સંસદની સુરક્ષામાં ચૂકનો મામલો: પાંચ આરોપીઓને લવાયા ગુજરાત, થઈ શકે છે મોટા ઘટસ્ફોટ
એવી અપેક્ષા છે કે શુક્રવાર સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ જશે
parliament security breach : ગયા મહિને 13મી ડિસેમ્બરે જૂના સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની 22મી વરસીએ જ નવી સંસદમાં ગૃહની ચાલુ કાર્યવાહી દરમિયાન બે યુવકો દર્શકોની ગેલરીમાંથી કૂદી ગયા હતા અને તેમણે સ્મોક બોમ્બ વડે ઉત્પાત મચાવી દીધો હતો. આ ઘટના પછી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસને શંકા છે કે આ ઘટના કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે ત્યારે આ સંબંધમાં પોલીસે ગુજરાતમાં પાંચ આરોપીઓના પોલિગ્રાફ અને નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગરમાં નાર્કો અને પોલિગ્રાફ ટેસ્ટ
કોર્ટના આદેશ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર જ સુરક્ષાનો ભંગ કરીને ઉત્પાત મચાવનાર છ આરોપીઓમાંથી પાંચ આરોપીઓને લઈને ગુજરાત પહોંચી છે અને ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તેમનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લલિત ઝા, મહેશ કુમાવત અને અમોલ શિંદેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જ્યારે સાગર શર્મા અને મનોરંજન ડીના પોલીગ્રાફ ટેસ્ટ, નાર્કો એનાલિસિસ અને બ્રેઈન મેપિંગ કરવામાં આવી રહ્યા છે. એવી અપેક્ષા છે કે શુક્રવાર સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ જશે.
મનોરંજન છે માસ્ટરમાઈન્ડ?
ઉલ્લેખનીય છે કે પૂછપરછ દરમિયાન લલિતે કબૂલાત કરી હતી કે અસલી માસ્ટરમાઇન્ડ મનોરંજન છે, જે ફંડિગ માટે સતત પ્રયાસ કરી રહ્યો હતો અને તેનો હેતુ એક મોટું સંગઠન તૈયાર કરવાનો હતો. આ ઉપરાંત સાગર શર્માને બ્રેઈન વોશિંગ અને યુવાનોની ભરતીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જ કારણ છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ મનોરંજન અને સાગર શર્માના બ્રેઈન મેપિંગ અને નાર્કો પાસેથી સત્ય જાણવા માંગે છે. આ પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તમામ આરોપીઓના સાયકો એનાલિસિસ ટેસ્ટ પણ કર્યા છે.
બે યુવકે સંસદમાં ઘૂસીને ઉત્પાત મચાવ્યો હતો
નવી સંસદમાં 13 ડિસેમ્બર 2023ના રોજ અરાજકતા સર્જાઈ હતી જ્યારે ગૃહની અંદર અને બહાર હોબાળો થયો હતો. લોકસભામાં દર્શક ગેલેરીમાંથી બે યુવકો કૂદીને સ્મોક બોમ્બ ફોડીને ઉત્પાત મચાવી દીધો હતો. આ બંને યુવકોએ સ્પ્રે વડે પીળા રંગનો ધુમાડો કર્યો હતો આ જ સમયે સંસદ ભવનની બહાર પણ બે યુવકોએ આવું જ કૃત્ય કર્યું હતું. આ સમગ્ર મામલે આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ 6 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેઓ ખેડૂતોના આંદોલન, મણિપુર હિંસા, બેરોજગારી જેવી દેશની સમસ્યાઓથી પરેશાન હતા અને તેથી તેથી તેમણે આ બધું કર્યું હતું.