કોરોનાએ માથું ઊંચક્યું! દેશમાં 9 દિવસમાં કેસની સંખ્યા બમણી, વધુ બે રાજ્યોમાં દર્દી મળતાં ખળભળાટ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા તમામ રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક કરશે
કેરળ બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં પણ નવા વેરિયન્ટના 19 કેસ મળી આવ્યાની માહિતી મળી રહી છે
Corona New variant JN.1 News | દેશમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. કેરળ બાદ હવે વધુ બે રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ની પુષ્ટી થઈ છે. આ સાથે ભારતમાં કોરોનાના કેસ 9 દિવસમાં બમણાં થઈ ગયા છે.
હવે કયા રાજ્યોમાં કેસ મળ્યાં?
માહિતી અનુસાર કેરળ બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં પણ નવા વેરિયન્ટના 19 કેસ મળી આવ્યાની માહિતી મળી રહી છે. તેમાં એક કેસ મહારાષ્ટ્રનો છે જ્યારે 18 કેસ ગોવાના જણાવાઈ રહ્યા છે. અગાઉ ગુજરાતમાં પણ કોરોનાના બે કેસ નોંધાયા હતા.
કોરોનાના કેસનો આંકડો કેટલો થયો?
હવે દેશમાં કોરોનાના કેસ વધીને 2000ની નજીક પહોંચી ગયા છે. જોકે 11 ડિસેમ્બરે કોરોનાના કેસની સંખ્યા 938 જ હતી. મહામારી ફરી ઉથલો મારે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે આ મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા તમામ રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.
ચીન, અમેરિકા, સિંગાપોરમાં હાહાકાર
ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 હાલના સમયે અમેરિકા, ચીન અને સિંગાપોર જેવા દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો બીમાર પડી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ડબ્લ્યૂએચઓએ પણ નવા વેરિયન્ટને ક્લાસિફાઈડ કરતાં વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની કેટેગરીમાં નાખી દીધું છે. સાથે ડબ્લ્યૂએચઓએ કહ્યું કે આ કોરોના વેરિયન્ટ એટલો ઘાતક નથી કેમ કે તેનાથી થનારા મૃત્યુની સંખ્યા ઓછી છે. જેથી ડરવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે.