RBI ઓફિસને ધમકીભર્યો ઈ-મેલ કરનારની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી કરી ધરપકડ
- ઈ-મેલ કરીને RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી હતી
નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
RBI Office Blast Threat: દેશની આર્થિક રાજધાની મુંબઈ સ્થિત ભારતીય રિઝર્વ બેંક (RBI) ઓફિસને ગઈકાલે ઈ-મેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઈ-મેલ કરનાર વ્યક્તિની વડોદરાથી ધરપકડ કરી લીધી છે. તેની સાથે પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે.
પોલીસ જણાવ્યું છે કે, આ ઈ-મેલ કરનારો આરોપી નશામાં નહતો પરંતુ તેણે કયા કારણસર એ ઈ-મેલ કર્યો તેની અમે તપાસ કરી રહ્મા છીએ.
RBI ગવર્નર અને નાણામંત્રીના રાજીનામાંની કરી હતી માંગ
મુંબઈ સ્થિત આરબીઆઈ ઓફિસને ઈ-મેલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઈ-મેલમાં આરોપીએ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી હતી. આ ઉપરાંત તેણે HDFC અને ICICI બેંક સહિત 11 સ્થળને બોમ્બ વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી હતી.