'24ની ચૂંટણીમાં મેનકા કે વરૂણને ભાજપા ટિકિટ આપે તે સંભવિત લાગતું નથી

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
'24ની ચૂંટણીમાં મેનકા કે વરૂણને ભાજપા ટિકિટ આપે તે સંભવિત લાગતું નથી 1 - image


- વરૂણ, રાહુલને પદયાત્રા દરમિયાન દિલ્હીમાં મળ્યા હતા

- પક્ષના આંતરિક વર્તુળોને ટાંકતાં મીડિયા કહે છે : ઉ.પ્ર.માં ભાજપા સુલ્તાનપુર અને પિલભિતમાં ઉમેદવારો શોધે છે

લખનૌ/નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મેનકા ગાંધી કે વરૂણ ગાંધીને પિલભત કે સુલ્તાનપુરમાંથી ચૂંટણી લડવાની ટિકીટ આપે તે સંભવિત લાગતું નથી.

આ માહિતી આપતાં અમર ઉજાલા સહિત અન્ય મિડીયા રિપોર્ટસ પણ જણાવે છે કે તે માતા-પુત્રે ભાજપના સ્થાનિક કાર્યકરોનો ટેકો ગુમાવી દીધો છે. આ સાથે અહેવાલો તેમ પણ જણાવે છે કે ભાજપે તે બંને સીટો ઉપર અન્ય ઉમેદવારોની શોધ પણ શરૂ કરી દીધી છે.

સુલ્તાનપુર સ્થિત ભાજપના કાર્યકરો જણાવે છે કે, સુલ્તાનપુરની જનતા મેનકા ગાંધી પ્રત્યે રોષે ભરાઈ છે. કારણ કે તેઓ તેમના મત વિસ્તારની મુલાકાતે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાગ્યે જ આવતાં હોય છે. તેટલું જ નહીં પરંતુ અહીં (સુલ્તાનપુરમાં) યોજાતા કાર્યક્રમોમાં પણ ભાગ્યે જ ઉપસ્થિત રહે છે.

ભાજપાની સર્વે પિલભિતના સાંસદ વરૂણ પ્રત્યે પણ ત્યાંની જનતાને અસંતોષ હોવાનું કહે છે. તે ઉપરાંત ખેડૂત આંદોલન દરમિયાન વરૂણે કરેલા વિધાનો તથા અન્ય સ્થળોએ પણ કરેલા વિધાનો પક્ષ (ભાજપ) વિરોધી બની રહ્યાં હોવાથી ઉ.પ્ર. ભાજપ, તેમનાથી નારાજ છે.

નિરીક્ષકો તેમ પણ જણાવે છે કે રાહુલ ગાંધી તેઓની ભારત જોડો યાત્રા દરમિયાન દિલ્હીમાં રોકાયા હતા. ત્યારે વરૂણ ગાંધી તેઓને મળવા ગયા હતા. તેવું પણ કહેવાય છે કે કાકા-કાકાના બંને ભાઈઓ કેટલોક સમય એકલા પણ મળ્યા હતા. ભાજપા મોવડી મંડળે પણ તેની નોંધ લીધી હતી.

વરૂણ ગાંધી કેન્દ્રની ભાજપ સરકારના કેટલાક નિર્ણયોની જાહેરમાં પણ ટીકા કરતા હતા તેથી મોવડી મંડળ વધુ નારાજ થયું હતું.

વધુમાં પિલભિતના આ સાંસદ (વરૂણ ગાંધી) પક્ષના કોઈ મહત્વના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેતા ન હોવાથી પાર્ટી વર્કર્સ પણ તેમનાથી નારાજ છે. તેથી ભાજપ મોવડી મંડળ કદાચ તેઓની તે બંને સીટ ઉપર ૨૪ની લોકસભાની ચૂંટણીમાં ટિકીટ આપે તે સંભાવના નહીંવત મનાય છે. ભાજપા તે બંને બેઠકો માટે યોગ્ય ઉમેદવારો શોધી રહી હોવાનું પણ કહેવાય છે.


Google NewsGoogle News