પાકિસ્તાનનું પાપ ખુલ્યું, ગુજરાતી માછીમારના મોબાઇલથી મુંબઈના યુવકને હનીટ્રેપમાં ફસાવ્યાનો ઘટસ્ફોટ
આ ગુજરાતી માછીમારને પાકિસ્તાને સાત વર્ષ પહેલા પકડ્યો હતો પણ તેના સીમ, મોબાઇલ વગેરે તેને પરત નહોતા કર્યા
મુંબઇ મઝગાંવ ડૉકયાર્ડમાં સ્ટ્રક્ચરલ ફેબ્રિકેટર તરીકે કામ કરે છે આ યુવક
Mumbai Honey Trap News | મુંબઈના મઝગાંવ ડોક્યાર્ડમાં સ્ટ્રક્ચરલ ફેબ્રિકેટર તરીકે કામ કરતા ૩૦ વર્ષીય યુવકની મહારાષ્ટ્ર એન્ટિટેરરિઝમ સ્કવૉડે(એટીએસ) ધરપકડ કરી હતી. પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ (પીઆઈઓ)ને દેશના પ્રતિબંધિત વિસ્તારોની માહિતી લીક કરી હોવાનો તેના પર આરોપ છે.
મુંબઈ ઈએટીએસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, ગુજરાતના માછીમારની પોતાની દરિયાઈ સરહદમાં ઘુસી ગયાના આરોપસર પાકિસ્તાને સાત વર્ષ પહેલા ધરપકડ કરી હતી. તે સમયે કબજે લેવામાં આવેલો મોબાઈલ ફોન અને સીમકાર્ડ પરત અપાયાં નહોતાં અને હવે ગુજરાતી માછીમારના સીમકાર્ડથી મહિલા એજન્ટને એક્ટિવ કરીને પાકિસ્તાની એજન્સી દ્વારા જાસૂસી કરાવવામાં આવી રહ્યાંના મુદ્દે ગુજરાતમાં પણ તપાસ હાથ ધરાઈ છે.
સોશિયલ મીડિયા ઉપર સોનાલી નામ ધારણ કરીને પાકિસ્તાનની મહિલા એજન્ટે કલ્પેશ નામના મુંબઈના મઝગાંવ ડોકયાર્ડના કર્મચારી સાથે મિત્રતા કેળવી હતી. મૂળ રાયગઢના અલીબાગનો રહેવાસી છે. અલિબાગથી આઇટીઆઈ કોલેજમાં ફિટર તરીકેનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર ૨૦૧૫માં મઝગાવ ડોક્યાર્ડમાં પ્રથમ વખત જોડાયો હતો. થોડા સમય માટે બ્રેક લીધો હતો. ત્યારબાદ ફરી કંપનીમાં નોકરી કરતો. મુંબઈ એટીએસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી નવેમ્બર ૨૦૨૧થી મે ૨૦૨૩ સુધી પાકિસ્તાની ગુપ્તચર સાથે ફેસબુક અને વોટસએપ દ્વારા સંપર્કમાં હતો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઘણી વખત ભારતના પ્રતિબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી હતી. હાલમાં તે નવી મુંબઇમાં રહેતો હતો. આ યુવક અને પીઆઈઓ વિરુદ્ધ કેસ નોંધી એટીએસની નવી મુંબઈ યુનિટે વધુ તપાસ આદરી છે.
ભારતીય નૌકાદળે વર્ષ ર૦૧૯માં એક મોટા જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે વિશાખાપટ્ટનમ, કારવાર અને મુંબઈ સ્થિત નૌકાદળના સાત યુવાન ખસાલીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમને નકલી ફેસબુક એકાઉન્ટ દ્વારા ફસાવવામાં આવ્યા હતા. સોનાલી નામ ધારણ કરી છ મહિલા એજન્ટે બિછાવેલી જાળમાં ફસાયેલા કલ્પેશે વોરશીપ્સ, સબમરિન્સ સહિતની યુધ્ધ સામગ્રીઓના ૨૫ સ્કેચ ફેસબૂક અને વોટ્સ-એપ ચેટથી શેર કર્યા હોવાની વિગતો એટીએસની તપાસમાં ખુલી છે.
મુંબઈ એટીએસની તપાસમાં એવી ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, છ-સાત વર્ષ પહેલાં પાકિસ્તાની મરીન એજન્સીએ ગુજરાતના એક માછીમારને ઝડપી પાડ્યો હતો. ભારતીય જળસીમા ઓળંગી જઈને પાકિસ્તાનની દરિયાઈ સીમામાં માછીમારી કરવા પહોંચી ગયેલાં આ ગુજરાતી માછીમારને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. સાડા ત્રણ વર્ષના જેલવાસ પછી માછીમારને મુક્ત કરી ભારત પાછો મોકલી હતો.
જો કે, ગુજરાતના માછીમારને પકડાયો ત્યારે કબજે કરાયેલો મોબાઈલ ફોન અને સીમકાર્ડ ઉપરાંત અન્ય સામગ્રી પાકિસ્તાની એજન્સીઓએ પરત નહોતાં. આ માછીમારના સીમકાર્ડનો ઉપયોગ સોનાલી નામથી જાસૂસીની બિછાવતી કથિત મહિલા જાસુસ દ્વારા કરવામાં આવતો હોવાની વિગતો ખુલી છે. ગુજરાતી માછીમારના મોબાઈલ નંબર થકી સોનાલીએ મઝગાંવ ડોક્યાર્ડના કર્મચારી પાસેથી સંવેદનશીલ વિગતો મેળવવા માટે વોટ્સ-એપ ઉપર ચેટ ઉપર ઓડિયો અને વીડિયો કોલ પણ કર્યા હતા. ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, મુંબઈ એટીએસની ટીમ ગુજરાતના માછીમારના સીમ કાર્ડથી પાકિસ્તાન માટે જાસૂસી મુદ્દે તપાસ માટે આવી હતી. માછીમારના સીમકાર્ડના આ પ્રકારે દુરૂપયોગનું પાકિસ્તાનનું પાપ પકડાયું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દેશની સુરક્ષા એજન્સીઓએ આ ઘટના ક્રમને ગંભીરતાથી લઈને દરિયાઈ સરહદ ઉપર કાર્યરત માછીમારો વધુ જાગૃત બને તે દિશામાં કાર્યવાહી પણ આરંભી છે.