ગુજરાત સહિત 16 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
IMD Weather Forecast : ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત સહિત નવ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીના જણાવ્યા મુજબ ગુજરાત, રાજસ્થાન, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, કેરળ, આસામ અને મેઘાલયમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે ઍલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત-રાજસ્થાનમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના
આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં 22થી 30 ઑગસ્ટ દરમિયાન અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે આ સમયગાળામાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 21થી 26 ઑગસ્ટ દરમિયાન, ઉત્તરાખંડમાં 26 ઑગસ્ટ સુધીમાં, ઉત્તર પ્રદેશમાં 24 ઑગસ્ટ સુધી જુદા જુદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશમાં 26 ઑગસ્ટ સુધી, મહારાષ્ટ્રમાં 21-26 ઑગસ્ટ વચ્ચે, છત્તીસગઢમાં 24 ઑગસ્ટ સુધી, ગોવામાં 26 ઑગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાંચો : કોલકાતા, બદલાપુર... હવે અહીં 8 નરાધમોએ આદિવાસી મહિલા સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ
ત્રિપુરામાં ભૂસ્ખલનમાં સાતના મોત, રાજસ્થાનમાં ભારે વરસાદ
ત્રિપુરામાં ત્રણથી ચાર સ્થળો પર સતત વરસાદ પડવાના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદના કારણે દક્ષિણ ત્રિપુરામાં પાંચ લોકોના અને ગોમતી તેમજ ખોવાઈ જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
રાજસ્થાનની વાત કરીએ તો અહીં જયપુર સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જયપુરમાં 85 મિલીમીટર, ધૌલપુરના રાજાખેડામાં 78, ઝાલાવાડના ગંગધારમાં 65 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાના પણ અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કર્યા બાદ દક્ષિણ ત્રિપુરામાં રેડ ઍલર્ટ અને સાત જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.