VIDEO: વરસાદ-પૂરનો કહેર, મુંબઈના રસ્તા બેટમાં ફેરવાયા, ગુજરાતમાં 9 મોત, રાજસ્થાનના અનેક વિસ્તારો જળમગ્ન

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
VIDEO: વરસાદ-પૂરનો કહેર, મુંબઈના રસ્તા બેટમાં ફેરવાયા, ગુજરાતમાં 9 મોત, રાજસ્થાનના અનેક વિસ્તારો જળમગ્ન 1 - image


India Rain : દેશના ઘણાં રાજ્યોમાં ચોમાસું બરાબરનું જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં સતત વરસાદ પડવાના કારણે ઘણાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર વચ્ચે આઠ લોકોના મોત નિપજ્યા છે. તો રાજસ્થાનમાં પણ ઘણાં શહેરો જળમગ્ન થયા જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલો મળ્યા છે, તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા અનેક કોલેજો અને શાળાઓ બંધ રાખવાની નોબત આવી છે. હાલ મળતા અહેવાલો મુજબ મુંબઈમાં હજુ પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

મુંબઈમાં આખી રાત વરસાદ પડતા વાહનવ્યવહાર ખોરવાયો

મુંબઈ (Mumbai)ની વાત કરીએ તો અહીં આખી રાત વરસાદ પડવાના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. અંધેરીના સબવેમાં પાણી ભરાવાના કારણે વાહનો જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. બીજીતરફ હવામાન વિભાગે મુંબઈના જુદાં જુદાં વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. શહેરમાં હાલ 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદની સ્થિતિના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ચારોકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત રસ્તાઓ પર પણ ટ્રાફિક થયો છે.

પુણેમાં ઘણાં વિસ્તારોમાં લોકો ફસાયા, રેસ્ક્યુ પુરજોશમાં

બીજીતર પુણે (Pune)માં પણ આખી રાત વરસાદ પડવાના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. શહેર અને જિલ્લાના ઘણાં વિસ્તારો પુરના પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. અહીં સ્કૂલો બંધ રાખવામાં આવી છે, જ્યારે લોકોના બચાવવા માટે હોડીઓ પણ તહેનાત કરવામાં આવી છે. સ્થિતિ એવી છે કે, ઘણાં સ્થળોએ લોકો ફસાયાની માહિતી મળ્યા બાદ રેસ્ક્યુની ટીમે પણ પુરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. પૂણેમાં વિવિધ સ્થળોએ ફસાયેલા 200થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. એકતા નગરીમાં બે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં જ ફસાઇ ગયા છે. શહેરમાં ફાયર બ્રિગેડ, પોલીસ, SDRF, NDRFની ટીમો સહિત અન્ય એજન્સીઓ જુદાં જુદાં વિસ્તારોમાં પહોંચી લોકોને બચાવવાની કામગીરી લાગી ગઈ છે. 

મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં હાલ ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વિલે પાર્લે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના વીડિયો સામે આવ્યા છે, જેમાં મૂશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે.

રાજસ્થાનના ઘણાં શહેરો જળમગ્ન

રાજસ્થાન (Rajasthan)ની વાત કરીએ તો અહીં છેલ્લા 18 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અહીંના ઘણાં શહેરોમાં પાણી ભરાવાના કારણે લોકો ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે. જયપુર રોડ તરફની ઘણી કોલોનીઓ સંપર્કવિહોણી થઈ ગઈ છે. જયપુર (Jaipur)માં બુધવારે ભારે વરસાદ પડ્યા બાદ ઘણાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, જ્યારે નદી પણ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે. 

ગુજરાતમાં નવ લોકોના મોત

ગુજરાત (Gujarat)નાં અનેક જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. અહીં ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ પડવાના કારણે  અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. અહીં વડોદરા, ભરૂચ, સુરત અને આણંદ સહિત ઘણાં જિલ્લાઓમાં પુરી જેવી સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં નવ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ સાથે સિઝનમાં મૃત્યુનો આંકડો 61 થયો છે. વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરમાં 13 ઈચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા હતા. બીજી તરફ મોડી રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી નરહરિ હોસ્પિટલ નજીક મગર તણાઈ આવ્યો હતો. જોકે, લોકો દ્વારા આ મગરનું સફળ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો હતો. અહીં ભારે વરસાદના પગલે રાજ્યના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.


Google NewsGoogle News