Get The App

હું અંધારાના પ્રેમમાં છું .

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
હું અંધારાના પ્રેમમાં છું                                    . 1 - image


- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

લોગઇન :

હું અંધારાના પ્રેમમાં છું

આ વાતની જ્યારે મને જાણ થઈ ત્યારે

ઘણું મોડું થઈ ગયું હતું

પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ કહી શકાય

મારી બાએ રૂની વાટથી પાડેલી

મેશનું મને પ્રથમ આંજણ કર્યું

ત્યારે એની શરૂઆત થઈ

કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે

મારો અંધારા સાથેનો પ્રેમ આગળ વધ્યો

બાળપણમાં પાછળથી આવી

મારા મિત્રે મારી આંખ દાબી હતી

અને થોડાં વર્ષો પછી મારી પ્રેમિકાએ

એનું પુનરાવર્તન કર્યું ત્યારે

બેમાંથી કયું અંધારું વધારે ગાઢ હતું

એ હું આજે પણ નક્કી કરી શકતો નથી

અને એ પણ નક્કી કરી શકતો નથી

કે એ હાથ અંધારાના હતા કે પ્રેમના...

- રમેશ આચાર્ય

ગુજરાતી કવિતામાં અંધકારના રંગ જુદી જુદી કલ્પનાથી મઢાયા છે. કવિ રાજેન્દ્ર શુક્લએ લખેલું, 'ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો...' કવિ મણિલાલ દેસાઈને અંધારાના કવિ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે લખેલું, 'અંધારું પીળું આકાશ નહીં બાલમા, અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ, અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા, અંધારુ સુવાળી શમણાંની શૂલ...' કવિ પ્રહલાદ પારેખને અંધાર ખૂશ્બોભર્યો લાગે છે, 'આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી' પુરુરાજ જોશી લખે છે, 'અજવાળું ઘોંઘાટ કરે છે, અંધારું તો પવનલહરના સ્પર્શે મંદ, મધુર સુરાવલિ છેડતું વાયોલિન!' મનહર મોદીએ અંધારાને ઝળહળતું કહ્યું છે, 'ઝળહળ ઝળહળ અંધારું છે, હું એનો ને એ મારું છે.' કવિ મધુસૂદન પટેલ પોતાને મળવા માટે અંધારું શ્રેષ્ઠ છે, એમ જણાવતા લખે છે, 'પોતાને મળવાની સૌથી શ્રેષ્ઠ જગા છે અંધારું, ચીજ બધી ઓગાળે એવી એક દવા છે અંધારું.'

પણ તમામ કવિઓમાં કવિ રમેશ આચાર્યનું અંધારું નોખું તરી આવે છે. તેમણે અંધારાને વિશેષ ભાવનાત્મક રીતે આલેખ્યું છે. તેમનું અંધારું માત્ર કલ્પનાની પાંખે બેસીને વિહરતું નથી, તેમાં સંવેદનાનું સત્વ પણ અનુભવાય છે. દર વર્ષે માતૃભાષા દિવસે કવિના નામ લખ્યા વગર બે પંક્તિઓ ખૂબ શેર થતી રહે છે. 'હું છું ને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.' આ પંક્તિઓ કવિ રમેશ આચાર્યની છે. ગઝલ, ગીત, અછાંદસ, મુક્તક, તાન્કા, હાઇકુ જેવાં વિવિધ કાવ્યસ્વરૂપોમાં આ કવિએ નોંધનીય કામ કર્યું છે.

મનુષ્યનો જગત સાથેનો સૌથી પહેલો સંપર્ક અંધકારથી થાય છે અને એ અંધકાર છે માતાના ગર્ભનો. ઉપરના કાવ્યમાં કવિ કહે છે કે હું અંધકારના પ્રેમમાં છું એવી મને જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પણ તેમને જાણ કઈ રીતે થઈ તેનાં ભાવનાત્મક કારણો આપ્યાં છે. પ્રથમ કારણ માતાએ આંજેલી મેશ. કાળી મેશ જ્યારે કપાળના એક ખૂણામાં અંજાઈ ત્યારે કવિને લાગ્યું કે અંધકાર સાથે પરિચય થયો અને એ પરિચય કરાવ્યો માતાની આંગળીના ટેરવાએ. આ એ જ માતાની આંગળીનું ટેરવું છે, જેના ગર્ભના અંધકારને કવિએ નવનવ મહિના સુધી અનુભવ્યો હતો. બીજો અને ત્રીજો અનુભવ સરખો છે - મિત્રએ અને પ્રેમિકાએ અલગ અલગ સમયે પાછળથી આવીને આંખ દાબી ત્યારે આંખ આગળ અંધારું છવાઈ ગયું. આ બંને અંધકારમાં પણ એક પ્રકારનો પ્રેમ હતો, હૂંફ હતી.  અને એ હૂંફભર્યા હાથ કોના હતા અંધારાના કે પ્રેમના, તે નક્કી નથી થઈ શકતું.

આપણે જિંદગીને અંધારાં અને અજવાળાં, સુખ અને દુ:ખ, સારું અને ખરાબમાં વહેંચવા ટેવાયેલા છીએ. હકીકતમાં એ બંને ઘણી વાર સાપેક્ષ હોય છે. એક તરફથી દેખાતો નફો બીજી તરફ મહામોટી ખોટ લઈને ઊભો હોય છે. અને એક તરફથી દેખાતું નુકસાન બીજી બાજુથી ફાયદો પણ હોઈ શકે. સુખ અને દુ:ખને બે ભાગમાં વહેંચવા કરતાં બંને એક જ ગ્લાસમાં ઓગળી ગયેલાં બે પ્રવાહી છે અને એ પીણાના ઘૂંટ આપણે પીતા રહેવાનું છે. આંખ મીંચીએ એટલે અંધકાર પથરાઈ જાય છે, આપણને લાગે છે કે આપણે અંધારું જોઈએ છીએ, પણ તે દેખાતું નથી હોતું, અનુભવાતું હોય છે. આપણી ભાવનાઓ પણ આવા અંધકાર જેવી અદ્રશ્ય હોય છે. કદાચ એટલા માટે જ કવિએ અહીં માએ વહાલથી લગાડેલા મેશના ટપકાને તથા મિત્ર અને પ્રેમીએ દાબેલી આંખ પછી છવાયેલા અંધકારને પ્રેમમાં ઓગાળી દીધો છે.

ઘણી વાર લાખ પ્રકારના ધમપછાડા કર્યા પછી પણ આપણું ધાર્યું ન થાય ત્યારે આપણી અંદર કશુંક ઘવાતું હોય છે, કંઈક મરી જતું હોય છે. તેનું શબ ઇજિપ્તના પિરામિડમાં મુકાતા મમીની જેમ આપણા અસ્તિત્વના પિરામિડમાં કોઈ અદ્રશ્ય પેટીમાં સચવાઈને પડયું રહે છે. અને આપણા અફસોસના અણિયાળા મંત્રને તોડીને વારંવાર જીવંત થવા મથે છે.

લોગઆઉટ:

આવજો-નું ગંધ મારે છે મમી,

યાદના બે આંસુ સારે છે મમી.

આ ક્ષણો વીતી, સદીઓ ગઈ છતાં

જીવતું થાવા વિચારે છે મમી.

- રમેશ આચાર્ય


Google NewsGoogle News