પ્રમાણે આપણા સુખ-દુ:ખ, ક્રોધ-શોધ વિશેના મનોભાવો રચાય છે. આપણે એ પ્રકારે જોવા લાગીએ જે પ્રકારે આપણું મનનું જગત રચાયેલું હોય. શિલ્પીન થાનકી માનવમનનો આ ભેદ બહુ સારી રીતે જાણે છે. માન્યતાના મંદિરમાં તમે જે પથરો મૂકશો એ દેવ બની જશે. સંભવ છે કે એ જ પથ્થર વર્ષો પહેલાંં ભેંકાર જગ્યાએ પડયો હોય, કોઈ શિલ્પીનો હાથ એને અડયો અને મૂર્તિનું રૂપ પામ્યો, મંદિરમાં ગયો તો ઈશ્વર બની ગયો.
ધાર્મિક માણસ મંદિરની મૂર્તિમાં ઈશ્વર જુએ છે, કોઈ શિલ્પી એની કોતરણી અને કલા જુએ છે, અધાર્મિક તેને માત્ર મૂર્તિ તરીકે જુએ છે અને નાસ્તિક તેને પથ્થર ગણે છે. વસ્તુ એક જ છતાં તેને જોવાનો દ્રષ્ટિકોણ અલગ, કેમ કે સૌની અનુભૂતિ અને માન્યતા અલગ છે. આ જ વાત તો શિલ્પીન થાનકી જણાવે છે.
ઘાયલસાહેબનો તો અંદાઝે બયાં જ ઓર છે. તેમાં શાયરાના ખુમારી છે, વિચારીને જીવવું અને જીવીને વિચારવું એ ભેદ બહુ માર્મિક છે. તેમના મુક્તકથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
- અમૃત 'ઘાયલ'