ગોધરા ટ્રેન આગ કેસ: સુપ્રીમ કોર્ટમાં 13 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર અને દોષિતોએ દાખલ કરેલી અરજી પર સુનાવણી
Supreme Court On Godhra Train Fire Case : વર્ષ 2002ના ગોધરા ટ્રેન આગ કેસને લઈને આજે ગુરુવારે ગુજરાત સરકાર અને દોષિતોએ દાખલ કરેલી અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'ગોધરા ટ્રેન આગ કેસ મામલે આગામી 13 ફેબ્રુઆરીએ સુનાવણી કરાશે.' જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને અરવિંદ કુમારની બેન્ચે સ્પષ્ટ કર્યું કે, 'આગામી સુનાવણીની તારીખે આ કેસમાં કોઈ મુલતવી રાખવામાં આવશે નહીં.'
ગુજરાતમાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને સળગાવી દેવામાં આવતા 59 લોકોના મોત થયા હતા. જેના કારણે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સમગ્ર મામલે ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અનેક અપીલો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી. જેમાં દોષિતોની સજાને સમર્થન આપવામાં આવ્યું હતું અને 11 દોષિતોને મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. જેને લઈને ફ્રેબુઆરી 2023માં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં 11 દોષિતોને મૃત્યુદંડની સજા કરવાની માગ કરી હતી.
'અમે આ કેસ મુલતવી રાખીશું નહીં'
આ મામલાને મુલતવી રાખવાનો ઈનકાર કરતા બેન્ચે કહ્યું, 'અમને મુખ્ય ન્યાયાધીશના કાર્યાલય તરફથી સૂચનાઓ મળી છે કે, ફોજદારી અપીલ અને માફીના કેસોની એકસાથે સુનાવણી કરવાની જરૂર નથી.' જ્યારે જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું. 'અમને ખબર નથી. અમે આ મામલાની સુનાવણી કરીશું અને અમે આ અંગે અગાઉ સ્પષ્ટતા કરી હતી. અમે આ કેસ મુલતવી રાખીશું નહીં. આ કેસ ઓછામાં ઓછો પાંચ વખત મુલતવી રાખવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી, હું આ મામલાને મુલતવી રાખી રહ્યો છું'
દોષિત વતી વરિષ્ઠ વકીલે શું કહ્યું?
ગોધરા ટ્રેન આગ કેસ મામલે આજે ગુરુવારે સુનાવણી માટે આવ્યો ત્યારે એક દોષિત વતી હાજર રહેલા વકીલે રજૂઆત કરી કે કોઈ પુરાવા રેકોર્ડ પર મૂકવામાં આવ્યા નથી. જ્યારે દોષિત વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ રજૂઆત કરી હતી કે, 'મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવવા સામે ગુજરાત દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર પહેલા સુનાવણી થવી જોઈએ.' વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કેટલાક દોષિતોએ માફી અરજીઓ દાખલ કરી છે જે પેન્ડિંગ છે.
દોષિતો વતી હાજર રહેલા વકીલોએ સમય માંગ્યા બાદ કોર્ટે કેસની સુનાવણી 13 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન રાજ્યના વકીલે જણાવ્યું હતું કે, '11 દોષિતોને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી અને 20 અન્ય લોકોને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે આ કેસમાં 31 દોષિતોને સમર્થન આપ્યું હતું અને 11 દોષિતોની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી.'