ગુજરાતના શખ્સને આતંકી પ્રવૃત્તિ કરવી ભારે પડી, ISI સાથે મળીને રચ્યું હતું ષડયંત્ર, કોર્ટે જાહેર કર્યો દોષિત
Pak Backed Indian Defense Spying Case : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA) એ બુધવારે એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે, લખનૌની વિશેષ અદાલતે ગુજરાતના એક વ્યક્તિને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને દેશમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે ષડયંત્ર ઘડવા બદલ દોષિત ઠેરવ્યો છે. જેમાં આરોપીને આઇપીસી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) ઍક્ટની જોગવાઈઓ હેઠળ છ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
છ વર્ષની સખત કેદની સજા ફટકારી
NIA પ્રમાણે, દેશના આ ગદ્દારની ઓળખ ગુજરાતના પશ્ચિમ કચ્છ જિલ્લાના રહેવાસી રાજકભાઈ કુંભાર તરીકે થઈ છે. NIAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજકભાઈ કુંભાર વર્ષ 2020માં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવાયેલો બીજા આરોપી છે, જેને આઇપીસી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) ઍક્ટની જોગવાઈઓ હેઠળ છ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આરોપી ISIના એજન્ટના સંપર્ક
મીડિયા અહેવાલ પ્રમાણે, આ પહેલા NIAની વિશેષ અદાલતે ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના રહેવાસી રાશિદ આ મામલે સજા આપી હતી. આરોપી સામે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), ગોમતી નગર દ્વારા આરોપ નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાશિદ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ(ISI)ના એજન્ટોના સંપર્કમાં હતો. જેમાં ATSએ તેના પર પાકિસ્તાની એજન્ટોને ભારતના સંવેદનશીલ, વ્યૂહાત્મક અને મહત્ત્વપૂર્ણ સ્થળો તેમજ ભારતીય સેનાની ગતિવિધિઓના ફોટોગ્રાફ્સ આપવાનો આરોપ લગાવ્યો હતો. NIAએ કહ્યું કે, આરોપીએ તેના ફોનથી ડિફેન્સ માર્કિંગ્સ સહિતના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
એપ્રિલ 2020ના કેસ મામલે કેન્દ્રીય એજન્સીએ જુલાઈ 2020માં રાશિદ વિરુદ્ધમાં ચાર્જશીટ દાખલ કરી અને પછી ફેબ્રુઆરી 2021માં રાજકભાઈ કુંભાર સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. NIAએ કહ્યું કે, એજન્સીની તપાસમાં સામે આવ્યું હતું કે, રાજકભાઈ કુંભારે રાશિદ અને પાકિસ્તાન સ્થિત ISI એજન્ટો સાથે મળીને આંતકવાદી કૃત્યો કરવા માટે કાવતરું ઘડ્યું હતું અને તેમના કમિશનની તૈયારીઓ પણ કરી હતી.
બંને આરોપીએ પાકિસ્તાન સ્થિત ઓપરેટરો દ્વારા હાથ ધરવામાં આવેલી નાપાક ભારત વિરોધી યોજનાઓને છુપાવવાનું ષડયંત્ર પણ ઘડ્યું હતું. NIAના જણાવ્યા અનુસાર, રાજકભાઈ કુંભારએ ISI એજન્ટોને મોકલેલા સંવેદનશીલ ફોટોગ્રાફ્સના બદલામાં રાશિદને પૈસા આપ્યા હતા અને આ કામમાં તેની મદદ કરી હતી.