'ગુજરાતી vs રાજસ્થાની'! ચૂંટણી ટાણે અશોક ગેહલોતે PM મોદી વિરુદ્ધ 'બાહરી vs લોકલ' કાર્ડ ખેલ્યો
ગેહલોતે ખુદને રાજસ્થાની ગણાવતાં કહ્યું કે એક ગુજરાતી આવીને વોટ માગી રહ્યો છે તો હું ક્યાં જઈશ
અશોક ગેહલોતે કહ્યું કે 2017ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે પીએમ મોદીએ ગુજરાતી કાર્ડ રમીને ચૂંટણીના પરિણામો ફેરવી નાખ્યા
Rajasthan Election 2023 | રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot attack on PM Modi) ચૂંટણી પ્રચારના છેલ્લાં દિવસે 'બાહરી vs લોકલ' નો કાર્ડ ખેલી નાખ્યો હતો. ગેહલોતે ખુદને રાજસ્થાની ગણાવતાં કહ્યું કે એક ગુજરાતી આવીને વોટ માગી રહ્યો છે તો હું ક્યાં જઈશ. ગેહલોતે પીએમ મોદીના એક કથિત નિવેદનનો ઉલ્લેખ કરતાં આ વાત કહી હતી અને કહ્યું કે તેમણે પણ ગુજરાતમાં આવી વાત કહીને ચૂંટણી પલટી નાખી હતી.
ગેહલોતે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કર્યો ઉલ્લેખ
અશોક ગેહલોતે કહ્યું કે 2017ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી વખતે પીએમ મોદીએ ગુજરાતી કાર્ડ રમીને ચૂંટણીના પરિણામો ફેરવી નાખ્યા હતા. ત્યારે હું કોંગ્રેસનો ઈન્ચાર્જ હતો. ગેહલોતે કહ્યું કે પીએમ મોદી જે અભિનેતા પણ છે તેમણે તે વખતે કહ્યું હતું કે હું ઓબીસીનો છું, મને અપશબ્દો કહ્યા. કમાલ છે, કોઈએ તેમને અપશબ્દો નહોતા કહ્યા. તેમણે એકદમ માહોલ બનાવી દીધો.
મને મારવાડી કહીને મુદ્દો બનાવ્યો
અશોક ગેહલોતે કહ્યું કે તે સમયે મોદીએ મને ટાંકીને કહ્યું હતું કે એક મારવાડી આવ્યો છે અહીં, ભાઈઓ-બહેનો જો મારવાડીની વાત માનશો તો હું તો ગુજરાતી છું. હું કોની પાસે વોટ માગવા જઈશ. ગેહલોતે કહ્યું કે તે સમયે મોદીએ ગુજરાતી બનીને લોકોથી વૉટ લઈ લીધા. અમે સફળ થવાના જ હતા અને ન થયા.
ગેહલોતે લીધો બદલો
અશોક ગેહલોતે કહ્યું કે હવે તે ગુજરાતી અહીં આવ્યા છે. અમે તો એવું નથી કહેતા કે ગુજરાતી આવ્યો છે ભાઈ. ભાઈઓ-બહેનો ગુજરાતીની વાત માનશો તો હું ક્યાં જઈશ. ગેહલોતે કહ્યું કે હું પણ હવે એ જ કહી રહ્યો છું કે રાજસ્થાનના લોકો એક ગુજરાતી અહીં આવીને ફરી રહ્યો છે, વોટ માગી રહ્યો છે અને હું તમારો છું, તમારાથી દૂર નથી. હું ક્યાં જઈશ. તેમણે પીએમ મોદીની ભવિષ્યવાણી અંગે કહ્યું કે હવે પીએમ મોદી કહે છે કે હું ગેરન્ટી આપું છું કે ચોથી વખત ગેહલોત સીએમ નહીં બને. જુઓ એ તો ભવિષ્યવક્તા બની ગયા.