પીડિતાનું નામ-ઓળખ જાહેર કરનારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કોલકાતા કેસ મુદ્દે મમતા સરકારને પણ ઝાટકી
Kolkata Rape Murder Case: કોલકાતા રેપ અને હત્યાકાંડ મામલે પીડિતાના પરિવારે સોશિયલ મીડિયામાં તેની ઓળખ અને ફોટાઓ ફરી રહ્યા હોવા મામલે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ મામલે આજે (30 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આકરા શબ્દોમાં વાંધાજનક પોસ્ટ હટાવવા આદેશ આપ્યું હતું અને કેન્દ્ર સરકારને પણ એક નોડલ અધિકારી નિયુક્ત કરવા આદેશ આપ્યું છે જે આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાંથી હટાવી શકે. આ ઉપરાંત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મમતા સરકારની પણ ઝાટકણી કાઢી હતી.
મમતા સરકારની ઝાટકણી કાઢી
મમતા સરકારની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'તબીબી સંસ્થાઓમાં સીસીટીવી લગાવવા, શૌચાલયોની સુવિધા કરવા અને અલગ રેસ્ટિંગ રૂમના નિર્માણ પ્રક્રિયામાં અત્યાર સુધી 50 ટકાથી અધિક કામ થયું નથી, પ્રક્રિયા આટલી ધીમી કેમ છે? અમે 9 ઓગસ્ટથી આ મામલે દેખરેખ રાખી રહ્યા છે.' ત્યાર બાદ કોર્ટે સરકારને 15 ઓક્ટોબર સુધી કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યું હતું.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના આદેશ છતાં બુલડોઝર ફેરવતી ભાજપ સરકારને નોટિસ, કહ્યું- યથાસ્થિતિ જાળવો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે લાલ આંખ
સુપ્રીમ કોર્ટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પીડિતાના નામ અને ઓળખ જાહેર ન કરવા નિર્દેશ આપ્યું છે. સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, 'અમારો પાછલો આદેશ માત્ર વિકિપીડિયા સુધી સીમિત ન હોવું જોઇએ, પરંતુ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સએ પીડિતાના નામ અને ઓળખ જાહેર ન કરવા નિર્દેશ આપવામાં આવે છે.'
કોર્ટે કેન્દ્રસરકારને આદેશ આપ્યો
કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, 'તેઓ એક નોડલ અધિકારી નક્કી કરે, જેમની પાસે લોકો આ પ્રકારની પોસ્ટ અંગે ફરિયાદ કરી શકે અને તે અધિકારી આવી વાંધાજનક પોસ્ટ હટાવવા માટે પગલાં ભરે.' પીડિતાના પરિજનો તરફથી હાજર વકીલે કહ્યું કે, 'પીડિતાના નામ અને ફોટાના ખુલાસા કરતી અનેક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે, જે ખૂબ જ ચિંતાજનક છે.'
સીબીઆઇ તપાસ પર શું કહ્યું?
સીબીઆઇ તપાસ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'સીબીઆઈની તપાસમાં મહત્વપૂર્ણ કડીઓ મળી છે અને સીબીઆઇને આ મામલે તેની તપાસ ચાલુ રાખવી જોઇએ. સીબીઆઈ તપાસ હોસ્પિટલમાં બળાત્કારની ઘટના અને આરજી કર મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં નાણાકીય અનિયમિતતા બંનેની માહિતી મળી છે. સીબીઆઈ રિપોર્ટ દર્શાવે છે કે પીડિતાએ પહેરેલા બ્રેસેજ અને ચશ્માને કારણે ઝડપથી ઈજા થઈ હતી.'