'ગુજરાત મોડેલ'ની પોલ ખુલી! કૂપોષિત બાળકો મામલે દેશમાં બીજા ક્રમે, લોકસભામાં ચોંકાવનારો ખુલાસો
ગુજરાતમાં 41632 બાળકોને છેલ્લાં ત્રણ વર્ષોમાં ન્યૂટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર (Nutrition Rehabilitation Center) ખાતે દાખલ કરવામાં આવ્યા
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હીરેન બેન્કરે કહ્યું કે ગુજરાતમાં દર વર્ષે 12 લાખ બાળકો જન્મે છે અને તેમાંથી દર વર્ષે 30000 બાળકો મૃત્યુ પામી જાય છે, જે વાસ્તવિકતા છે
Gujarat Model Flop | આમ તો આખા ભારતમાં ગુજરાત મોડેલની ચર્ચા જોરશોરથી કરાતી હોય છે પણ શું તમને ખબર છે કે આપણાં ગુજરાતમાં જ લગભગ 40000થી વધુ બાળકો કૂપોષણથી પીડાઈ રહ્યા છે. તમને એ વાત પણ ચોંકાવશે કે ન્યૂટ્રિશન રિહેબિલિટેશન સેન્ટરમાં બાળકોના દાખલ થવાની સંખ્યા મામલે ગુજરાત ભારતમાં બીજા ક્રમે પહોંચી ગયું છે અને ઉપરથી આંકડો છેલ્લા ત્રણ વર્ષમાં બમણો થઈ ગયો છે જે મોટી ચિંતાનો વિષય છે.
લોકસભામાં ચોંકાવનારા આંકડા જાહેર કરાયા
લોકસભામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા ખરેખર ચોંકાવનારા સાબિત થયા. તે અનુસાર પાંચ વર્ષથી નાની વયના એવા હજારો બાળકો છે જેઓ ગંભીર કૂપોષણની સમસ્યાથી (severe acute malnutrition - SAM) પીડાઈ રહ્યા છે. જેમાંથી ગુજરાતમાં 41632 બાળકોને છેલ્લાં ત્રણ વર્ષોમાં ન્યૂટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર (Nutrition Rehabilitation Center) ખાતે દાખલ કરવામાં આવ્યા.
કોણે પૂછ્યો સવાલ અને કોણે આપ્યો જવાબ?
સાંસદ ધનુષ એમ.કુમાર અને સેલ્વમ જી વતી લોકસભામાં આ સવાલ કરાયો હતો જેના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 2020-21માં દેશભરમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા નેશનલ રિહેબિલિટેશન સેન્ટરમાં પાંચ વર્ષથી નાની વયના ગંભીર કૂપોષણ અને અન્ય મેડિકલ સમસ્યાઓથી પીડાતા બાળકોની સંખ્યા 1.04 લાખ હતી. જ્યારે 2021-22માં આવા કેસની સંખ્યા 1.32 લાખ, 2022-23માં 1.89 લાખ અને 2023-24માં 56000 પર પહોંચી ગઈ હતી.
ગુજરાતની સ્થિતિ કેવી?
લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જવાબમાં જણાવાયું કે ગુજરાતમાં ગંભીર કૂપોષણથી પીડાતા બાળકોના કેસની સંખ્યા 2020-21માં 9606, 2021-22માં 13048 અને 2022-23માં 18978 રહી હતી. જો ચાલુ વર્ષની વાત કરીએ તો જૂન 2023 સુધીમાં જ ગુજરાતમાં આવેલા ન્યૂટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર ખાતે 5694 બાળકોને દાખલ કરાયા હતા જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
ગુજરાત કોંગ્રેસે શું કહ્યું?
આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હીરેન બેન્કરે કહ્યું કે ગુજરાતમાં દર વર્ષે 12 લાખ બાળકો જન્મે છે અને તેમાંથી દર વર્ષે 30000 બાળકો મૃત્યુ પામી જાય છે. આ વાસ્તવિકતા છે. છેલ્લાં પાંચ વર્ષોમાં રાજ્ય સરકારના આંકડામાં જ ખુલાસો થયો હતો કે 7,15,515 બાળકો કૂપોષિત હતા.
અવિકસિત બાળકો મામલે પણ ગુજરાતની હાલત દયનીય
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સરવે 5 (National Family Health Survey) ના આંકડા અનુસાર અવિકસિત બાળકો મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં 39% બાળકો એવા છે જેમનું વજન તેમના આયુષ્યના પ્રમાણમાં ઓછું છે.