Get The App

બ્લડ સેમ્પલ લઈને મંત્રીના ઘરે પહોંચ્યા આદિવાસી નેતાઓ, જાણો આ અનોખા વિરોધનું કારણ શું

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
બ્લડ સેમ્પલ લઈને મંત્રીના ઘરે પહોંચ્યા આદિવાસી નેતાઓ, જાણો આ અનોખા વિરોધનું કારણ શું 1 - image


A unique protest by tribal leaders in Rajasthan: વિરોધ નોંધાવવા માટે વાવટા ફરકાવવા, ધરણાં પર બેસવું, નારેબાજી કરવી, ઈંડા-ટામેટાં ફેંકવા જેવા ઉપાયો અજમાવાતા તો બહુ જોયા, પણ તાજેતરમાં એક એવી ઘટના બની જેમાં સદંતર અલગ ઢંગથી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 

શું હતી ઘટના? શેનો હતો વિરોધ?

દક્ષિણ રાજસ્થાનના બાંસવાડામાંથી નવા ચૂંટાયેલા સંસદસભ્ય રાજકુમાર રોત હાથમાં લોહીના સેમ્પલ લઈને વિરોધ કરવા માટે નીકળ્યા હતા. આદિવાસીઓને ‘હિન્દુ ગણવા’ સામે આ વિરોધ-પ્રદર્શન કરાયું હતું. વિરોધ કરવામાં ‘ભારત આદિવાસી પાર્ટી’ના સ્થાપક સાંસદ રોત સાથે પાર્ટીના સહ-સ્થાપક ધારાસભ્ય ઉમેશ મીણા, કોંગ્રેસના ધારાસભ્યો રામકેશ મીણા અને ઘનશ્યામ મહાર તથા સમર્થકોનું ટોળું પણ હતું. લોહીના નમૂના ધરાવતી નળીઓનું પેકેટ લઈને તેઓ રાજ્યના શિક્ષણ પ્રધાન મદન દિલાવરના ઘરે પહોંચ્યા હતા. આ ઘટના 29 જૂનના રોજ જયપુરમાં બની હતી. 

ઘટના પાછળની ઘટના 

રાજસ્થાનના ડુંગરપુરમાં ભીલ આદિવાસી સમુદાયમાં જન્મેલા રાજકુમાર રોત ઘણાં સમયથી આદિવાસીઓને હિન્દુ ગણવાનો વિરોધ કરતા રહ્યા છે. 2023માં એમણે ‘ભારત આદિવાસી પાર્ટી’ની સ્થાપના કરી હતી. 21 જૂનના રોજ રાજસ્થાનના શિક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય મદન દિલાવરને પત્રકારોએ રાજકુમાર રોતના આદિવાસીઓ વિષયક આચાર-વિચાર બાબતે પૂછતાં દિવાલરે કહ્યું હતું કે, ‘રોત હિન્દુનો દીકરો છે કે નહીં એ જાણવા એના લોહીની તપાસ થવી જોઈએ.’

આ વિધાનને મુદ્દો બનાવીને રોત એમના સમર્થકો સાથે લોહીના નમૂના ધરાવતી નળીઓનું પેકેટ લઈને મદન દિલાવરના ઘરે પહોંચ્યા હતા. એ દરમિયાન એમણે ફરી એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું હતું કે, આદિવાસીઓ હિન્દુ નથી.

પોલીસ દ્વારા રોકવામાં આવતા આદિવાસી-સમર્થકો વિરોધ કરવા માટે અમર જવાન જ્યોતિ સ્મારક પર ગયા હતા. એમણે માંગ કરી કે, મદન દિલાવરે સમગ્ર આદિવાસી સમુદાયનું અપમાન કર્યું છે. તેઓ આદિવાસીઓની માફી માંગે અને તેમના પદ પરથી રાજીનામું આપે. એ સમય ગયો જ્યારે કોઈપણ આદિવાસીઓ વિશે કંઈપણ બોલી દેતા અને આદિવાસીઓ ચૂપચાપ સાંભળી લેતા. હવે આદિવાસીઓ જાગી ગયા છે. આ પ્રકારનું સામુદાયિક અપમાન સાંખી નહીં લેવાય. 

વિરોધનો લાંબો ઈતિહાસ

‘આદિવાસીઓ હિન્દુ નથી’ એ બાબતનો વિવાદ આજકાલનો નથી. ભારતભરના આદિવાસી સમુદાયો આ બાબતે સમયાંતરે વિરોધ નોંધાવતા આવ્યા છે. તેમની પોતાની અલગ ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ છે, જે હિંદુ ધર્મથી અલગ છે, એવી દલીલ તેઓ કરે છે. સંઘ પરિવાર દ્વારા ‘આદિવાસીઓ હિન્દુ જ છે’ એવો દાવો કરાયો ત્યારથી દેશભરના આદિવાસી સમુદાયો એનો જોરશોરથી વિરોધ કરતા રહ્યા છે.

ઝારખંડના આદિવાસીઓ તેમની પરંપરાગત આસ્થાને ‘સરના’ કહે છે. તેઓ વર્ષોથી તેમની આસ્થાની ઓળખ માટે એક અલગ કોડની માંગ કરી રહ્યા છે. નવેમ્બર 2020માં ‘ઝારખંડ મુક્તિ મોરચા’ની આગેવાની હેઠળની સરકારે સરના આદિવાસી ધર્મને અલગ કોડ તરીકે માન્યતા આપવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો, જેને કેન્દ્ર સરકારે હજુ સુધી મંજૂરી આપી નથી. એ જ રીતે, છત્તીસગઢમાં ગોંડ અથવા કોઈતુર આદિવાસીઓ છેક 1950ના દાયકાથી તેમની શ્રદ્ધા ‘કોયા પુનમ’ને માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. 

શું કહે છે ઐતિહાસિક નોંધો?

બ્રિટિશ શાસન દરમિયાન પશ્ચિમના ખ્રિસ્તી મિશનરીઓ આદિવાસી પ્રદેશોમાં પહોંચ્યા અને એમના વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવાની શરૂઆત થઈ. આ વાત હિન્દુઓને સ્વીકાર્ય નહોતી. એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 1950 ના દાયકામાં ‘આદિવાસીઓ હિંદુઓ જ છે’ એવી માન્યતાને આધારે ‘વનવાસી કલ્યાણ આશ્રમ’ નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા આદિવાસી વિસ્તારોમાં જઈને આદિવાસીઓને તેઓ હિન્દુ હોવાનું જણાવતી. 

‘ભારત આદિવાસી પાર્ટી’ના જણાવ્યા પ્રમાણે આઝાદી પહેલાં વસ્તી ગણતરીની કૉલમમાં આદિવાસીઓને હિંદુ તરીકે નોંધવામાં આવતા ન હતા. એના બદલે તેઓ ‘એનિમિસ્ટ’ (જીવવાદી) તરીકે નોંધાતા હતા અથવા તો પછી ‘આદિવાસી ધર્મ’ (tribal/aboriginal religion) હેઠળ સૂચિબદ્ધ થતા હતા. 

સ્વતંત્રતા પછી પણ છેક 2011ની વસ્તી ગણતરી સુધી હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને શીખ એ છ ધર્મ ઉપરાંતની વિવિધ ધાર્મિક માન્યતાઓને ‘અન્ય’ (Others) કેટેગરી હેઠળ ગણવામાં આવતા, જેમાં આદિવાસીઓનો સમાવેશ થતો. જોકે, 2011માં આ વિકલ્પ દૂર કરવામાં આવ્યો હતો, જેનો આદિવાસી સમુદાયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એમની ફરિયાદ એ હતી કે એમને એમની ઇચ્છા વિરુદ્ધ હિંદુ તરીકે નોંધવાની ફરજ પાડવામાં આવી રહી છે.

બંધારણમાં આદિવાસીઓની ઓળખ 

ભારતનું બંધારણ આદિવાસી સમુદાયોને ‘અનુસૂચિત જનજાતિ’ તરીકે વર્ગીકૃત કરે છે. બંધારણીય રીતે સુરક્ષિત સામાજિક શ્રેણી તરીકે માન્યતા મેળવનાર ‘અનુસૂચિત જાતિ’ના લોકો ધાર્મિક દૃષ્ટિએ હિંદુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મમાં સમાવેશ પામે છે, પણ ‘અનુસૂચિત જનજાતિ’માં સમાવિષ્ટ લોકો કોઈ ચોક્કસ ધર્મ સાથે સંકળાયેલા હોવાનું બંધારણમાં લખાયેલું નથી. એટલે એમ કહી શકાય કે આદિવાસીઓને કોઈ એક ધર્મના ચોખટામાં ફિટ કરવા જોઈએ નહીં.

નિષ્ણાતોનો મત શું છે? 

ઈતિહાસ અને માનવસમાજના અભ્યાસુઓ પણ કહે છે કે, આદિવાસીઓએ હિંદુ ધર્મની શરૂઆત પહેલાથી જ અસ્તિત્વ ધરાવતા હતા, એટલે એમને હિંદુ ન ગણી શકાય. એમની પોતાની અલગ આસ્થા/શ્રદ્ધા/જીવનશૈલી છે. તેઓ પ્રકૃતિના ઉપાસક છે. એમની માન્યતાનો સ્વીકાર કરવો જોઈએ. સમગ્ર દેશના આદિવાસીઓ માટે એક અલગ ધાર્મિક સંહિતા હોવી જોઈએ.

આ પાર્ટીનો ઈતિહાસ શું છે? 

2023 માં અસ્તિત્વમાં આવેલી ‘ભારત આદિવાસી પાર્ટી’ મૂળ તો 2017 માં ગુજરાતમાં બનીએ ‘ભારતીય ટ્રાઇબલ પાર્ટી’નો જ હિસ્સો હતી. ‘ભારત આદિવાસી પાર્ટી’ વર્તમાન નેતાઓએ 2018 માં ‘ભારતીય ટ્રાઇબલ પાર્ટી’ના નેજા હેઠળ જ રાજસ્થાનની વિધાનસભામાં ચૂંટણી લડી હતી અને ડુંગરપુર જિલ્લાના સગવારા અને ચોરાસી મતવિસ્તારમાં જીત મેળવી હતી.

2023 માં પાર્ટીનું વિભાજન થયું હતું અને રોત એના સમર્થકોએ અલગ ‘ભારત આદિવાસી પાર્ટી’ની રચના કરી હતી. એ પછી એમના ઉમેદવારોએ રાજસ્થાન વિધાનસભાની ત્રણ બેઠકો અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી.

રાજકારણ પ્રેરિત પ્રયાસ

આદિવાસીઓને એક ધર્મમાં સમાવિષ્ટ કરવા પાછળની ગણતરી એમનું ઉત્થાન કરવાની કમ અને એમના વૉટ મેળવવાની વધારે છે. અત્યાર સુધી રાજકારણથી બહુધા અલિપ્ત રહેલો આદિવાસી સમાજ હવે ‘ભારત આદિવાસી પાર્ટી’ દ્વારા પોતાની અલગ ઓળખ સ્થાપિત કરવા માટે કટિબદ્ધ થયો છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમુદાયોનો એકે ટેકો છે. દક્ષિણ રાજસ્થાનમાં ‘ભારત આદિવાસી પાર્ટી’ને મળેલી સફળતાએ રાજસ્થાનના રાજકારણમાં હલચલ મચાવી છે.


Google NewsGoogle News