ગુજરાત ચૂંટણીની રેલીમાં શ્રદ્ધા મર્ડર કેસનો ઉલ્લેખ: 'જો મોદી PM નહીં રહે તો દેશના દરેક શહેરમાં આફતાબ પેદા થશે' - આસામ CM
- હિમંત શર્માએ આ હત્યાનું વિવરણ આપતા તેને લવ જિહાદ ગણાવ્યું
અમદાવાદ, તા. 19 નવેમ્બર 2022, શનિવાર
દિલ્હીની શ્રદ્ધા વોકરની હૃદયદ્રાવક હત્યાના પડઘા ગુજરાત ચૂંટણીમાં પણ પડવા લાગ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કચ્છમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે, જો દેશમાં કોઈ મજબૂત નેતા ન હોત તો આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીશું.
શર્મા એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે, નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજો કાર્યકાળ આપવાની જરૂર છે. હિમંત શર્માએ આ હત્યાનું વિવરણ આપતા તેને લવ જિહાદ ગણાવ્યું હતું.
શર્માએ કહ્યું કે, આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી લાવ્યો અને લવ જિહાદના નામ પર તેના 35 ટૂકડા કરી નાખ્યા. અને મૃતદેહને ક્યાં રાખ્યો? ફ્રિઝમાં. જ્યારે શ્રદ્ધાનો મૃતદેહ ફ્રિઝમાં હતો ત્યારે તે વધુ એક મહિલાને ઘરે લાવ્યો હતો અને તેને ડેટ કરવાનું શરૂ કરી દીધું. શર્માએ આગળ કહ્યું કે, જો દેશમાં એક શક્તિશાળી નેતા નહી હોય જે રાષ્ટ્રને પોતાની માતા માને છે તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે. આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીશું.
તેમણે આગળ કહ્યું કે, એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, નરેન્દ્ર મોદીને 2024માં ત્રીજી વખત ફરીથી પીએમ બનાવવામાં આવે.
શ્રદ્ધા અને આફતાબ બંને કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા. બંને મુંબઈથી દિલ્હી આવી ગયા હતા અને આફતાબે તેની હત્યા કરી નાખી. તેણે તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી અને ત્યારબાદ તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા અને તેને એક ફ્રિઝમાં રાખી દીધા હતા. અને તેને અલગ-અલગ ઠેકાણે ફેંક્યા હતા.