‘આવી સ્થિતિમાં જીવવા કરતા જેલમાં મરી જાઉં તો સારું..’ જેટ એરવેઝના ફાઉન્ડરે કેમ આવું કહ્યું?
નરેશ ગોયલ અને તેમની પત્ની વિરુદ્ધ ગયા મહિને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી
નરેશ ગોયલે કોર્ટમાં હાજર થતા પહેલા પોતાનો હેલ્થ રિપોર્ટ જમા કરાવ્યો હતો
Jet Airways : જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની મની લોન્ડરિંગ કેસમાં 14 સેપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે નરેશ ગોયલને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેની હાલત ખુબ ખરાબ જણાઈ રહી હતી. તેણે જજ સામે કહ્યું કે તેણે જીવનની દરેક આશા ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં જીવવા કરતા જેલમાં મરવું સારું છે.તેની ખરાબ તબિયતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની સંભાળ રાખવા અને તેણે શક્ય તમામ મદદ પૂરી પડવાનો આદેશ આપ્યો હતો.
નરેશ ગોયલે કોર્ટમાં હેલ્થ રિપોર્ટ કર્યો હતો જમા
કોર્ટમાં હાજર થતા પહેલા નરેશ ગોયલે પોતાનો હેલ્થ રિપોર્ટ જમા કરાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે તેની બીમાર પત્નીને ખુબ યાદ કરી રહ્યા છે. તેની પત્ની હાલ એક ગંભીર બીમારીથી પીડિત છે. જણાવી દઈએ કે ગયા મહિને નરેશ ગોયલ અને તેની પત્ની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે વકીલને કાળજી લેવાનો આપ્યો નિર્દેશ
નરેશ ગોયલની ખરાબ તબિયતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજ એમજી દેશપાંડેએ કહ્યું, ‘કોર્ટે તેમનાં વકીલને તેમની બીમારીને ધ્યાનમાં રાખીને કાળજી લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ખાતરી આપી છે કે તેમનાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.’ કોર્ટે આ વાતનું પણ સંજ્ઞાન લીધું છે કે તે કોઈની મદદ વિના ઉભા પણ રહી શકે તેમ નથી. જજની ટિપ્પણીમાં લખવામાં આવ્યું કે જેલ સ્ટાફની મદદની પણ મર્યાદા હોય છે.
‘ડોકટરને મળવામાં ઘણો સમય લાગે છે’
જજ એમજી દેશપાંડેએ કહ્યું, ‘ગોયલે કહ્યું છે કે તેને વારંવાર વોશરૂમ જવું પડે છે. કેટલીક વાર પેશાબ દ્વારા લોહી પણ નીકળે છે. તેણે કહ્યું કે જેજે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધારે છે. આવી સ્થિતિમાં ઘણીવાર ડોકટરને મળવામાં ઘણો સમય લાગે છે. આ તમામ વસ્તુઓ તેના સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરે છે.’