નાસાએ જાહેર કરી સેટેલાઈટ તસવીરઃ દિલ્હી જ નહીં ગુજરાતથી લઈને બંગાળની ખાડી સુધી પ્રદૂષણ
- આજે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500 સુધી પહોંચી ગયો હતો
નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2023, બુધવાર
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં બની રહ્યુ છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણને ડામવા સતત પ્રયાસો કરી રહી છે. ત્યારે સરકારે આજે એક મોટુ પગલુ ભરતા ઓલા-ઉબેર કેબ પર રોક લગાવાની સાથે તમામ સ્કૂલોને 9 દિવસ સુધી સંપૂર્ણ હંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે 09 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી વિન્ટર બ્રેક એટલે કે શિયાળું વેકેશન જાહેર કરી દીધુ છે. વાહનોથી ફેલાતો કાળો ધુમાડા અને પાડોસી રાજ્યોમાં પરાળ સળગાવવાના કારણે દિલ્હીની હવા ગૂંગળાવી રહી છે. આ દરમિયાન નાસાએ સેટેલાઈટ તસવીર જાહેર કરી છે. તસવીરથી જાણી શકાય છે કે, પ્રદૂષણ માત્ર દિલ્હી-એનસીઆર સુધી મર્યાદિત નથી. આ પ્રદૂષણ ગુજરાત અને પાકિસ્તાનથી લઈને બંગાળની ખાડી સુધી ફેલાયેલું છે.
દિલ્હી-એનસીઆરમાં ફેલાયેલા પ્રદૂષણ વચ્ચે નાસાના વર્લ્ડવ્યૂએ સેટેલાઈટ તસવીર જાહેર કરી છે. આ તસવીર પરથી અંદાજો લગાવી શકાય છે કે, પ્રદૂષણની કાળી અને ઝેરી હવા દિલ્હી, ગુજરાત અને પાકિસ્તાનના પંજાબથી લઈને બંગાળની ખાડી સુધી ફેલાયેલી છે. ડેટા પરથી જાણી શકાય છે કે, પ્રદૂષણનું કારણ ઉત્તર ભારતીય રાજ્યોમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં તેજી પણ છે.
નાસાના આંકડા પરથી જાણી શકાય છે કે, 29 ઓક્ટોબર બાદથી ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓમાં તેજીથી વૃદ્ધિ જોઈ શકાય છે. પંજાબમાં 29 ઓક્ટોબરના રોજ 1,068 ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ સાથે પરાળ સળગાવવાની ઘટનાઓમાં 740% વધારો જોવા મળ્યો છે. આ આંકડો પરાળ સળગાવવાની ઘટનાઓમાં એક દિવસમાં સૌથી વધુ છે.
પ્રદૂષણમાં દિલ્હી નંબર વન પર
આજે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500 સુધી પહોંચી ગયો હતો. નવી દિલ્હી છેલ્લા છ દિવસથી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચ પર છે. હવાની ગુણવત્તા ક્રિટિકલ કેટેગરીમાં પહોંચ્યા બાદ દિલ્હી સરકારે અનેક નવા નિયંત્રણોનું એલાન કર્યું છે. ઓલા-ઉબેર પર પ્રતિબંધની સાથે જ દિલ્હીની તમામ શાળાઓને 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર ખાનગી કાર માટે પણ ઓડ-ઈવન સ્કીમ લાગુ કરવા જઈ રહી છે.