અનામતમાં ક્વોટામાં ક્વોટા: ગુજરાત સરકારમાં આ મુદ્દે ચર્ચા બાકી, અતિપછાત જ્ઞાતિનું પ્રતિનિધત્વ કેમ ઓછું?
Supreme Court On Reservation : સુપ્રીમ કોર્ટ દ્વારા 6-1 ની બહુમતીથી કરેલા આદેશ મુજબ હવે SC-STમાં અત્યંત પછાત જાતિઓને અનામતનો લાભ આપવા માટે પેટા કેટેગરી બનાવવા બંધારણીય સત્તા આપી છે પરંતુ ગુજરાત રાજ્યમાં આ આદેશ બાદ હજી ચર્ચા બાકી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને સબ કેટેગરી બનાવવાની સત્તા આપતા આદેશમાં નોંધ્યું છે કે, રાજ્યએ પ્રયોગમૂલક ડેટા સાથે બહાર આવવું જોઈએ (વાસ્તવિક ડેટા અને એક ધારણા પ્રકારનો નહીં). જેથી પેટા જૂથમાં લાભ લેનાર અને વંચિત વચ્ચેનો તફાવત થઈ શકે. આનાથી વાસ્તવિક જૂથોને ઓળખવામાં મદદ મળશે કે જેઓ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા મુજબ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ મેળવવાને લાયક છે.
ગુજરાતમાં આ મુદ્દે હાલ કોઈ ચર્ચા કેમ નહીં?
આ આદેશ બાદ જ્યારે દેશમાં તેલંગાણા સરકારે દેશમાં આ આદેશ સૌપ્રથમ લાગુ કરવાની તૈયારી દર્શાવી ત્યારે હજી ગુજરાત સરકારમાં કોઈ ચર્ચા પણ નથી. સમાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે આ કામ GAD સામાન્ય વહીવટ વિભાગનું છે. તેમણે કેબિનેટ મંત્રી તરીકે આ વિશે થયેલ સરકારમાં કોઈ ચર્ચા વિશે જવાબ આપવાનું ટાળ્યું હતું પરંતુ આ જ મુદ્દે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવે જવાબ આપ્યો કે આ મુદ્દે સરકારમાં હજી કોઈ ચર્ચા થઈ નથી અને ચર્ચા કરવાની બાકી છે.
રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું કે જો ગુજરાત સરકાર આ આદેશનું પાલન કરે તો રાજ્ય સરકારે તાજેતરમાં જારી કરાયેલી નોકરીની જાહેરાતોમાં સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે વટહુકમ બહાર પાડવો પડશે અને રાજ્ય સરકારના એડવોકેટ જનરલ તથા કાયદા વિભાગે આ આદેશનો અભ્યાસ કરી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ઠરાવ કરીને ગુજરાત સરકારના કેબિનેટને મોકલશે. કેબિનેટની મંજૂરી બાદ રાજ્યપાલની સહી માટે મોકલી આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આદેશમાં ગુજરાતનો ઉલ્લેખ
સુપ્રીમ કોર્ટના આદેશમાં ગુજરાત વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "રોબર્ટ એફ કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઇટ્સે નવસર્જન (દલિતોના અધિકારોને પ્રોત્સાહન આપતી સંસ્થા) સાથે મળીને 1589 ગામડાઓમાં જાતિ ભેદભાવ અંગે વિસ્તૃત અભ્યાસ હાથ ધર્યો હતો અને લેખક એ.એમ.શાહના પુસ્તક, ‘દલિત’ વર્ગો અને તેના ભિન્નતામાંથી પણ ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં ગુજરાતમાં બે દલિત જાતિઓ પારસ્પરિક વ્યવહાર એ એક દલિત જાતિ અને બીજી જાતિ વચ્ચેના પારસ્પરિક વ્યવહારની સરખામણીમાં ઘણો ઓછો હતો.
અતિપછાત જ્ઞાતિનું પ્રતિનિધત્વ કેટલું?
ગુજરાતમાં ગુજરાતમાં, અનુસૂચિત જાતિ કલ્યાણના ડાયરેકોરેટના આંકડા અનુસાર, 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં કુલ વસ્તીના અનુસૂચિત જાતિ કેટેગરીની વસ્તી 6.74% અને અનુસૂચિત જનજાતિ કેટેગરીની વસ્તી 14.75% છે. અનુસૂચિત જાતિઑમાં કુલ 36 પેટા જાતિઑ છે જેમાં 12 જેટલી અતિ પછાત જાતિઓનો પણ સમાવશે થાય છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિઑમાં રાજકીય પ્રતિનિધિત્વમાં વિધાનસભામાં ચૂંટાયેલા 13 ધારાસભ્યોમાંથી એક જ ધારાસભ્ય અતિ પછાત જ્યારે બે લોકસભા સાંસદમાંથી એક પણ અતિ પછાત જાતિના નથી.