મહારાષ્ટ્રના રાજકારણમાં ગુજરાત મુદ્દે હોબાળો, સંજય રાઉતે આ મુદ્દો ચગાવતા ફડણવીસે આપ્યો જવાબ
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ વચ્ચે ગુજરાતનો મુદ્દો ઉછળ્યો છે. શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) ગુજરાતનો ઉલ્લેખ કરી ચોંકાવનારો દાવો કર્યો છે. રાઉતના દાવા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપ દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) દાવા પર મોટો ખુલાસો કર્યો છે. ફડણવીસે વિપક્ષ પર મહારાષ્ટ્રની પ્રતિષ્ઠાને ખરડવાનો આક્ષેપ કરી વિપક્ષ દ્વારા ખોટો પ્રોપગેંડા ફેલાવાનો આક્ષેપ કર્યો છે.
સંજય રાઉતના દાવાનો ફડણવીસે આપ્યો જવાબ
સંજય રાઉતે મહારાષ્ટ્રના પ્રોજેક્ટો ગુજરાત (Gujarat) ખસેડાયા હોવાના સંભાવના વ્યક્ત કર્યા બાદ ફડણવીસે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. ફડણવીસે કહ્યું કે, ‘વિપક્ષે દાવો કર્યો છે કે, રિન્યુ પાવર પ્લાન્ટ મહારાષ્ટ્રથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કંપનીએ રિન્યુ પાવરમાં રોકાણ વધાર્યું છે. સરકારે તેના પ્રોજેક્ટને યથાવત્ રાખ્યા છે. રિન્યુ કંપનીએ માત્ર મહારાષ્ટ્રમાં રહીને જ નહીં પરંતુ તેનું રોકાણ વધારીને પણ તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ પણ વાંચો : તિરુપતિના પ્રસાદમાં મિલાવટ: પ્રાણીઓની ચરબી, ફિશ ઓઇલ હોવાનું લેબ રિપોર્ટમાં બહાર આવ્યું
સંજય રાઉતે પ્રોજેક્ટો ખસેડાયાનો કર્યો હતો આક્ષેપ
શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પ્રતિષ્ઠિત ગણેશ ઉત્સવ સહિત મુંબઈના ઉદ્યોગો અને સાંસ્કૃતિક કાર્યક્રમોને ગુજરાતમાં ખસેડવાની સંભાવના પર તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી. રાઉતે મુંબઈના સંશાધનોને ગુજરાત ટ્રાન્સફર કરવાનું નિવેદન આપી લોકોમાં ડર ઉભો કર્યો હતો. રાઉતે આ મુદ્દે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.
રિન્યુ કંપનીએ પણ રિપોર્ટને ગણાવ્યા પાયાવિહોણા
ઉલ્લેખનીય છે કે, રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપની રિન્યુ કેટલાક રિપોર્ટને કારણે વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. અહેવાલોમાં એવી માહિતી સામે આવી હતી કે, કંપની મહારાષ્ટ્રથી ગુજરાતમાં તેનું રોકાણ શિફ્ટ કરી રહી છે. તેની પાછળના કારણોમાં વીજળીના ઊંચા દર અને સરકારી અધિકારીઓ સાથેની વાટાઘાટોમાં અડચણો હોવાનું જણાવાયું હતું.
જો કે, કંપનીએ આ અહેવાલોને ભ્રામક અને ખોટા ગણાવ્યા અને મહારાષ્ટ્ર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃ સમર્થન આપ્યું. કંપનીએ રાજ્યમાં, ખાસ કરીને સૌર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ ચાલુ રાખવાની તેની યોજનાઓની રૂપરેખા આપી હતી, અને ગુજરાત અથવા અન્ય કોઈપણ રાજ્યમાં સમાન સાહસો સ્થાપવાના કોઈપણ દાવાને રદિયો આપ્યો હતો.