ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા, પાકને મોટું નુકસાન થવાની ભીતિ
Image Twitter |
અમદાવાદ, તા. 8 માર્ચ 2023, બુધવાર
ગુજરાતની પાડોશી રાજ્ય એવા રાજસ્થાનના માઉન્ટઆબુ અને અન્ય વિસ્તારોમાં કરાનો વરસાદ થયો હતો. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુ તેમજ ગુરુશિખર, અચલગઢ તેમજ શિરોહી વિસ્તારમાં હિમવર્ષા થઈ હતી. જેના કારણે લોકોના ઘરમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. પહાડી એરિયા અને ઉપરના વિસ્તારોમાં કરાના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયુ હતુ.
બનાસકાંઠાના અમીરગઢ પાસેના ઈકબાલગઢ પંથકમાં કમોસમી વરસાદ
માઉન્ટ આબુ ઉપરાંત રાજસ્થાનના પિંડવાડા, સ્વરુપગંજમાં પણ કરાનો વરસાદ થયો હતો. આ હિમવર્ષાના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રાજસ્થાનમાં થયેલ કરાના વરસાદનો વીડિયો પણ વાઈરલ થયો છે. આ ઉપરાંત રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠાના અમીરગઢ પાસેના ઈકબાલગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઘઉં, એરંડા, જીરું, બટાકાના પાકમાં મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આગામી 3 કલાકમાં હજુ વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 કલાકમાં હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા. કચ્છ. રાજકોટ, જુનાગઢ, નર્મદા, તાપી, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ પાટણમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.