શ્વાસ સંબંધી રોગોમાં કોઈ વધારો નથી, પરંતુ રાજ્યોને ઍલર્ટ રહેવાની સૂચના, જાણો HMPV અંગે કેવી છે કેન્દ્રની તૈયારી
HMPV Virus Cases: દેશમાં HMPV વાઇરસના વધતાં જતાં કેસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય સક્રિય બન્યું છે. જો કે સારી વાત એ છે કે શ્વાસ સંબંધી રોગોમાં કોઈ વધારો થયો નથી. પરંતુ આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને શ્વસન રોગોની ઓળખ કરવા માટે ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) અને ઇન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) માટે દેખરેખ વધારવાની સલાહ આપી છે.
કેન્દ્રએ સૂચના આપી
કર્ણાટકના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) પરની બેઠક દરમિયાન SARI અને ILI કેસ પર તકેદારી વધારવા સૂચનાઓ આપી હતી. તેમજ અધિકારીએ જણાવ્યું હતું કે, 'એક સલાહ આપવામાં આવી છે કે તમામ SARI કેસોનું HMPV માટે પરીક્ષણ કરવું અને પરીક્ષણ માટેની કિટ્સ રાજ્યોને મોકલવામાં આવશે.'
કર્ણાટક સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યમાં સામાન્ય શરદી, ILI અને SARI જેવા શ્વસન ચેપ અંગેના ડેટાનું વિશ્લેષણ કર્યું છે અને ડિસેમ્બર 2024માં નોંધાયેલા કેસોની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી.
સોમવારે તમામ રાજ્યોની IDSP સમીક્ષામાં પણ દેશમાં શ્વસન ચેપમાં કોઈ મોટો વધારો નોંધાયો નથી. તેમજ ભારતમાં ડિસેમ્બરમાં HMPVના 9 કેસ મળી આવ્યા હતા, જેમાં મૃત્યુદર શૂન્ય હતો.
આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
ડિસેમ્બરમાં HMPV 9 કેસ નોંધાયા
દેશમાં ડિસેમ્બર 2024માં 714 શંકાસ્પદ કેસોની તપાસ બાદ HMPV માટે 1.3 ટકાના બનાવો નોંધાયા હતા. ડિસેમ્બરમાં નોંધાયેલા નવ કેસોમાં પુડુચેરીના ચાર, ઓડિશાના બે અને ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના એક-એક કેસનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓ સાજા થયા છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ત્રણ કેસમાંથી, બેંગલુરુમાં ત્રણ મહિનાના બાળકને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે આઠ મહિનાનું બાળક પણ સ્વસ્થ થઈ રહ્યું છે. અમદાવાદના કેસમાં, દર્દી સ્વસ્થ થઈ ગયો છે અને તેને રજા આપવામાં આવી છે.